Get The App

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ 1 - image

- છ મહિના બાદ લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટનો છૂટકારો

- આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિકો સાથે સંવાદ શરૂ કરવાના ઉદ્દેશ્યથી લેવાયો : કેન્દ્ર

- મહિના પહેલા સુપ્રીમે પણ અટકાયતમાં રાખવાના આધાર પુરાવા પર સવાલો ઉઠાવ્યા હતા, મેડિકલ રિપોર્ટ માગ્યો હતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પર લગાવેલ રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ એનએસએ હટાવી લીધો છે. સાથે જ તાત્કાલીક અસરથી વાંગચુકની અટકાયત પણ રદ કરી દેવામાં આવી છે. જેના પગલે વાંગચુકને મોડી સાંજે જોધપુરની જેલમાંથી મુક્ત કરાયા હતા. સરકારનો દાવો છે કે આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. 

સોનમ વાંગચુક ઘણા સમયથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા તેમજ બંધારણની છઠ્ઠી યાદીમાં સામેલ કરવાની માગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. ગયા વર્ષે ૨૬ સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની અટકાયત કરવામાં આવી હતી. લેહમાં હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે સોનમ વાંગચુક સામે નેશનલ સિક્યોરિટી એક્ટ એનએસએ લગાવાયો હતો. ત્યારથી તેઓ જોધપુરની જેલમાં કેદ છે. સોનમ વાંગચુકની અટકાયત વિરુદ્ધ તેમના પત્ની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. 

સરકાર સુપ્રીમ કોર્ટમાં સોનમ વાંગચુકની અટકાયતનો બચાવ કરી રહી હતી હવે અચાનક જ તેમને છોડી મુકવાનો નિર્ણય લેવાયો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સોનમ વાંગચુક સામેનો એનએસએ હટાવવાના નિર્ણયથી લદ્દાખની માગણીઓને લઇને ચાલી રહેલા વિવાદનો પણ અંત આવી જશે. સરકાર લદ્દાખના લોકો સાથે સંવાદ કરવા અને શાંતિ, વિશ્વાસનો માહોલ સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણય તમામ હિતધારકોની સાથે રચનાત્મક અને સાર્થક સંવાદને સરળ બનાવવા માટે લેવાયો છે.

નોંધનીય છે કે એનએસએ એવા સંજોગોમાં લગાવાય છે જ્યારે દેશને ખતરો હોય, આ કાયદા હેઠળ સરકાર આરોપીને અટકાયતમાં લઇ શકે છે અને ૧૨ મહિના સુધી નજરકેદ રાખી શકે છે. ૧૬મી ફેબુ્રઆરીના રોજ સુપ્રીમ કોર્ટે સોનમ વાંગચુકની અટકાયતનો આધાર રહેલા વીડિયો અને અન્ય પુરાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ મેડિકલ રિપોર્ટ પણ માગી હતી. સુપ્રીમમાં આશરે ૨૪ વખત મામલાને લિસ્ટેડ કરવામાં આવ્યો હતો. અંતે હવે સરકારે નરમ વલણ અપનાવ્યું છે અને સોનમ વાંગચુકને છોડી મુકવાનો નિર્ણય લીધો છે.