એક્ઝામ ન કરાવી શકો તો સત્તા છોડો: પરીક્ષાના 24 કલાક પહેલા પેપરલીક થતાં ભડક્યું વિપક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra TET Exam Postponed : મહારાષ્ટ્રમાં રવિવારે યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)નું પ્રશ્નપત્ર પરીક્ષાના 24 કલાક પહેલા લીક થઈ જતાં, રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આ મહા-કૌભાંડને લઈને વિપક્ષે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર ચોતરફથી આકરા પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસે સરકારની વહીવટી નિષ્ફળતા પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે, વારંવાર થઈ રહેલા પેપર લીક યુવાનોને રસ્તા પર ઉતરવા માટે મજબૂર કરી રહ્યા છે.
થાણે પેપર લીક બાદ પરીક્ષા સત્તાવાર રીતે સ્થગિત
મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના ડેપ્યુટી કમિશનર પ્રિયા શિંદેએ સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરીને પરીક્ષા સ્થગિત થવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'આ પરીક્ષા રવિવાર, 28 જૂન 2026ના રોજ યોજાવાની હતી. પરંતુ થાણેમાં સામે આવેલી પેપર લીકની ઘટના બાદ અમે હાલ પૂરતી આ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં 1,728 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જ્યાં કુલ 6,00,125 ઉમેદવારો ભાગ લેવાના હતા.' તેમણે કહ્યુ કે, 'વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર આ નોટિફિકેશન જોઈ શકે છે, અને કોઈએ ગભરાવાની જરૂર નથી. વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે. તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખે, નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.'
વિજય વડેટ્ટીવારના સરકાર પર આકરા પ્રહાર
TET પેપર લીક મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નાગપુરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'પેપર લીકની આ ઘટનાએ મહેનત કરનારા લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ઘેરી નિરાશામાં ધકેલી દીધા છે.' તેમણે આરોપ લગાવ્યો કે, 'પહેલા પોલીસ ભરતી પરીક્ષા અને હવે TET પરીક્ષામાં પેપર લીક થવું, એ સરકારની મોટી નિષ્ફળતા છે. જે સરકાર નિષ્પક્ષ અને પારદર્શક રીતે પરીક્ષાઓ પણ યોજી શકતી નથી, તેને સત્તા પર રહેવાનો શું અધિકાર છે? જો સરકાર એક્ઝામ નથી કરાવી શકતી, તો સત્તા છોડી દે.'
મોટા માથાઓ સામે કડક કાર્યવાહીની માંગ
વડેટ્ટીવારે માંગ કરી છે કે, આ મામલે માત્ર નાના આરોપીઓ કે વચેટીયાઓ સામે જ નહીં, પરંતુ આખા રેકેટ પાછળ છુપાયેલા મોટા માથાઓ સામે પણ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ નેતાએ NEET પેપર લીક વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રના યુવાનોમાં પણ હવે એવો સંદેશ જઈ રહ્યો છે કે, વર્તમાન શાસન વ્યવસ્થામાં તેમનું ભવિષ્ય બિલકુલ સુરક્ષિત નથી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.









