India

મેટાને ડીપફેક, વાંધાજનક એઆઈ કન્ટેન્ટ તુરંત રોકવા કેન્દ્રનો નિર્દેશ

By GS Team
9 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે મેટાને તેના પ્લેટફોર્મ પરના ડીપફેક, ખોટા પ્રચાર, અને વાંધાજનક કન્ટેન્ટને રોકવા અલ્ગોરિધમમાં સુધારા કરવા આદેશ આપ્યો છે. નવી દિલ્હીમાં થયેલી બેઠકમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મેટાને ભારતીય કાયદા મુજબ 'ઈન્ટરમીડિયરી'નો દરજ્જો આપી શકાય કે નહીં તેની સમીક્ષા શરૂ કરી છે. મેટાએ કન્ટેન્ટ મોડરેશન અને ડેટા લોકલાઈઝેશનના નિયમોનું પાલન કરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાને ડીપફેક, વાંધાજનક એઆઈ કન્ટેન્ટ તુરંત રોકવા કેન્દ્રનો નિર્દેશ
  • મેટાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના અલ્ગોરિધમ બદલવા આદેશ
  • મેટાના પ્લેટફોર્મ્સ ભારતીય કાયદા મુજબ ઈન્ટરમીડિયરીના દરજ્જા માટે સક્ષમ છે કે નહીં તેની સરકારે સમીક્ષા હાથ ધરી
  • કયા યુઝરને કયું કન્ટેન્ટ બતાવવું તે મેટાનું અલ્ગોરિધમ નક્કી કરતું હોવાનો દાવો

નવી દિલ્હી : ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મસની પેરેન્ટ કંપની મેટાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશમાં ઝડપથી વધી રહેલા ડીપફેક, ખોટા પ્રચાર, નુકસાન પહોંચાડનારા એઆઈ કન્ટેન્ટ અને વાંધાજનક વીડિયો-તસવીરો પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. સરકારે મેટાને તેના પ્લેટફોર્મ પર આવા કન્ટેન્ટ વિરુદ્ધ અલ્ગોરિધમમાં જરૂરી સુધારા કરવા જણાવ્યું છે. સાથે સરકારે ભારતીય કાયદા મુજબ મેટાને 'ઈન્ટરમીડિયરી' એટલે કે મધ્યસ્થનો દરજ્જો આપી શકાય કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે શનિવારે મેટાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને તેમને તેમના પ્લેટફોર્મ્સના અલ્ગોરિધમમાં તુરંત સુધાર કરવા નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં સરકારનું સ્પષ્ટ કહેવું છે કે અલ્ગોરિધમમાં સુધારા માટે સ્પષ્ટ કમ્પ્લાયન્સ રોડમેપ સોંપવો પડશે. વધુમાં સરકારનું કહેવું છે કે સરકારી એજન્સીઓ દ્વારા કન્ટેન્ટ હટાવવા અંગે મોકલવામાં આવેલી વિનંતીઓ પર પ્લેટફોર્મે તાત્કાલિક કામ કરવું પડશે. કંપનીએ ભારતના ડેટા લોકલાઈઝેશનના નિયમોનું પાલન કરવું પડશે.
સરકારની ચિંતા વિશેષરૂપે મેટાની એ સિસ્ટમ અંગે છે, જે એ નક્કી કરે છે કે કયા યુઝરને કયું કન્ટેન્ટ બતાવવામાં આવે. અધિકારીઓનું માનવું છે કે કોઈ પ્લેટફોર્મ માત્ર યુઝર તરફથી મૂકાયેલા કન્ટેન્ટને હોસ્ટ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ પોતાની સિસ્ટમ મારફત એ પણ નક્કી કરે છે કે કઈ વ્યક્તિને કયું કન્ટેન્ટ બતાવવું. આ સ્થિતિમાં તેના કાયદાકીય દરજ્જા પર સવાલ ઊઠી શકે છે. મેટા સાથે થયેલી બેઠકમાં તેણે રેકમેન્ડેશન સિસ્ટમ અને રૂપિયા આપીને કન્ટેન્ટ પ્રમોટ કરવાની રીત અંગે પણ સવાલ પૂછ્યા હતા. સરકાર જાણવા માગે છે કે કન્ટેન્ટ પસંદ કરવા અને તેને વિશેષ યુઝર્સ સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા ઈન્ટરમીડિયરી તરીકે મળતી કાયદાકીય સુરક્ષાના નિયમો મુજબ છે કે નહીં.
ભારતના ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ ૭૯ હેઠળ ઈન્ટરમીડિયરીને યુઝર્સ અથવા કોઈ ત્રીજા પક્ષ તરફથી પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે કેટલાક કિસ્સામાં 'સેફ હાર્બર' અંગે કાયદાકીય સુરક્ષા મળેલી છે. જોકે, આ સુરક્ષા ત્યારે જ લાગુ થાય છે જ્યારે પ્લેટફોર્મ નિશ્ચિત શરતો અને જરૂરી જવાબદારીઓનું પાલન કરે. તેમાં ૨૦૨૧ના આઈટી નિયમો હેઠળ ડયુ ડેલિજન્સની શરતોનો પણ સમાવેશ થાય છે.
કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ કાયદાકીય જવાબદારીઓ પૂરી ના કરે તો તેને કલમ ૭૯ હેઠળ મળતી સુરક્ષા ગુમાવવી પડી શકે છે. એવામાં તેના વિરુદ્ધ લાગુ કાયદા હેઠળ અન્ય કાર્યવાહીનો રસ્તો પણ ખૂલી શકે છે. સરકારે મેટા સામે ડીપફેક, ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ, લેબલ વિનાના સિન્થેટિક કન્ટેન્ટ અને કન્ટેન્ટ મોડરેશન સાથે સંકળાયેલા અનેક સવાલ ઊભા કર્યા છે. અધિકારીઓએ સવાલ કર્યો કે નિયમો હેઠળ સિન્થેટિક કન્ટેન્ટની ઓળખ કરવી અને તેના પર લેબલ લગાવવા જરૂરી છે તો યોગ્ય લેબલ વિનાના એઆઈ વીડિયો હજુ પણ પ્લેટફોર્મ પર શા માટે જોવા મળી રહ્યા છે અને ઝડપથી ફેલાઈ રહ્યા છે.
સરકારે મેટાને કન્ટેન્ટના નિરીક્ષણમાં માણસની દખલ વધારવા અને ભારતીય ભાષાઓ સાથે સ્થાનિક સંદર્ભોને વધુ સારી રીતે સમજવાની વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે. આ મુદ્દાઓ પર સરકાર અને કંપની વચ્ચે હજુ વાતચીત ચાલુ રહે તેવી શક્યતા છે. આ સમીક્ષા વિસ્તૃત થાય તો અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પણ તપાસના દાયરામાં આવી શકે છે. તેમની ભલામણની સિસ્ટમ અને કન્ટેન્ટ સંબંધિત રીતોને પણ ભારતીય કાયદા મુજબ ચકાસવામાં આવી શકે છે.