પશ્ચિમ એશિયામાં ગમે ત્યારે મહાયુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પે ઓફિશિયલી ઈરાન સાથેનો યુદ્ધવિરામ ખતમ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરવા ઈચ્છે છે અને અમે પણ તેના માટે તૈયાર છીએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલો યુદ્ધવિરામ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર ટ્રમ્પની સહી સાથે પોસ્ટ
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, 'ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને અમારી સાથે વાતચીત ચાલુ રાખવા વિનંતી કરી છે. અમે તેના માટે સહમત છીએ, પરંતુ અમે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે યુદ્ધવિરામ હવે ખતમ થઈ ગયો છે.' ટ્રમ્પે આ પોસ્ટ પર પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે.
શા માટે અચાનક તણાવ વધ્યો?
થોડા સમય પહેલાં બંને દેશો વચ્ચે એક કામચલાઉ શાંતિ કરાર થયો હતો. આ કરાર મુજબ ઈરાને દરિયાઈ માર્ગે જતા વહાણો પર હુમલા રોકવાના હતા. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં ઈરાને ફરીથી આ દરિયાઈ રસ્તે જહાજો પર બોમ્બમારો શરૂ કરી દીધો. ટ્રમ્પે તેને કરારનો ભંગ ગણાવી યુદ્ધવિરામ ખતમ થવાની જાહેરાત કરી છે.
અમેરિકાએ 170 થી વધુ ઠેકાણા તબાહ કર્યા
ઈરાનની આ હરકતના જવાબમાં અમેરિકી સેનાએ છેલ્લા 2 દિવસમાં ઈરાન પર ખૂબ મોટા હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાએ ઈરાનના 170થી વધુ સૈન્ય અડ્ડા, મિસાઈલ ડેપો અને પરમાણુ પ્લાન્ટની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં ઈરાનના 14 સૈનિકો માર્યા ગયા છે.
ઈરાને અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર છોડી મિસાઈલો
પોતાના પર થયેલા હુમલાથી ભડકેલા ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને કતર, કુવૈત, બહેરીન અને જોર્ડનમાં આવેલા અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી દીધી છે. ઈરાનનું કહેવું છે કે જો અમેરિકા હુમલો કરશે તો તેણે જવાબી કાર્યવાહી ભોગવવી જ પડશે. આ સામસામે થઈ રહેલા હુમલાના કારણે શાંતિ કરાર તૂટી ગયો છે અને મોટા યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે, જોકે ટ્રમ્પના નિવેદનથી હજુ પણ વાતચીતની આશા જીવંત છે.









