CBSE ધોરણ 10ના સેકન્ડ બોર્ડનું રિઝલ્ટ જાહેર, ડિજીલોકર પર જોઈ શકો છો સ્કોરકાર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE 10th Second Board Result : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષા (Second Board Exam 2026)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં ભાગ લેનારા 6.8 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. બોર્ડે પરિણામોની જાહેરાત સાથે જ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની લિંક પણ એક્ટિવેટ કરી દીધી છે. વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરી શકે છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત યોજાઈ હતી બે પરીક્ષાઓ
CBSE એ શનિવારે, 18 જુલાઈ 2026ના રોજ ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત આ વર્ષે પહેલીવાર વિદ્યાર્થીઓને એક જ શૈક્ષણિક સત્રમાં બે વાર બોર્ડ પરીક્ષા આપવાની ઐતિહાસિક તક આપવામાં આવી હતી. બોર્ડની નીતિ અનુસાર, વિદ્યાર્થીઓનું અંતિમ પરિણામ તૈયાર કરવા માટે બંને પરીક્ષાઓ (મુખ્ય અને બીજી પરીક્ષા) માંથી તેમના જે પરીક્ષામાં વધુ માર્ક્સ આવ્યા હોય, એટલે કે 'બેસ્ટ સ્કોર' ને આધાર માનવામાં આવ્યો છે. પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ હવે ડિજિલોકર (DigiLocker)ના સત્તાવાર રિઝલ્ટ પોર્ટલ પર જઈને પોતાના પરિણામ જોઈ શકે છે.
ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં 59.95% વિદ્યાર્થીઓએ માર્ક્સ સુધાર્યા
CBSE એ જાહેર કરેલા આંકડા અનુસાર, આ વર્ષે બીજી બોર્ડ પરીક્ષા માટે કુલ 6,64,027 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 6,63,777 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આમાંથી 5,13,955 વિદ્યાર્થીઓ એવા હતા, જેમણે મુખ્ય પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા બાદ પોતાનો સ્કોર સુધારવા (Improvement) માટે ફરીથી પરીક્ષા આપી હતી. બોર્ડ માટે આ પ્રયોગ ઘણો સફળ રહ્યો, કારણ કે 3,08,095 વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષાની સરખામણીમાં આ વખતે પોતાના માર્ક્સમાં ઘણો સારો સુધારો કર્યો છે.
કમ્પાર્ટમેન્ટ કેટેગરીના પાસિંગ પર્સેન્ટેજમાં પણ થયો સુધારો
બીજી બોર્ડ પરીક્ષા સાથે યોજાયેલી કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં આ વખતે કુલ 1,49,822 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 78,503 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ વર્ષે કમ્પાર્ટમેન્ટ કેટેગરીનું કુલ પાસિંગ પરિણામ 52.40% નોંધાયું છે, જે ગયા વર્ષના 48.68% ની સરખામણીએ ઘણું સારું છે. મુખ્ય પરીક્ષા અને આ બીજી બોર્ડ પરીક્ષા બંનેના આંકડા ભેગા કરીને, વર્ષ 2026 માટે ધોરણ 10નું અંતિમ અને કુલ પાસિંગ પરિણામ શાનદાર 96.78% સુધી પહોંચી ગયું છે.
ડિજિલોકર અને શાળાઓમાંથી આ રીતે મળશે ડિજિટલ ડોક્યુમેન્ટ્સ
CBSE એ સ્પષ્ટ કર્યું છે કે, તમામ સંલગ્ન શાળાઓને તેમની રજીસ્ટર્ડ ઈમેલ આઈડી પર વિદ્યાર્થીઓના પરિણામ અને ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો મોકલી દેવામાં આવશે. વિદેશમાં આવેલી CBSE શાળાઓના વિદ્યાર્થીઓ પણ ડિજિલોકરના માધ્યમથી પોતાનું રિઝલ્ટ અને સર્ટિફિકેટ મેળવી શકે છે.
રેગ્યુલર સ્ટુડન્ટ્સ: નિયમિત રીતે શાળાએ જતા વિદ્યાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ તેમની સંબંધિત શાળાઓમાંથી જ આપવામાં આવશે.
પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ: ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે, પ્રાઇવેટ કેન્ડિડેટ્સને તેમના ડિજિટલ દસ્તાવેજો સીધા ડિજિલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દિલ્હીના વિદ્યાર્થીઓ: દિલ્હી પૂર્વ અને દિલ્હી પશ્ચિમ પ્રાદેશિક કચેરીઓ અંતર્ગત આવતા ખાનગી વિદ્યાર્થીઓ ડિજિલોકર ઉપરાંત તેમને ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પરથી પણ પોતાના ડોક્યુમેન્ટ્સ મેળવી શકે છે.









