હવે બહુ કામ નથી કરી શકતો... નીતિન ગડકરીના સૂચક નિવેદન બાદ સોશિયલ મીડિયામાં નિવૃત્તિની અટકળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari Retirement Rumours : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક તાજેતરના નિવેદને રાજકીય ક્ષેત્રે નવી ચર્ચા જગાવી છે. નાગપુરના કાટોલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, હવે તેઓ વધારે કામ કરી શકે તેમ નથી અને નવી પેઢીને કામ કરવાની તક મળવી જોઈએ. તેમના આ નિવેદન બાદ શું તેઓ સક્રિય રાજકારણમાંથી અંતર જાળવી રહ્યા છે તે અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. જોકે તેમણે રાજકીય સંન્યાસ કે મંત્રીપદ છોડવાની કોઈ સીધી જાહેરાત કરી નથી, પરંતુ તેમનું આ નિવેદન સ્વાસ્થ્ય, વય અને યુવા પેઢીને આગળ વધારવા સાથે જોડાયેલું જણાય છે.
હવે નવી પેઢીને તક મળવી જોઈએ : નીતિન ગડકરી
કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરી (Nitin Gadkari)એ પોતાના આશરે 30 વર્ષના સાર્વજનિક જીવનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમણે જાહેર જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને અનેક સન્માન પણ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે, 'હવે મારે વધારે કામ ન કરવું જોઈએ અને નવી પેઢીને આગળ આવવાની તક આપવી જોઈએ.' તેમના આ નિવેદન બાદ રાજકીય વિશ્લેષકોમાં તેમના ભવિષ્યના કદમ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
‘વ્યક્તિ સ્વસ્થ ન હોય, તો સત્તા અને પદનો કોઈ અર્થ રહેતો નથી’
ગડકરીના નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે, જોકે તેમણે રાજકારણ કે મંત્રીપદ છોડવાની કોઈ જાહેરાત કરી નથી. તેમની વાતચીતનો મુખ્ય હિસ્સો સ્વાસ્થ્યને લગતો હતો. તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી પછી તેમણે પોતાની જીવનશૈલીમાં સુધારો કર્યો છે અને હવે તેઓ નિયમિત યોગ કરે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ ન હોય, તો સત્તા અને પદનો કોઈ અર્થ રહેતો નથી.
‘તે સમયે હું ગમે ત્યારે સમોસા ખાઈ લેતો અને ગમે ત્યાં ઊંઘી જતો’
પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, અગાઉ પક્ષ માટે કામ કરતી વખતે તેમની જીવનશૈલી એકદમ અલગ હતી. તેઓ ગમે ત્યારે સમોસા ખાઈ લેતા અને ગમે ત્યાં ઊંઘી જતા હતા, પરંતુ હવે તેમણે દિનચર્યા બદલી નાખી છે. સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા આપતા તેઓ માને છે કે જાહેર જીવનમાં લાંબો સમય સેવા આપ્યા બાદ હવે નવી પેઢીને જવાબદારી સંભાળવાની તક મળવી જોઈએ.
ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવાની ઈચ્છા
પોતાના સંબોધનમાં તેમણે ખેડૂતોની સ્થિતિ અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ પોતાના બાકી રહેલા સમયમાં ખેડૂતોના કલ્યાણ માટે વધુમાં વધુ કામ કરવા માંગે છે. આ સમગ્ર બાબત દર્શાવે છે કે તેમનું નિવેદન રાજકારણ છોડવા કરતાં સ્વાસ્થ્ય સંભાળ, નવી પેઢીને પ્રોત્સાહન અને ખેડૂતો માટે કામ કરવા પર વધુ કેન્દ્રિત છે.









