| (IMAGE - ENVATO) |
300 Doctors Removed from PMJAY Panel: ભારતમાં કેન્સરના વધતાં જતાં કેસોની વચ્ચે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે. દેશમાં દર વર્ષે અંદાજે 15 લાખ કેન્સરના નવા કેસો સામે આવે છે, જે કોઈ મધ્યમ કદના શહેરની કુલ વસ્તી બરાબર છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે, કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'(PMJAY)ના પેનલમાંથી દેશના આશરે 300 જેટલા નામાંકિત કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ડૉક્ટરો પાસે બહોળો અનુભવ અને ટ્રેનિંગ હોવા છતાં, તેમની પાસે નેશનલ મેડિકલ કમિશન(NMC) દ્વારા માન્યતા પ્રાપ્ત નિશ્ચિત ડિગ્રીઓ નથી. આ યાદીમાંથી બહાર કરાયેલા મોટાભાગના ડૉક્ટરોએ ખાનગી સંસ્થાઓમાંથી ફેલોશિપ દ્વારા તાલીમ લીધી છે, જેને અત્યારે માન્ય ગણવામાં આવી નથી.
સરકારી નિર્ણય સામે નિષ્ણાત કેન્સર સ્પેશિયાલિસ્ટોએ નોંધાવ્યો વિરોધ
ડૉક્ટરો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દાયકાઓ પહેલા જ્યારે ઓન્કોલોજી(કેન્સર વિજ્ઞાન) માટે કોઈ ઔપચારિક કોર્સ ઉપલબ્ધ નહોતા, ત્યારે ફેલોશિપ જ તાલીમ મેળવવાનો એકમાત્ર માર્ગ હતો. આજે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ઘણા ડૉક્ટરો કેન્સર હૉસ્પિટલોમાં બે-ત્રણ વર્ષની ફેલોશિપ કરીને સર્જરી અને જટિલ સારવારની પ્રેક્ટિસ કરે છે. પેનલમાંથી દૂર કરાયેલા ડૉક્ટરોમાં અનેક વિભાગીય વડાઓ, સિનિયર સર્જનો અને પ્રતિષ્ઠિત શિક્ષકોનો સમાવેશ થાય છે. ભારતમાં પહેલાથી જ કેન્સર ડૉક્ટરોની ભારે અછત છે; 2018ના આંકડા મુજબ દેશમાં 10 લાખની વસ્તી દીઠ માત્ર એક જ કેન્સર ડૉક્ટર ઉપલબ્ધ છે.
આયુષ્માન કાર્ડ પર નિર્ભર દર્દીઓ માટે સારવાર મેળવવી બનશે મુશ્કેલ
આ નિર્ણયની સૌથી માઠી અસર એવા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર પડશે જેઓ સારવાર માટે આયુષ્માન કાર્ડ પર નિર્ભર છે. ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં જ્યાં પહેલેથી જ નિષ્ણાત ડૉક્ટરો ઓછા છે, ત્યાં હવે દર્દીઓ માટે સારવાર મેળવવી વધુ મુશ્કેલ બનશે. દેશભરમાં કુલ 4000 જેટલા જ કેન્સર ડૉક્ટરો છે, જેમાંથી 300 જેટલા અનુભવી ડૉક્ટરોને સરકારી યોજનામાંથી બાકાત રાખવા એ સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.


