Get The App

'લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ', સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
'લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ', સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત 1 - image

Sringeri MLA controversy: સુપ્રીમ કોર્ટે સોમવારે (11 મે) ચૂંટણી વિવાદ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતી વખતે ભાજપના ઉમેદવારને માત્ર આંચકો જ નથી આપ્યો, પરંતુ આકરી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તમને આ રીતે લોકશાહીને હાઈજેક કરવા દઈ શકીએ નહીં. આ સાથે જ  કોર્ટે કોંગ્રેસના નેતાને રાહત આપતા તેમની ધારાસભ્ય તરીકેની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠક પર થયેલી ચૂંટણી સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા ટી.ડી. રાજગૌડાને વચગાળાની રાહત આપતા નિર્દેશ આપ્યો હતો કે તેઓ હાલ માટે શૃંગેરી બેઠકના ધારાસભ્ય (MLA) તરીકે ચાલુ રહેશે, ભલે હાલમાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવતા ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજને વિજેતા જાહેર કરવામાં આવ્યા હોય.

 બંને પક્ષોને 'સ્ટેટસ કો'નો ઓર્ડર

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ કેટલીક આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે, 'અમે તમને આ રીતે લોકશાહીને હાઈજેક કરવા દઈ શકીએ નહીં.' ત્યારબાદ, બેન્ચે એક વચગાળાનો આદેશ જાહેર કરીને બંને પક્ષોને 'સ્ટેટસ કો' (મતોની ફરીથી ગણતરી પહેલાની સ્થિતિ) જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેનો અર્થ છે કે રાજગૌડા શૃંગેરીના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે.

શું છે સમગ્ર મામલો?

'બાર એન્ડ બેન્ચ'ના રિપોર્ટ મુજબ આ કેસ 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. કોંગ્રેસના ટી.ડી. રાજગૌડાને ત્યારે શૃંગેરી બેઠક પરથી 201 મતોના નજીવા અંતરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજે કર્ણાટક હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરીને આ પરિણામને પડકાર્યું હતું. ગત મહિને 6 એપ્રિલે હાઈકોર્ટે પોસ્ટલ બેલેટ મતોની ફરીથી ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં રદ કરાયેલા 279 પોસ્ટલ બેલેટ મતોની ફરીથી ચકાસણીનો પણ સમાવેશ થતો હતો.

ફરી મતગણતરી થઈ તો ભાજપ ઉમેદવાર વિજેતા જાહેર કરાયા

ત્યારબાદ 3 મે, 2026 ના રોજ રિટર્નિંગ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે સુધારેલા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજગૌડાના મતોમાં 255નો ઘટાડો થયો છે અને જીવરાજને શૃંગેરી બેઠક પરથી વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી રાજગૌડાએ વકીલ તુષાર ગિરી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ ઘટનાક્રમને પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે રાજગૌડા હાલ પૂરતા શૃંગેરી બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય (MLA) તરીકે ચાલુ રહેશે અને આ સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

ફરીથી ગણતરીની જરૂર શું હતી?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રાજગૌડાએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે માત્ર 279 રદ કરાયેલા પોસ્ટલ બેલેટ મતોની પુનઃચકાસણીનો આદેશ આપ્યો હતો, જ્યારે રિટર્નિંગ ઓફિસર દ્વારા ગેરકાયદે રીતે એવા 562 માન્ય પોસ્ટલ બેલેટ મતો પર ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો જે રાજગૌડાની તરફેણમાં હતા. તેમણે હાઈકોર્ટના નિર્ણયને જ પડકાર્યો હતો અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ફરીથી ગણતરીની જરૂર શું હતી, જ્યારે જીવરાજે તેમના પર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં 'મહારાષ્ટ્ર' જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ

રાજગૌડા ધારાસભ્ય પદે હાલ યથાવત રહેશે

દલીલો પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રાજગૌડા અત્યારે ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે અને તેમને ધારાસભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી હતી. બીજી તરફ, ભાજપ નેતા જીવરાજ સામે પોસ્ટલ બેલેટ પેપર સાથે છેડછાડ કરવાનો ફોજદારી કેસ ચાલી રહ્યો છે. આ ફરિયાદ કોંગ્રેસના ઇલેક્શન એજન્ટ સુધીર કુમાર મુરોલીએ ભાજપના નેતા, ડેપ્યુટી કમિશનર કે.એન. રમેશ, પૂર્વ રિટર્નિંગ ઓફિસર વેદમૂર્તિ અને અન્ય લોકો સામે નોંધાવી હતી. જીવરાજે આ ફોજદારી કેસ રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટે હાલમાં જીવરાજ અને વેદમૂર્તિ સામે ચાલી રહેલા આ કેસ પર સ્ટે આપ્યો હતો.