India

ભારતને 'ઠેંગો' અને ચીનને 'મલાઈ', માલદીવના પ્રમુખ મોઈજ્જુ બંને હાથમાં લાડુ રાખવા માગે છે

By GS Team
9 Sep 20263 mins read
TukuTouch Logo
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ થિલાફુશી પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ચીનની સરકારી કંપની 'ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપની'ને આપ્યો છે. આ વ્યૂહાત્મક થિલાફુશી ટાપુને ભારત 'ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ' હેઠળ બ્રિજ નેટવર્કથી જોડી રહ્યું છે. 1991માં કચરાના નિકાલ માટે બનેલા આ ટાપુ પર હવે મોટું કોમર્શિયલ પોર્ટ બનશે. આ પ્રોજેક્ટમાં 650 મીટર લાંબી ક્વે વૉલ અને આધુનિક સુવિધાઓ વિકસાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને 'ઠેંગો' અને ચીનને 'મલાઈ', માલદીવના પ્રમુખ મોઈજ્જુ બંને હાથમાં લાડુ રાખવા માગે છે
AI Image

Maldives Awards Thilafushi Port Contract To China: માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ તાજેતરમાં જ ભારત સમર્થિત 'થિલામાલે બ્રિજ'ને ભારત અને માલદીવ્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના યોગદાનના ભરપેટ વખાણ કર્યા હતા. જોકે આ નિવેદનના ગણતરીના દિવસોમાં જ માલદીવ્સના અત્યંત વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ચીનની મોટી એન્ટ્રી ફરી ચર્ચામાં આવી છે. માલદીવ્સ પોર્ટ્સ લિમિટેડ દ્વારા 'થિલાફુશી પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'(લોકલ હાર્બર રિલીફ પ્રોજેક્ટ)ના પ્રથમ તબક્કાનો કોન્ટ્રાક્ટ ચીનની સરકારી કંપની 'ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપની'ને સોંપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ જ થિલાફુશી વિસ્તારને ભારત પોતાના 'ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ' હેઠળ બ્રિજ નેટવર્કથી જોડી રહ્યું છે.

કચરાના ડમ્પિંગ આઇલૅન્ડમાંથી વિશાળ કોમર્શિયલ પોર્ટ બનાવવાની યોજના

થિલાફુશી એ માલદીવ્સની રાજધાની માલેથી પશ્ચિમમાં આવેલો એક આર્ટિફિશિયલ ટાપુ છે, જેનું નિર્માણ વર્ષ 1991માં મ્યુનિસિપલ કચરાના નિકાલ માટે કરવામાં આવ્યું હતું. માલેના હાલના બંદરો પર માલસામાનના વધતા ભારણને ઘટાડવા માટે હવે અહીં મોટો કોમર્શિયલ પોર્ટ બનાવવાનું આયોજન છે:

  • વિસ્તરણ: પ્રથમ તબક્કામાં હાલના 5 હેક્ટરના પોર્ટ વિસ્તારને વધારીને 20 હેક્ટર કરવામાં આવશે.
  • સુવિધાઓ: પ્રોજેક્ટમાં 650 મીટર લાંબી ક્વે વૉલ, 125 મીટરની રોડસાઇડ જેટી, બોન્ડેડ વેરહાઉસ અને આધુનિક એક્સ-રે સ્કેનિંગ સુવિધાઓ તૈયાર થશે.
  • કાર્ગો ક્લિયરન્સ: ઓટોમેટેડ ટૅક્નોલૉજી દ્વારા કાર્ગો ક્લિયરન્સનો સમયગાળો 5 દિવસથી ઘટાડીને માત્ર 48 કલાક કરવાનો લક્ષ્યાંક છે.
  • સ્થળાંતર: માલેના માફાન્નુ વિસ્તારમાં ચાલતી મુખ્ય વ્યાપારી બંદરની તમામ ગતિવિધિઓને નવેમ્બર 2027 સુધીમાં થિલાફુશી ખાતે શિફ્ટ કરવાનો રાષ્ટ્રપતિ મુઈજ્જુનો પ્લાન છે.

એક જ વ્યૂહાત્મક વિસ્તારમાં ભારત અને ચીન બંનેની હાજરી

આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર વ્યાપારી નથી પરંતુ ભૂ-રાજકીય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે થિલાફુશી ભારત સરકારના સહયોગથી બની રહેલા મહત્ત્વાકાંક્ષી 'ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ'નો અભિન્ન ભાગ છે.

  • ભારતે આપેલી $400 મિલિયનની લાઇન ઑફ ક્રેડિટ અને $100 મિલિયનની ગ્રાન્ટ(કુલ $500 મિલિયન)ના સહયોગથી 6.7 કિલોમીટર લાંબો સમુદ્રી બ્રિજ પ્રોજેક્ટ બની રહ્યો છે, જે માલેને વિલિમાલે, ગુલ્હિફાલ્હુ અને થિલાફુશી સાથે જોડે છે.
  • આ પ્રોજેક્ટનું નિર્માણ ભારતીય કંપની એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહી છે.
  • આમ, જે થિલાફુશી સુધી પહોંચવા માટે ભારતીય કંપની સમુદ્ર પર વિશાળ બ્રિજ બનાવી રહી છે, ત્યાંના મુખ્ય બંદરનું બાંધકામ ચીનની કંપની કરશે.

'ઇન્ડિયા આઉટ'થી આર્થિક લાચારી: મુઈજ્જુની બેવડી વ્યૂહરચના

વર્ષ 2023માં 'ઇન્ડિયા આઉટ' અભિયાન ચલાવીને સત્તા પર આવેલા રાષ્ટ્રપતિ મુઈજ્જુ શરૂઆતથી જ પ્રો-ચાઇના માનવામાં આવતા હતા. પરંતુ સત્તા સંભાળ્યા પછી માલદીવ્સની ગંભીર આર્થિક કટોકટી અને નાણાકીય દેવા વચ્ચે તેમને વાસ્તવિકતા સમજાઈ અને તેમણે ભારત સાથે સંબંધો સુધારીને નાણાકીય સહાય મેળવી હતી.

જોકે, થિલાફુશી પોર્ટનો ચીની કોન્ટ્રાક્ટ સ્પષ્ટ સંકેત આપે છે કે નવી દિલ્હી સાથે નિકટતા વધાર્યા છતાં માલેએ બેઇજિંગ સાથેનું અંતર વધાર્યું નથી. માલદીવ્સ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને વિકાસ માટે બંને એશિયન મહાસત્તાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવા માંગે છે. મુઈઝ્ઝુનો ભારત તરફનો ઝુકાવ વધ્યો છે, પરંતુ તેમની લાંબા ગાળાની કૂટનીતિ ભારત અને ચીન બંનેને સાથે રાખીને આગળ વધવાની જ જણાઈ રહી છે.