કેબિનેટની લીલી ઝંડી: વેચાશે આ સરકારી બેંક, કેનેડાની કંપની ખરીદશે હિસ્સેદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cabinet Approves IDBI Bank Stake Sale To Canadian Firm: લાંબા સમયથી ચાલી રહેલી આઈડીબીઆઈ બેંકના વેચાણની પ્રક્રિયાને લઈને હવે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. IDBI બેંકમાં સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે, જેને કેનેડાની કંપની ખરીદશે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે IDBI બેંકમાં 60.72% હિસ્સેદારી કેનેડિયન ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની Fairfax Financial Holdings ની સબસિડિયરી કંપનીને વેચવા માટે મંજૂરી આપી દીધી છે. આ હિસ્સેદારી રૂ. 52,878.08 કરોડમાં વેચવા માટે મંજૂરી મળી છે.
આર્થિક બાબતોની કમિટીએ આપી મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે CCEAએ IDBI બેંકના વ્યૂહાત્મક ખરીદદાર તરીકે Fairfax ને મંજૂરી આપી છે. આ સોદામાં IDBI બેંકમાં સરકારની 30.48% હિસ્સેદારી અને LIC ની 30.24% હિસ્સેદારીનું વેચાણ સામેલ છે.
સરકાર અને LIC પાસે રહેશે 34% હિસ્સેદારી
આ હિસ્સેદારીના વેચાણ પછી પણ સરકાર બેંકમાં 15% હિસ્સેદારી જાળવી રાખશે, જ્યારે LIC પાસે 19% હિસ્સેદારી રહેશે. એટલે કે બંનેની સંયુક્ત હિસ્સેદારી 34% રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ડીલ પૂર્ણ થયા બાદ તે ભારતના નાણાકીય ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું સીધું વિદેશી રોકાણ FDI બની જશે.
2022 માં કરવામાં આવી હતી જાહેરાત
IDBI બેંકના વેચાણની પ્રક્રિયાની જાહેરાત સૌપ્રથમ 2022 માં કરવામાં આવી હતી, પરંતુ નિયમનકારી અને પ્રક્રિયાગત અડચણોના કારણે તેમાં વિલંબ થયો હતો. માર્ચમાં તેને રોકી દેવામાં આવી હતી, પરંતુ હવે તમામ મંજૂરીઓ મળ્યા બાદ કેબિનેટે આખરી મહોર લગાવી દીધી છે.
શેરમાં 13 ટકાનો ઉછાળો
કેબિનેટની મંજૂરીના સમાચાર બહાર આવતાની સાથે જ શેરબજારમાં IDBI બેંક લિમિટેડના શેરમાં 13% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે દરમિયાન રૂ. 93.62 ની સપાટીએ પહોંચ્યા બાદ અંતે 8.33% ના વધારા સાથે રૂ. 89.85 પર બંધ થયો હતો.




