India

હિમાચલ પ્રદેશના ચંબામાં મુસાફરોથી ખીચોખીચ બસ પલટી, 8 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે તીસા-બૈરાગઢ રોડ પર ખાનગી બસ ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બૈરાગઢથી ચંબા જતી બસના ચાલકે ચાબુજ વળાંક પાસે નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાચલ પ્રદેશના ચંબામાં મુસાફરોથી ખીચોખીચ બસ પલટી, 8 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે (આઠમી ઓગસ્ટ) સવારે રોડ અકસ્માત સર્જાયો છે. તીસા-બૈરાગઢ રોડ પર આવેલા ચાબુજ વળાંક પાસે મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બૈરાગઢથી ચંબા જઈ રહી હતી બસ

અહેવાલો અનુસાર, ખાનગી બસ બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી ત્યારે ચાબુજ વળાંક પાસે ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે બસમાં અંદાજે 20 થી 25 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકો અને પોલીસે હાથ ધરી રાહત-બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનું કારણ અસ્પષ્ટ: એસપી વિજય સકલાની

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય સકલાનીએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બસ દુર્ઘટનામાં આઠ મુસાફરોના મોત થયા છે અને અન્ય ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જ અકસ્માત અંગેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી સ્પષ્ટ થશે.