'જૂના વાહનો માટે E10 પેટ્રોલ પાછું લાવો...', સરકારના આર્થિક સલાહકારે જ આપી સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

V Anantha Nageswaran On E20: E20 (20% ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને દેશભરમાં ઘમાસાણ મચ્યું છે. રસ્તાથી લઈને સંસદ અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ ફ્યુઅલના કારણે વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને એન્જિનના સ્પેરપાર્ટ્સ કે કમ્પોનન્ટ્સ ખરાબ થઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં વાહનચાલકો E5 અને E10 જેવા લો-ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે. આ વચ્ચે પ્રથમ વખત સરકારમાં રહેલી કોઈ જવાબદાર વ્યક્તિએ E10 ફ્યુઅલની વાપસીની વાત કરી છે.
E20 પેટ્રોલને લઈને હવે સવાલ માત્ર એ નથી રહ્યો કે, તમારી ગાડીનું એન્જિન ચાલશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે પેટ્રોલ બચાવવાની આ ઝુંબેશમાં ક્યાંક દેશની ખેતી, પાણી અને ખાદ્ય સુરક્ષાનું ગણિત તો નથી બગડી રહ્યું ને! આ સવાલને એટલા માટે પણ હળવાશથી લઈ શકાય તેમ નથી, કારણ કે આ મુદ્દો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કે ટિકાકારે નહીં, પરંતુ ખુદ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વર (V Anantha Nageswaran)ને ઉઠાવ્યો છે.
નાગેશ્વરને પોતાના એક લેખમાં E20થી આગળ E27 કે E30 તરફ કદમ વધારતા પહેલા 'ફૂડ-વર્સિસ-ફ્યુઅલ ટ્રેડ ઓફ' એટલે કે ખાદ્ય સુરક્ષા અને બળતણ વચ્ચેની સ્પર્ધાનો સંપૂર્ણ હિસાબ માંડવાની સ્પષ્ટ જરૂરિયાત દર્શાવી છે. અત્યાર સુધી E20ને પેટ્રોલના શ્રેષ્ઠ વિકલ્પ, ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવાના હથિયાર અને પર્યાવરણીય ફાયદાના સફળ મોડલ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ તેમાંથી આગળ વધતા પહેલાં ગંભીર વિચારવિમર્શ કરવો અનિવાર્ય બન્યો છે. હવે મૂળ સવાલ એ ઊભો થયો છે કે, મકાઈથી પેટ્રોલની ટાંકી ભરાશે કે લોકોનું પેટ? કારણ કે એન્જિનની ચર્ચા વચ્ચે આખરી જંગ એ જમીન અને પાણીની છે, જેને એકવાર બળતણ ઉત્પાદન તરફ વાળી દેવાયા બાદ પુનઃ ખાદ્ય પાકો તરફ વાળવું સરળ નહીં રહેશે.
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને સરકારને જૂના વાહનો માટે E10 ફ્યુઅલને પરત લાવવાની સલાહ આપી છે. જોકે, આ ભલામણ સાથે તેમણે E20 ફ્યુઅલને લઈને લોકોમાં વ્યાપેલી આશંકાઓ અને ડર અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, 'હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને લઈને ભારે ચર્ચા થઈ રહી છે અને એક ડર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દાવાઓ થઈ રહ્યા છે કે આ ફ્યુઅલથી વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને ગાડીઓમાં કમ્પોનન્ટ્સ ખરાબ થઈ રહ્યા છે. પરંતુ, આ તમામ દાવાઓ પૂરેપૂરા સાચા નથી.' તેની પાછળ તેઓ કેટલાક ટેસ્ટનો હવાલો આપે છે.
શું E20થી એન્જિન ખરાબ થઈ રહ્યું છે?
નાગેશ્વરનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ડેન્સિટી (ઊર્જાનું પ્રમાણ) ઓછું હોય છે. એક લીટર ઈથેનોલમાંથી મળતી ઊર્જા પેટ્રોલની સરખામણીમાં માત્ર બે-તૃતીયાંશ જેટલી જ હોય છે. આ જ કારણસર E20 ફ્યુઅલ પર ચાલતી ગાડી એક લીટરમાં થોડું ઓછું અંતર કાપે છે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ છે. E20 પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકા હોય છે, જેના કારણે વાહનની એકંદર એનર્જીમાં ઘટાડો માત્ર 6 થી 7 ટકાની આસપાસ જ રહે છે. સોશિયલ મીડિયા પર માઈલેજમાં 30 ટકા સુધીના ઘટાડાના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સાચા નથી.
રસપ્રદ વાત એ છે કે E20 ફ્યુઅલના વપરાશથી કાર્બન મોનોક્સાઇડ અને અનબર્ન્ટ હાઈડ્રોકાર્બન જેવા પ્રદૂષિત કણોના ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે. એન્જિનના આયુષ્ય અને કામગીરીને લઈને અત્યાર સુધી હાથ ધરાયેલા ટેસ્ટિંગમાં કોઈ ભયજનક બાબત સામે આવી નથી. અમેરિકામાં ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા E20 સુસંગત ન હોય તેવા 86 વાહનોમાં E20 બ્લેન્ડેડ ફ્યુઅલ પૂરીને લગભગ 1 કરોડ કિલોમીટર સુધી ચલાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે E20 ફ્યુઅલ કમ્પ્લાયન્ટ ન હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર ટેસ્ટિંગ દરમિયાન કોઈ પણ વાહનના કમ્પોનન્ટ્સમાં કોઈ વધારાનો ઘસારો (વિયર એન્ડ ટીયર) જોવા મળ્યો ન હતો.
ભારતમાં પણ ARAI, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલીયમ અને ઈન્ડિયન ઓઈલના ટેસ્ટિંગમાં મોટે ભાગે આ જ પરિણામો સામે આવ્યા છે. આથી, દરેક વાહનમાં E20ના કારણે એન્જિન ખરાબ થઈ રહ્યું હોવાનો દાવો આંકડાકીય રીતે સિદ્ધ થતો નથી.
જૂના ટુ-વ્હીલર્સની ચિંતા અસલી કારણ
અહીં એક મોટો અપવાદ ચોક્કસ છે. ભારતમાં હાલ આશરે 7.5થી 8 કરોડ જેટલા જૂના ટુ-વ્હીલર્સ એવા છે, જે BS-4 માનકો લાગુ થયા તે પહેલાના છે અને તેમાં એન્જિન માટે કાર્બ્યુરેટર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
આ જૂના કાર્બ્યુરેટર્સ ઈથેનોલ બ્લેન્ડિંગના કારણે પેટ્રોલમાં ઉમેરાતા વધારાના ઓક્સિજનના પ્રમાણ મુજબ ફ્યુઅલની માત્રાને આપમેળે એડજસ્ટ કરી શકતા નથી. પરિણામે એન્જિનને જરૂરિયાત કરતાં ઓછું ફ્યુઅલ મળે છે, જેના કારણે એન્જિન વધુ ગરમ થાય છે. જૂના વાહનોમાંરબર સીલ પણ એક અલગ જ સમસ્યા છે. જો આ સીલ ઈથેનોલ માટે તૈયાર નથી, તો લાંબા સમય સુધી ઈથેનોલના સંપર્કમાં રહેવાથી ખરાબ થઈ શકે છે. જોકે, આ જૂની સીલને નવી ઈથેનોલ-ફ્રેન્ડલી સીલ વડે બદલવી બહુ મોંઘી બાબત નથી. પરંતુ ખરી મુશ્કેલી એ છે કે ભારતમાં રહેલા 7.5 થી 8 કરોડ જેટલા જૂના ટુ-વ્હીલર્સને એક-એક કરીને અપગ્રેડ કરવું આસાન કામ નથી. જો આજે જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ સમગ્ર વાહનોના ફ્લીટ (બેડા)ને બદલવામાં કે અપગ્રેડ કરવામાં વર્ષોનો સમય લાગી શકે તેમ છે.
જૂના વાહનો માટે E10 કેમ જરૂરી છે
નાગેશ્વરનના જણાવ્યા પ્રમાણે 'સરકારની મૂળ નીતિમાં જ આ સમસ્યાનો ઉકેલ સામેલ હતો અને જૂના વાહનો માટે ઓછું ઈથેનોલ ધરાવતું પેટ્રોલ ઉપલબ્ધ રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ ધીમે-ધીમે પેટ્રોલ પંપો પરથી લો-ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ ગાયબ થઈ ગયું. આવી સ્થિતિમાં E20ની સાથે E10 જેવું ઓછું બ્લેન્ડિંગ ધરાવતું પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવું જોઈએ. તેનાથી જૂના વાહનચાલકોને મોટી રાહત મળશે અને લોકોમાં E20ને લઈને વ્યાપેલો ડર પણ દૂર થશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વ્યવસ્થાથી દેશમાં ઈથેનોલના કુલ વપરાશના લક્ષ્યાંકને કોઈ અસર નહીં પડે. એક તરફ જૂના વાહનો માટે ઓછું ઈથેનોલ ધરાવતા ફ્યુઅલનો વિકલ્પ રાખી શકાશે, તો બીજી તરફ નવા વાહનોમાં E20નો ઉપયોગ પણ પૂર્વવત ચાલુ રાખી શકાશે.'









