પીએમ મોદી બ્રાઝિલ પહોંચ્યા, રિયો ડી જેનેરિયોમાં થયું સ્વાગત, બ્રિક્સ શિખર સંમેલનમાં લેશે ભાગ
BRICS Summit 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે, જ્યાં તેમનું ગેલિયોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોરદાર સ્વાગત થયું. વડાપ્રધાનની આ બ્રાઝિલની યાત્રા બે તબક્કામાં રહેશે, જે માટે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ નિમંત્રણ આપ્યુ હતુ. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન રિયો બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ રાજધાની બ્રાસિલિયાની રાજ્યની મુલાકાત લેશે.
રિયો ડિ જેનેરો પહોંચ્યા બાદ વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'બ્રાઝિલના રિયો ડી જેનેરો પહોંચી ગયો છું. જ્યાં હું બ્રિક્સ શિખર સંમલેનમાં ભાગ લઈશ અને પછી પ્રમુખ લૂલાના નિમંત્રણ પર રાજકીય યાત્રા માટે તેમની રાજધાની બ્રાસિલિયા જઇશ. આ પ્રવાસ દરમિયાન બેઠકો અને વાટાઘાટોના એક સાર્થક સમયની આશા છે.'
બ્રાઝિલના પ્રમુખ સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો
બ્રાસિલિયામાં વડાપ્રધાન મોદી પ્રમુખ લૂલા સાથે દ્વિપક્ષી વાટાઘાટો કરશે. જેનો હેતુ ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહનૈતિક ભાગીદારીને મજબૂત કરવાનો છે. આ ભાગીદારી વેપાર, સંરક્ષણ, ઉર્જા, અંતરિક્ષ, ઉદ્યોગ, કૃષિ, સ્વાસ્થ્ય અને જન-જન વચ્ચેના સંબંધો જેવા પ્રમુખ વિસ્તારો પર કેન્દ્રીત હશે. બંને દેશો વચ્ચે સહભાગિતાને જોતા આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો
વળી, રિયો ડી જેનેરોમાં આયોજિત 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બ્રિક્સ સમૂહ, જેમાં મૂળ રૂપે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ હતા. ધીમે-ધીમે સમૂહનો વિસ્તાર થયો અને સાઉદી અરેબિયા, મિસ્ત્ર, સંયુક્ત અરબ અમિરાત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા અને ઈરાન સામેલ થશે, જેનાથી આ દુનિયાભરમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓની સૌથી શક્તિશાળી ગઠબંધનોમાંથી એક બની ગયું છે.
આ પણ વાંચોઃ હવે સુપ્રીમ કોર્ટમાં પણ OBC અનામત મળશે, સીજેઆઈએ 64 વર્ષ જૂનો નિયમ બદલ્યો
ભારતીય સમુદાયના લોકો ઉત્સાહિત છે
આ દરમિયાન, બ્રાઝિલમાં ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાન મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કહ્યું કે, વડાપ્રધાનનું સ્વાગત કરવું તેમના માટે સૌભાગ્યની વાત છે. ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્ય વિજય સોલંકીએ કહ્યું કે, 'હું ગુજરાતનો છું... હું લાંબા સમયથી બ્રાઝિલમાં રહું છું. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આજે આપણા વડાપ્રધાનનું સ્વાગત કરવા બદલ ગર્વ અને સન્માન અનુભવીએ છીએ.'
બ્રાઝિલ પહેલા વડાપ્રધાન મોદીએ આ દેશોની લીધી મુલાકાત
બ્રાઝિલ પહેલા, વડાપ્રધાન મોદીએ 2-3 જુલાઈના દિવસે ઘાનાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દેશની સંસદને પણ સંબોધિત કરી હતી. 3-4 જુલાઈના રોજ, તેમણે ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ અને વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસરને મળ્યા હતા.
ત્યારબાદ, વડાપ્રધાન આર્જેન્ટિનાની મુલાકાતે ગયા, જે 57 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની પહેલી દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાતથી ભારત અને આર્જેન્ટિના વચ્ચેના સંબંધોને નવી ગતિ મળી છે. બ્રાઝિલ પછી, વડાપ્રધાન મોદી 9 જુલાઈએ નામિબિયા જશે અને ત્યાંની સંસદને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીએ બુધવારે ઘાનાથી પાંચ દેશોની આઠ દિવસની મુલાકાત શરૂ કરી હતી, જે 9 જુલાઈએ પૂર્ણ થશે.