હવે સુપ્રીમ કોર્ટમાં પણ OBC અનામત મળશે, સીજેઆઈએ 64 વર્ષ જૂનો નિયમ બદલ્યો
Supreme Court News : ભારતની સુપ્રીમ કોર્ટે તેના કર્મચારીઓની ભરતીમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે પ્રથમ વખત અનામતની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પગલું વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના નેતૃત્વમાં લેવામાં આવ્યું છે.
ગેઝેટ નોટિફિકેશન જાહેર
3 જુલાઈના રોજ જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો (સેવાની શરતો અને આચાર) નિયમો, 1961 માં કલમ 146 (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવ્યો છે.
કયો સુધારો કરાયો?
સુધારેલા નિયમ 4A અનુસાર, "અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગો (OBC), દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓના આશ્રિતો માટે સીધી ભરતીમાં અનામત ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓ અને આદેશો અનુસાર લાગુ થશે."
અત્યાર સુધી કઇ વ્યવસ્થા હતી?
અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના સ્ટાફ નિમણૂકોમાં ફક્ત SC/ST માટે અનામતની જોગવાઈ હતી. OBC માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી. આ પહેલી વાર છે કે OBC શ્રેણીના ઉમેદવારોને પણ કોર્ટ સ્ટાફ નિમણૂકોમાં તકો મળશે. નવી અનામત પ્રણાલી ખાલી જગ્યા આધારિત નહીં પણ પોસ્ટ આધારિત હશે. આ પ્રણાલી 1995માં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચના પ્રખ્યાત આર.કે. સભરવાલ વિરુદ્ધ પંજાબ રાજ્યના નિર્ણય પર આધારિત છે.