Get The App

અમેરિકા, ચીન જેવા દેશોને પછાડી આવકની સમાન વહેંચણી મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે : વર્લ્ડ બેન્ક

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા, ચીન જેવા દેશોને પછાડી આવકની સમાન વહેંચણી મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે : વર્લ્ડ બેન્ક 1 - image

AI Image 



- ભારતે આર્થિક વિકાસ અને સામાજિક સમાનતાને સાથે રાખી આગળ વધતા દુનિયાને નવું ઉદાહરણ પૂરું પાડયું: વર્લ્ડ બેન્ક

- ગીની ઈન્ડેક્સ સ્કોરમાં ચીન 35.7, જર્મની 31.4, ફ્રાન્સ 32.4, જાપાન 32.9, બ્રિટન 34.4, અમેરિકા 41.8 સ્કોર સાથે ભારત કરતાં પાછળ

- ભારતનો ગીની ઈન્ડેક્સ સ્કોર 2011માં 28.8 હતો, જે 2022માં ઘટીને 25.5 થઈ ગયો

- વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ 2011થી 2023 વચ્ચે 17.1 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા

- સૌથી મોટું અર્થતંત્ર, કરોડોને ગરીબીમાંથી બહાર કાઢ્યાની વાતોની સરકારના મંત્રીએ પોલ ખોલી

World Bank Report : વિકાસશીલ દેશ ભારતે આવકની સમાન વહેંચણીમાં વિશ્વમાં વિકસિત દેશોને પણ પાછળ પાડી દીધા છે. વિશ્વમાં આવકની દૃષ્ટિએ સૌથી સમાન સમાજ તરીકે ઊભરેલા સ્લોવાક રિપબ્લિક (24.1), સ્લોવેનિયા (24.3) અને બેલારુસ (24.4) પછી ભારત 25.5 સ્કોર સાથે ચોથા ક્રમે પહોંચી ગયું છે. ભારતે આવકની સમાન વહેંચણીમાં જી-7 અને જી-20ના વિકસિત દેશો તથા ચીનને પણ પાછળ પાડી દીધા છે. ભારત સરકારે સામાજિક કલ્યાણકારી યોજનાઓની મદદથી દેશમાંથી ગરીબી નાબૂદીમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ભારતના કદ, વૈવિધ્યને ધ્યાનમાં લેતા તેની આ સિદ્ધિ અસાધારણ છે તેમ વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ આ ઈન્ડેક્સ દર્શાવે છે કે ભારતમાં આર્થિક વિકાસનો ફાયદો બધા જ લોકો સુધી પહોંચી રહ્યો છે. દેશમાં ગરીબી ઘટાડવા અને તમામ લોકો સુધી નાણાકીય પહોંચ વધારવા પર કેન્દ્રીત સામાજિક નીતિઓ સાથે જોડાયેલી સતત આર્થિક વૃદ્ધિના પરિણામે ભારતને આવકની સમાન વહેંચણીનું સંતુલન સાધવામાં સફળતા મળી છે. ભારતે દર્શાવ્યું છે કે તેનો આર્થિક વિકાસ અને સામાજિક સમાનતા સાથે ચાલી રહ્યા છે, જે દુનિયા માટે એક ઉદાહરણ છે.

 વર્લ્ડ બેન્કના ગિની ઈન્ડેક્સથી ખ્યાલ આવી છે કે દેશમાં આવક સમાન પ્રમાણમાં વિભાજિત થઈ છે કે નહીં. આ ઈન્ડેક્સ શૂન્યથી 100 સુધીનો હોય છે. શૂન્યનો અર્થ સંપૂર્ણ સમાનતા છે જ્યારે 100નો અર્થ તદ્ન અસમાનતા છે, જેમાં બધા જ સંશાધનો પર ચોક્કસ વ્યક્તિઓનો કબજો છે. આ ઈન્ડેક્સમાં નીચો સ્કોલ વધુ સમાનતા દર્શાવે છે. ભારત ૨૫.૫ના ગીની સ્કોર સાથે 'એકંદરે ઓછી' અસમાનતાની શ્રેણી (25-30)માં આવે છે અને તે 'ઓછી અસમાનતા'ના જૂથમાં જોડાવાની નજીક છે. ભારતનો સ્કોર 2011માં 28.8 હતો, જે 2022માં ઘટીને 25.5 થઈ ગયો છે. આ બાબત દર્શાવે છે કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ભારતની આવકની અસમાનતા ઘટાડવામાં સફળતા મેળવી છે.

વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ભારતની આ સફળતાનું મોટું કારણ કેન્દ્ર સરકારે ગરીબી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું તે છે. વર્લ્ડ બેન્કની સ્પ્રિંગ 2025 ગરીબી નાબૂદી અને સમાનતા બ્રિફ મુજબ 2011થી 2023 વચ્ચે 17.1 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. દૈનિક 2.15 ડોલરથી ઓછી આવક પર ગુજરાન ચલાવતા હોય તેને ગરીબ કહેવાય છે. તેમની સંખ્યા 2011-12માં 16.2 ટકા હતી, જે 2022-23માં ઘટીને માત્ર 2.3 ટકા રહી ગઈ છે. વર્લ્ડ બેન્ક મુજબ દૈનિક 3 ડોલરથી ઓછી આવકને ગરીબી રેખાથી નીચે માનવામાં આવે છે. તે મુજબ વર્ષ 2022-23માં ગરીબીનો દર 5.3 ટકા છે.

દુનિયાના અન્ય દેશો સાથે ભારતના ગીની ઈન્ડેક્સની સરખામણી કરવામાં આવે તો ચીન (35.7), G-7 દેશો જર્મની 31.4, ફ્રાન્સ (32.4), જાપાન (32.9), બ્રિટન (34.4) અને અમેરિકા (41.8) કરતાં ભારત ઘણું આગળ છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારની યોજનાઓના કારણે ભારતે આ સફળતા મેળવી છે. 

આ યોજનાઓથી લોકોને બેન્ક સાથે જોડાવા, સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા અને સામાજિક સુરક્ષા મળવામાં મદદ મળી છે. આખી દુનિયાનું ધ્યાન હવે ભારતના સમાવેશી વિકાસ મોડેલ પર છે. ભારતે દર્શાવ્યું છે કે આર્થિક વિકાસની સાથે બધા લોકોને સમાનરૂપે સમૃદ્ધ બનાવી શકાય છે.

ડીબીટી યોજનાથી ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ મળી

ભારતમાં ગરીબી નાબૂદીમાં સરકારી યોજનાઓ મહત્વનું પરિબળ બની

ભારતમાં ગરીબી ઘટાડવામાં સરકારની સામાજિક કલ્યાણકારી યોજનાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે તેમ નિષ્ણાતોનું કહેવું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ સુધી સમાજના વંચિત વર્ગની પહોંચ વધી છે. સરકારની કેટલીક ફ્લેગશીપ યોજનાઓએ સમાજના વંચિતો અને પીડિતોને નાણાકીય સુવિધા, સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં અને ઉદ્યોગસાહસિક બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

- પીએમ જન ધન યોજના હેઠળ 55.69 કરોડથી વધુ બેન્ક ખાતાઓ ખૂલતા સમાજના વંચિત વર્ગની નાણાકીય પહોંચ વધી. સરકાર સીધા જ લોકોના બેન્ક ખાતામાં નાણાં મોકલવા સક્ષમ બનતા ભ્રષ્ટાચાર ઓછો થયો છે.

- આધાર યોજના હેઠળ જુલાઈ 2025 સુધીમાં 14.20 કરોડથી વધુ ડિજિટલ ઓળખ એવા આધાર કાર્ડ ઈશ્યુ થતાં સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળવા લાગ્યો. તેનાથી સરકાર લોકો સુધી યોગ્ય રીતે સેવાઓ અને સબસિડી પહોંચાડી શકે છે.

- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી કલ્યાણકારી યોજનાઓની ચૂકવણી સીધી જ લાભાર્થીના ખાતામાં થવા લાગી, પરિણામે સરકારને માર્ચ 2023 સુધીમાં 3.48 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.

- સ્વાસ્થ્ય યોજનાઓ હેઠળ આયુષ્યમાન ભારત યોજના હેઠળ દરેક પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે. આ યોજના હેઠળ 41.34 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરાયા છે. 32000થી વધુ હોસ્પિટલોનું નેટવર્ક આ યોજના સાથે જોડાયેલું છે.

- આયુષ્યમાન વયો વંદના યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને સ્વાસ્થ્ય સહાયતા મળે છે.

- સ્ટેન્ડ-અપ ઈન્ડિયા અને પીએમ વિશ્વકર્મા યોજના જેવી યોજનાઓએ ગરીબોને ઉદ્યોગસાહસિક બનવા અને કૌશલ્ય વિકસાવવામાં મદદ કરી છે. 

- સ્ટેન્ડ-અપ ઈન્ડિયાએ એસસી-એસટી અને મહિલા ઉદ્યોગ સાહસિકોને રૂ. 62807 કરોડથી વધુની લોન આપી છે.

- પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લગભગ 30 લાખ કારીગરોએ નાણાકીય અને માર્કેટિંગ સહાયતા માટે નોંધણી કરાવી છે.

- સ્ટેન્ડ-અપ ઈન્ડિયા હેઠળ એસસી-એસટી અને મહિલા ઉદ્યોગ સાહસિકોને રૂ. 62807 કરોડથી વધુની લોન મળી

Tags :