India

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉકળતો ચરુ : ગાંધીજીને 'રાષ્ટ્રવ્યાપી દેખાવો'ની આંદોલનાંજલિ

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
ગાંધી જયંતીએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષે ઉગ્ર દેખાવો કર્યા. દિલ્હી પોલીસે ઈન્ટરનેટ અને 12 મેટ્રો સ્ટેશનો બંધ કરી, AAP નેતાઓ સહિત 700થી વધુ લોકોની અટકાયત કરી. મુંબઈમાં પણ હજારો લોકોએ દેખાવો કર્યા, જેમાં બોલિવૂડ કલાકારો પણ જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉકળતો ચરુ : ગાંધીજીને 'રાષ્ટ્રવ્યાપી દેખાવો'ની આંદોલનાંજલિ
  • અંગ્રજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવનારા રાષ્ટ્રપિતાના જન્મદિવસે સત્તા સામે સત્યનો આગ્રહ
  • નેતાઓ સહિત ૭૦૦થી વધુ લોકોની અટકાયત, દિલ્હીમાં ઈન્ટરનેટ, ૧૨ મેટ્રો સ્ટેશનો બંધ : જ્ઞાનેશ કુમાર, મોદી, શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

નવી દિલ્હી/મુંબઈ : ગાંધી જયંતીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ઉગ્ર દેખાવો કર્યા હતા જ્યારે મુંબઈમાં વિદ્યાર્થી સંગઠન કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં અનેક બોલિવૂડ કલાકારો સહિત હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હીમાં જંતર-મંતર આંદોલનના ૬૮ દિવસ પછી ફરી એક વખત દેખાવકારો રસ્તા પર ઉતર્યા હતા ત્યારે દિલ્હી પોલીસે આપ નેતાઓ સહિત ૭૦૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. દેખાવોને ડામવા દિલ્હી પોલીસે ઈન્ટરનેટ-મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા હતા, જંતર-મંતર પર કલમ ૧૬૩ લાગુ કરી હતી. બીજીબાજુ સીજેપીએ મુંબઈમાં શુક્રવારથી જેલભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે, જ્ઞાનેશકુમારના રાજીનામા સિવાય આ આંદોલન બંધ નહીં થાય. જોકે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનઉ, પટના સિવાય દેશમાં અન્ય કોઈ જગ્યાએ વ્યાપક દેખાવો થયા નહોતા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં વિપક્ષે ગાંધી જયંતીએ આંદોલનની હાકલ કરી હતી, જેના ભાગરૂપે દિલ્હીમાં જંતર-મંતર પર કોંગ્રેસ, આપ, ડાબેરી પક્ષો, વિદ્યાર્થી સંગઠનોના હજારો લોકો જ્ઞાનેશ કુમારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
દિલ્હી પોલીસે આંદોલનને દબાવી દેવા માટે ૧૨ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા હતા, ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. જોકે, દિલ્હી પોલીસે જુલાઈમાં વિદ્યાર્થીઓના આંદોલનમાંથી બોધપાઠ લઈને શુક્રવારે કામ કરતાં દેખાવાકારોને કાબુમાં કરવા બળપ્રયોગ કરવાની જરૂર પડી નહોતી. દિલ્હી પોલીસે આઈબીના ઈનપુટ મેળવ્યા અને એડવાન્સ પ્લાનિંગ કર્યું. પોલીસે આપ નેતાઓ આતિશી, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને સંજીવ ઝા, સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ, ડાબેરી નેતાઓ સહિત ૭૦૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતા 'વોટ ચોર, ગદ્દી છોડ' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. 'ગોડસે-વાદી' લોકો ગાંધી જયંતીએ ગાંધીના વિચારોને સમજી નહીં શકે તેવા પણ સૂત્રોચ્ચાર કરાયા હતા. દેખાવકારોએ 'એક કચોરી દો સમોસા, જ્ઞાનેશ તુમ્હારા ક્યા ભરોસા', 'ગલી-ગલી મેં શોર હૈ, મોદી-જ્ઞાનેશ વોટ ચોર હૈ' જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દિલ્હીમાં ફિરોઝશાહ રોડ અને અશોકા રોડ જેવા કેટલાક પોઈન્ટ્સ પર દેખાવકારોએ બેરિકેડ્સ તોડીને જંતર-મંતર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. જંતર-મંતરની આજુબાજુના વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે અરાજક સ્થિતિ સર્જાઈ હતી.
દેખાવકારો પોલીસ બેરિકેડ તોડીને આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે પોલીસ કર્મચારીઓ તેમને રોકી રહ્યા હતા. તેઓ વારંવાર જાહેરાત કરી રહ્યા હતા કે દેખાવોની મંજૂરી અપાઈ નથી. જંતર-મંતરમાં લોકો એકઠા ના થાય. બીજીબાજુ મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં હજારો લોકો રાજકીય રેલીઓ માટે પ્રખ્યાત શિવાજી પાર્ક નજીક એકત્ર થયા હતા. જોકે, પોલીસે દાદર રેલવે સ્ટેશન નજીક બેરિકેડ લગાવી દેખાવકારોને રોકવા પ્રયત્ન કર્યો હતો. દેખાવકારોને સંબોધન કરતા અભિજિત દીપકેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર એટલી અસમર્થ છે કે નીટ લીક મુદ્દે જંતર-મંતર પર દેખાવોના બે જ મહિનામાં તેની સામે વધુ એક આંદોલન શરૂ કરવાની તેમને ફરજ પડી છે.
દીપકેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને હિંમત હોય તો દેખાવકારોને જેલમાં ધકેલી બતાવે તેવો પડકાર પણ ફેંક્યો હતો.
આ દેખાવોમાં ઉદ્ધવ ઠાકેરની શિવસેના યુબીટી, રાજ ઠાકરેની મનસેના કાર્યકરો, બોલિવૂડના કલાકારો નસીરુદ્દિન શાહ, જાવેદ અખ્તર, શબાના આઝમી, વિશાલ દદલાની પણ જોડાયા હતા. સીજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં પારદર્શીતાની અને ૨૦૨૫ની મતદાર યાદીને ફ્રીઝ કરવાની માગણી કરી હતી.