નેપાળ જળપ્રલયની ભયાનકતા UP સુધી પહોંચી: ગંડક નદીમાંથી મળ્યા 10 મૃતદેહો, વાહનો અને કાટમાળ તણાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flash Flood 2026 : નેપાળમાં આવેલા ભયાનક પૂરે સરહદ પાર ઉત્તર પ્રદેશમાં કરુણ પરિસ્થિતિ સર્જી છે. છેલ્લા 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગર જિલ્લામાંથી નદીના પ્રવાહમાં તણાઈ આવેલા 10 મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહો નેપાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી વહીને આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગંડક નદીમાંથી મળી આવેલા આ મૃતદેહોની ઓળખ કરવા અને તેમના પરિવારજનો સુધી પહોંચવા માટે ભારતીય તંત્ર દ્વારા નેપાળના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
મહારાજગંજ અને કુશીનગરમાંથી મૃતદેહો મળ્યા
ગુરુવારે મહારાજગંજ જિલ્લામાં ગંડક નદીના તોફાની પ્રવાહમાંથી 2 મહિલાઓ સહિત 3 મૃતદેહો મળી આવ્યા હતા. સશસ્ત્ર સીમા બળ(SSB)ની રેસ્ક્યુ ટીમે મોટરબોટની મદદથી આ મૃતદેહોને બહાર કાઢીને હૉસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ શુક્રવારે કુશીનગરના ખડ્ડા વિસ્તારમાં બેરેજ પાસે વધુ 3 મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. જેને SDRF અને પોલીસે બહાર કાઢ્યા હતા. આ નદી તિબેટમાંથી નીકળી નેપાળની ભોટેકોશી અને ત્રિશુલી નદી પ્રણાલીમાંથી પસાર થઈને ભારતમાં ગંડક તરીકે પ્રવેશ કરે છે.
નદીના પ્રવાહ સાથે વાહનો અને ઘરવખરી પણ તણાઈ આવી
પૂરના પાણી માત્ર મૃતદેહો જ નહીં પરંતુ મોટા પાયે કાટમાળ પણ ઘસડી લાવ્યા છે. ગંડક નદીના કિનારે વાહનો, ઘરવખરીનો સામાન, ગેસ સિલિન્ડર, ડ્રમ, ફર્નિચર અને લાકડાના મોટા ટુકડાઓ તણાઈને આવ્યા છે. કિનારે વસતા ગ્રામજનો આ સામાન એકઠો કરવા એકઠા થઈ રહ્યા છે. તંત્રે લોકોને નદીના પાણીમાં ન ઊતરવા અને કિનારે કોઈ વસ્તુ કે મૃતદેહ દેખાય તો તરત જ સત્તાવાળાઓને જાણ કરવા માટે કડક સૂચના આપી છે.
નેપાળમાં 26 ઑગસ્ટથી શરુ થયો હતો કુદરતી કોપ
નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં 26 ઑગસ્ટના રોજ અચાનક આવેલ પૂરને કારણે આ હોનારત સર્જાઈ હતી. આ પાણી ત્રિશુલી અને ગંડક નદી મારફતે ભારતના નીચાણવાળા વિસ્તારો તરફ વહી રહ્યું છે. નેપાળમાં સેંકડો લોકોના મોત થયા છે અને હજારો લોકો લાપતા છે. ભારતીય તંત્ર દ્વારા મહારાજગંજ અને કુશીનગરમાં સરહદી વિસ્તારોમાં એસએસબી, એસડીઆરએફ અને પોલીસની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. નદીનો પ્રવાહ હજુ પણ તોફાની હોવાથી તંત્ર હાઇ ઍલર્ટ પર છે.




