રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : ભાજપની જીત તો કોંગ્રેસે પણ આપી ટક્કર, જાણો કોને કેટલી બેઠકો મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajasthan Municipal Election Results : રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરતાં બહુમતી વિસ્તારોમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. નાના શહેરો અને આદિવાસી પટ્ટામાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યારે ખેડૂત પ્રભાવિત વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોએ સારું જોર બતાવ્યું છે. સમગ્ર રાજ્યમાં ભાજપે 4,000 થી વધુ વોર્ડમાં વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ 3450 થી વધુ અને અપક્ષ ઉમેદવારો 2400 થી વધુ વોર્ડ જીતવામાં સફળ રહ્યા છે. આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જનતા અને કાર્યકરોનો આભાર માન્યો છે. તેમણે આ જીતને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે કાર્યકરોની મહેનતના કારણે આ પરિણામ શક્ય બન્યું છે.
નગર નિગમ, નગર પરિષદ અને નગરપાલિકાના પરિણામો
રાજ્યના 10 નગર નિગમોમાંથી ભાજપે 5 નિગમોમાં સ્પષ્ટ વિજય પ્રાપ્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસને 1 માં જીત મળી છે અને 4 નગર નિગમોમાં ત્રિશંકુ પરિણામ આવ્યું છે. કુલ 252 નગરપાલિકાઓમાંથી ભાજપે 144, કોંગ્રેસે 92 અને અપક્ષોએ 16 પર કબજો કર્યો છે. આ ઉપરાંત 47 નગર પરિષદોમાંથી ભાજપ 21, કોંગ્રેસ 17 અને અપક્ષ ઉમેદવારો 9 બેઠકો પર વિજયી બન્યા છે.
દિગ્ગજ નેતાઓના ગઢમાં ભાજપને મોટો ફટકો
પાર્ટીએ સમગ્ર રાજ્યમાં સારો દેખાવ કર્યો હોવા છતાં કેટલાક પ્રભાવશાળી નેતાઓના વિસ્તારોમાં પછડાટ ખાવી પડી છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના સંસદીય ક્ષેત્ર બીકાનેરમાં તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિસ્તાર ઝાલાવાડમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપના ઉમેદવારને માત્ર 1 જ વોટ મળવાની ઘટના પણ ભારે ચર્ચામાં રહી છે. ખાસ વાત એ છે કે ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્ર જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યાં તેમને પોતાનો મત પણ મળ્યો નહોતો.
ભાજપની જીત અને કોંગ્રેસની નબળાઈના કારણો
યુવાનોને સરકારી નોકરીઓ આપવી અને પેપરલીક રોકવામાં ભજનલાલ સરકારની કડક કાર્યવાહી ભાજપની સફળતામાં મહત્વના પરિબળો રહ્યા છે. જોકે મોટા શહેરોમાં UGC સંબંધિત વિરોધની અસર ભાજપના પ્રદર્શન પર જોવા મળી હોવાનું પણ માનવામાં આવે છે. બીજી તરફ, કોંગ્રેસ ભાજપ વિરોધી લહેર પર વધુ પડતી નિર્ભર રહી અને સંગઠનની આંતરિક જૂથબંધી તેમજ મહત્વના મુદ્દાઓ પર મૌન રહેવાના કારણે પક્ષને મોટો ફટકો સહન કરવો પડ્યો છે. કોંગ્રેસને NEET પેપરલીક અને યુવાનોના મુદ્દાઓ પર અસરકારક રીતે અવાજ ન ઉઠાવવાનો પણ નુકસાન થયો હોવાનું માનવામાં આવે છે.
EVMમાં ખામીના કારણે 10 બૂથ પર 16 સપ્ટેમ્બરે ફરી મતદાન
મતગણતરી દરમિયાન કેટલીક EVM માં ટેકનિકલ ખામી સામે આવી હતી. અસરગ્રસ્ત મતોની સંખ્યા ઉમેદવારો વચ્ચેના જીત-હારના માર્જિન કરતાં વધુ હોવાથી રાજ્ય ચૂંટણી પંચે પરિણામોની પારદર્શિતા જાળવવા 16 સપ્ટેમ્બરે 10 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં જયપુરના 5, કોટાના 3, જોધપુરના 1 અને સુકેત નગરપાલિકાના 1 મતદાન મથકનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ખામીથી પ્રભાવિત મતોની સંખ્યા કેટલાક ઉમેદવારો વચ્ચેના જીત-હારના અંતર કરતાં વધુ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓની રિપોર્ટના આધારે તપાસ કર્યા બાદ પંચે પુનઃમતદાનનો નિર્ણય લીધો છે, જેથી ચૂંટણી પરિણામોની વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઈ રહે.




