જયપુરમાં નિર્માણાધીન ઈમારતની દીવાલ ધરાશાયી, 3 શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jaipur Amer Building Wall Collapse 3 Labourers Dead 2026 : રાજસ્થાનની રાજધાની જયપુરના આમેર વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક નિર્માણાધીન ઇમારતની ભારે-ભરખમ દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ અનેક શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે.
નાળાના ખોદકામ દરમિયાન સર્જાયો અકસ્માત: રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આમેર વિસ્તારમાં તાલા મોડ પાસે એક નાળાના ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નાળાનું ખોદકામ ઘણું ઊંડું કરી દેવામાં આવતા, તેની બિલકુલ નજીક આવેલી નિર્માણાધીન ઇમારતનો પાયો નબળો પડ્યો અને તેની વિશાળ દીવાલ ધડાકાભેર નીચે આવી પડી હતી. કાટમાળ નીચે 12થી વધુ લોકો દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય અત્યંત વેગવંતું બનાવવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
NDRF અને SDRFની ટીમો મોરચે: કલેક્ટરે કરી પુષ્ટિ
અકસ્માતની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ ઉપરાંત NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની વિશેષ ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે. કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. જયપુરના કલેક્ટર સંદેશ નાયકે આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોતના સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. જોકે, સ્થાનિક લોકોના મતે આ આંકડો હજુ વધી શકે છે.








