બંધારણ દિવસે ફરી સામસામે આવશે BJP અને કોંગ્રેસ: એકની નજર Gen-Z પર, તો બીજાનું નિશાન મતદારો પર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP vs Congress on Constitution Day : દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે યુવાનો સુધી પોતાની પહોંચ વધારવા માટે ખાસ જનસંપર્ક અભિયાનની તૈયારી કરી છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે 'વોટ ચોરી'ના મુદ્દે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. આગામી સપ્તાહે ઉજવાનાર 'સંવિધાન દિવસ' નિમિત્તે એક તરફ ભાજપે દેશભરની શાળા-કોલેજોમાં Gen-Z યુવાનો સાથે સીધો સંવાદ કરવાનો ખાસ પ્લાન બનાવ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે 'વોટ ચોરી'ના મુદ્દે આક્રમક વલણ અપનાવીને 'સંવિધાન રક્ષા માર્ચ' અને 'વોટ બચાવો, દેશ બચાવો ચૌપાલ'નું એલાન કર્યું છે.
5 દિવસ સુધી યુવાનો અને નાગરિકો સાથે સંવાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપે તેના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોને સૂચના આપી છે કે તેઓ 26 નવેમ્બર થી 30 નવેમ્બર દરમિયાન સતત 5 દિવસ સુધી પોતપોતાના સંસદીય વિસ્તારોમાં યુવાનો સાથે સંવાદ કાર્યક્રમો યોજે. NDTV ના એક અહેવાલ મુજબ, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને સામાન્ય જનતામાં ભારતીય બંધારણના મૂલ્યો, આદર્શો અને નાગરિકોની ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત પાર્ટીનો લક્ષ્ય વિદ્યાર્થીઓ અને સ્થાનિક નિવાસીઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પણ છે.
યુવાનોને મનાવવા ભાજપનો ખાસ પ્લાન
ભાજપ દ્વારા આ જનસંપર્ક અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં યુવાનો અને ખાસ કરીને Gen-Z દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ચાલી રહ્યા છે. આ સંજોગોમાં ભાજપ ઈચ્છે છે કે તેના સાંસદો અને નેતાઓ યુવાનો સાથે સીધી વાતચીત કરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જણાવે અને સરકાર તથા યુવાનો વચ્ચે સંવાદ સેતુ સ્થાપિત કરવાની દિશામાં નક્કર પગલાં ભરે. ઉલ્લેખનીય છે કે, 1949 માં 26 નવેમ્બર ના રોજ બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો. અગાઉ આ દિવસ 'રાષ્ટ્રીય કાયદા દિવસ' (National Law Day) તરીકે ઓળખાતો હતો, પરંતુ 2015 માં બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 મી જન્મજયંતિ નિમિત્તે મોદી સરકારે દર વર્ષે 26 નવેમ્બર ને 'સંવિધાન દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસ : ‘દિલ્હી ચલો’ મોકૂફ, હવે ‘સંવિધાન રક્ષા માર્ચ’
બીજી તરફ, સંવિધાન દિવસના અવસર પર જ કોંગ્રેસે 'વોટ ચોરી'ના મુદ્દે પોતાનું વલણ વધુ કડક બનાવતા તમામ રાજ્યોની રાજધાનીઓમાં 'સંવિધાન રક્ષા માર્ચ' કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલે તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના પ્રમુખો, મહાસચિવો, પ્રભારીઓ અને અન્ય હોદ્દેદારોને એક પરિપત્ર પાઠવ્યો છે. જેમાં જણાવાયું છે કે 'દિલ્હી ચલો' અભિયાનના ચોથા તબક્કા હેઠળ 25 અને 26 નવેમ્બર ના રોજ પ્રસ્તાવિત કાર્યક્રમો હવે પછીની કોઈ તારીખે યોજાશે, કારણ કે 26 નવેમ્બરના રોજ તમામ PCC પોતપોતાના રાજ્યના મુખ્યાલયો પર ભવ્ય 'સંવિધાન રક્ષા માર્ચ' અને ઐતિહાસિક જનસભાનું આયોજન કરશે.
માર્ચ પહેલાં 'વોટ રક્ષક' અભિયાન
કે. સી. વેણુગોપાલે માહિતી આપી હતી કે આ માર્ચ પહેલાં 'વોટ રક્ષક' અભિયાન ચલાવવામાં આવશે. આ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો દરેક બૂથ પર જઈને એવા મતદારોના નામની ચકાસણી કરશે, જેમના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. પરિપત્ર મુજબ, 22 નવેમ્બર સુધીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC) સ્તરે બેઠકો યોજીને 'વોટ રક્ષક'ની નિમણૂક કરાશે અને પાયાના કાર્યકરોને તાલીમ અપાશે. ત્યારબાદ 22 થી 30 નવેમ્બર દરમિયાન રદ કરાયેલા મતદારોની બૂથ સ્તરે ચકાસણી થશે, જેનું મંડળ પ્રમુખો દ્વારા દરરોજ નિરીક્ષણ કરવામાં આવશે.
ગ્રામ્ય સ્તરે 'વોટ બચાવો ચૌપાલ'
બૂથ સ્તરની ચકાસણીમાં જે તારણો સામે આવશે તેના આધારે કોંગ્રેસ 29 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ગ્રામ્ય સ્તરે 'વોટ બચાવો, દેશ બચાવો ચૌપાલ'નું આયોજન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને 'INDIA' ગઠબંધનના અન્ય પક્ષો કથિત ચૂંટણી ગેરરીતિઓ અને મતદાર યાદીમાં થયેલા ફેરફારો સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર આ ગેરરીતિઓમાં મિલીભગત હોવાનો આરોપ લગાવીને તેમના રાજીનામાની પણ માંગ કરી છે.




