બિહારના બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના અભિષેક બંટીએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું, હવે નીરજ કુમાર સિંહા ઉમેદવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bankipur Assembly Bypoll : બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અભિષેક કુમાર બંટીએ પારિવારિક કારણો આગળ ધરીને પોતાનું નામાંકન (ઉમેદવારી પત્ર) પાછું ખેંચી લીધું છે. તેમની આ જાહેરાત બાદ ભાજપે હવે નીરજ કુમાર સિંહાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. અભિષેક બંટીએ પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગીને પત્ર સોંપીને નામ પાછું ખેંચવાની જાણકારી આપી હતી. અભિષેક બંટી ચૂંટણી મેદાનમાંથી હટી ગયા બાદ, હવે ભાજપે નીરજ કુમાર સિંહાના નામની જાહેરાત કરી છે. આ બેઠક પરથી પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ પહેલીવાર ચૂંટણી લડી રહી છે. આ બેઠક માટે 13 જુલાઈએ નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ છે. જણાવી દઈએ કે, અભિષેક કુમાર બંટીએ ગુરુવારે જ બાંકીપુર વિધાનસભા બેઠક પરથી નામાંકન દાખલ કર્યું હતું, અને તેના એક જ દિવસ બાદ તેમણે નામ પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી છે.
શા માટે ચૂંટણી નહીં લડે? અભિષેકે જણાવ્યું કારણ
એક વાતચીતમાં અભિષેક કુમાર બંટીએ કહ્યું, 'પારિવારિક કારણોસર, હું વિધાનસભા પેટાચૂંટણી લડી શકું તેમ નથી. હું પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રામાણિકતાથી સેવા કરતો રહીશ.' તેમણે ઉમેર્યું કે, 'ભારતીય જનતા પાર્ટીએ મને બાંકીપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે પસંદ કર્યો હતો, તે બદલ હું કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર માનું છું. પરંતુ પારિવારિક કારણોસર હું આ ચૂંટણી લડી રહ્યો નથી.'
નીતિન નવીનના રાજીનામાથી ખાલી થઈ છે બેઠક
નોંધનીય છે કે, ભાજપે મંગળવારે યુવા મોરચાના નેતા અભિષેક કુમાર બંટીને બાંકીપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ બેઠક ભાજપના નેતા નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી થઈ છે. બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે 30 જુલાઈના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી 3 ઓગષ્ટના રોજ કરવામાં આવશે.
ભાજપે નીરજ સિંહાને બનાવ્યા ઉમેદવાર
અભિષેક કુમારે નામાંકન પાછું ખેંચ્યા બાદ, ભાજપે નીરજ કુમાર સિંહાને બાંકીપુરથી પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય, મધ્યપ્રદેશના દતિયાથી ભાજપે આશુતોષ તિવારીને પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે, અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ આપી નથી.









