'બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ...', ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ

| (IMAGE -IANS) |
Akhilesh Yadav: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિવારે બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'આ ચૂંટણી પરિણામ પચાવી શકાતા નથી.' આ સાથે જ તેમણે સ્વીકાર્યું કે, 'ચૂંટણી જીત કે હારનો ભાગ છે અને અમે ભાજપ પાસેથી શીખતા રહીએ છીએ.'
'બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ...': અખિલેશ યાદવ
બિહાર ચૂંટણી પરિણામો વિશે વાત કરતાં અખિલેશ યાદવે કહ્યું કે, 'બિહારમાં વોટની ચોરી નહીં, પણ લૂંટ થઈ છે. અમે બિહાર ચૂંટણીના પરિણામો સ્વીકારી શકતા નથી.' તેમજ તેમણે રાજ્યમાં NDA ગઠબંધનની જીત પર પણ સવાલ ઉઠાવ્યા. અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, 'મતદાર પુન:નિરીક્ષણ(SIR)ના નામે એવા બૂથોનું રિવિઝન વધુ થઈ રહ્યું છે, જ્યાં ભાજપ ચૂંટણી હારતી રહી છે.'
અખિલેશને NDAની જીત પર સવાલ
રવિવાર, 16 નવેમ્બરે બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, 'આ બેવડી સદીનું પરિણામ અમને સ્વીકાર્ય નથી. અમે આ સ્વીકારી જ શકતા નથી. આટલી મોટી સંખ્યામાં બેઠકો કેવી રીતે જીતી શકાય? સ્ટ્રાઇક રેટ આટલો વધારે કેવી રીતે હોઈ શકે? અન્ય પક્ષોએ અમુક નિશ્ચિત સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવા વિશે ભાજપ પાસેથી શીખવું જોઈએ. તેમજ અમે પણ ભાજપ પાસેથી જે શીખીશું, તેને લાગુ કરીશું.'
SIR પર અખિલેશ યાદવના વિચારો
SIR(Special Intensive Revision) પર એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 'સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ચૂંટણી પંચ કેમ નથી કહી રહ્યું કે તેઓ પોતાનો કોઈને પણ વોટ નહીં ગુમાવવા દે?'
અખિલેશ યાદવે એવો પણ આરોપ લગાવ્યો કે, 'ભાજપ અડધા કલાકમાં આધાર કાર્ડ અને વોટર આઇડી કાર્ડ બનાવવામાં સક્ષમ છે. વોટ ચોરીનો આ મુદ્દો ચોરીથી ઉપરનો છે એટલે કે લૂંટનો છે. આ કોઈ આરોપ નથી. આ હકીકત છે... ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી દરમિયાન પોલીસે હજારો મતદારોને પોતાનો વોટ આપવા દીધો નહોતો.'
સપાએ 'ડબલ એન્જિન'ને હરાવ્યું
અખિલેશ યાદવે કહ્યું કે, 'પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમે ત્યાં સારું પ્રદર્શન કર્યું છે, જ્યાં સરકાર કહેતી હતી કે તેમની પાસે ડબલ એન્જિન છે. પરંતુ જો કોઈએ દિલ્હી અને લખનઉના બંને એન્જિનોને અને તે જગ્યા પર જ્યાંથી તેમણે પોતાની સાંપ્રદાયિક રાજનીતિ શરુ કરી હતી, હરાવ્યા છે, તો તે સમાજવાદી પાર્ટી છે.'
અખિલેશ યાદવે કહ્યું કે, 'બાબા સાહેબના બંધારણને જે લોકો સમય સમય પર ઠેસ પહોંચાડી રહ્યા છે, તેના કારણે લોકોએ અમને વોટ આપ્યો. બિહારમાં વોટની ચોરી નહીં, પણ લૂંટ થઈ છે. અમે બિહાર ચૂંટણીના પરિણામો સ્વીકારી શકતા નથી.'

