Get The App

તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
Lalu Yadav Family Controversy
(IMAGE - IANS)

Lalu Yadav Family Controversy: બિહારની રાજનીતિનો સૌથી મજબૂત સ્તંભ ગણાતો લાલુ યાદવનો પરિવાર અત્યારે ગંભીર વિખવાદનો સામનો કરી રહ્યો છે. આ પારિવારિક તિરાડની શરુઆત રાબડી દેવીના ભાઈઓ સાથેના મતભેદોથી થઈ હતી. ત્યારબાદ પુત્ર તેજ પ્રતાપની બળવાખોરી અને વેવાઈ ચંદ્રિકા રાય સાથેના સંબંધોમાં ખટાશ પણ ઉમેરાઈ. હવે, આ વિખવાદ પુત્રી રોહિણી આચાર્યના પરિવારે સંબંધ તોડવા સુધી પહોંચી ગયો છે. 

તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢવા અને તેમના દ્વારા નવી પાર્ટીની રચના કરવાથી વિવાદ વધુ ગંભીર બન્યો છે. બીજી તરફ, રોહિણીની ભાવુક પોસ્ટથી પરિવારની કડવાશ જાહેરમાં આવી ગઈ. તાજેતરમાં, અન્ય ત્રણ પુત્રીઓએ પણ પટણાનું નિવાસસ્થાન છોડ્યું છે, જેના કારણે લાલુ પરિવાર લગભગ વહેંચાઈ ગયો છે. પરિવારમાં આવેલો આ વિચ્છેદ લાલુની રાજકીય વિરાસત માટે એક મોટો આંચકો છે.

લાલુ પરિવારમાં વિખવાદની કહાણી નવી નથી

જ્યારે લાલુ યાદવ 90ના દાયકામાં સત્તાની ટોચ પર હતા અને રાબડી દેવી મુખ્યમંત્રી બન્યાં, ત્યારે જ રાબડી દેવીના ભાઈઓ, સાધુ અને સુભાષ યાદવના અતિશય પ્રભાવને કારણે પહેલી મોટી રાજકીય ખેંચતાણ શરુ થઈ હતી.

પાર્ટીમાં મનપસંદ ભૂમિકા ન મળવાને કારણે સાધુ યાદવનો અસંતોષ સ્પષ્ટપણે સામે આવ્યો. તેમણે લાલુ પરિવાર પર પાર્ટીને અંગત સંપત્તિની જેમ ચલાવવાનો આરોપ લગાવ્યો. આ જ રીતે, સુભાષ યાદવે પણ ઘણા લાંબા સમય સુધી પોતાની ઉપેક્ષા અનુભવી અને ધીમે ધીમે તેમણે રાજકારણથી અંતર બનાવી લીધું.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

ચંદ્રિકા રાયે RJD છોડી JDU પકડ્યું

વર્ષ 2018માં તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાયના ધામધૂમથી લગ્ન થયા, પણ માત્ર 6 મહિનામાં જ ઝઘડાના સમાચાર બહાર આવવા લાગ્યા. આ તણાવ છૂટાછેડા સુધી પહોંચ્યો, જેના કારણે વેવાઈ ચંદ્રિકા રાય અને લાલુ પરિવારના સંબંધો રાજકીય ટકરાવમાં ફેરવાયા.

ચંદ્રિકા રાય RJD છોડીને JDUમાં જોડાયા અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે સારણથી RJDના ઉમેદવાર રોહિણી આચાર્ય વિરુદ્ધ પ્રચાર કર્યો. પરિણામે, એનડીએના રાજીવ પ્રતાપ રૂડી આ બેઠક જીતી ગયા, જે અગાઉ લાલુ યાદવ 4 વખત જીત્યા હતા. આ ઘટનાએ લાલુ પરિવાર અને તેમના રાજકારણ બંને પર ઊંડો પ્રભાવ પાડ્યો.

તેજ પ્રતાપને હાંકી કાઢવાથી પરિવાર નબળો પડ્યો

વર્ષ 2025ની શરુઆતમાં, તેજ પ્રતાપ યાદવનો તેમની મહિલા મિત્ર સાથેનો ફોટો વાઇરલ થતાં મોટો વિવાદ ઊભો થયો. પરિસ્થિતિ ગંભીર બનતાં, લાલુ યાદવે કડક કાર્યવાહી કરી અને તેજ પ્રતાપને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા. આ પ્રથમવાર હતું કે લાલુ યાદવે પોતાના પુત્રને જાહેરમાં અલગ કર્યો હોય.

બળવાખોર બનેલા તેજ પ્રતાપે તેને 'જયચંદોની રમત' ગણાવી અને પછીથી પોતાની નવી પાર્ટી 'જનશક્તિ જનતા દળ(JJD)'ની સ્થાપના કરી. તેજ પ્રતાપનું ઘર છોડવું અને નવી પાર્ટી બનાવવાથી પરિવારમાં ટકરાવ વધ્યો અને બિહારના રાજકારણમાં RJD નબળી પડી.

રોહિણી આચાર્યના મોટા આરોપો અને દર્દનાક વિદાય

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો પછી લાલુ પરિવારમાં સૌથી ઊંડો ઘાવ ત્યારે લાગ્યો, જ્યારે રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પરિવાર અને રાજકારણ બંનેથી અંતર રાખવાની જાહેરાત કરી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે, 'એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મજબૂરીમાં એક પુત્રીએ રડતાં મા-બાપ તથા બહેનોને છોડવી પડી. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી.' 

આ પણ વાંચો: 'બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ...', ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ

તેમજ રોહિણીએ વધુમાં કહ્યું કે, ' મને 'ગંદી કિડનીવાળી' કહેવામાં આવી અને મારા વિશે ટિકિટ માટે કરોડો લેવા જેવી ખોટી વાતો ફેલાવવામાં આવી. એવામાં જો પરિવારમાં પુત્ર હોય, તો પિતા માટે પોતાના શરીરનો ભાગ આપતાં પહેલા સો વાર વિચારે.' આ પોસ્ટ દેશભરમાં ચર્ચાનો વિષય બની.

લાલુ યાદવની ત્રણ દીકરીઓએ પણ ઘર છોડ્યું

રોહિણીની પોસ્ટ વાઇરલ થયા પછી રવિવારે લાલુ યાદવની ત્રણ અન્ય પુત્રીઓ રાગિની, ચંદા અને રાજલક્ષ્મીએ પણ પટણાના 10 સર્ક્યુલર રોડ સ્થિત આવાસ છોડી દીધું. હવે આવાસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી જ હાજર છે. આ દૃશ્ય તે પરિવારની સ્થિતિનું વર્ણન કરે છે, જે દાયકાઓ સુધી બિહારના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતો હતો. પાર્ટીની કારમી હાર હોય, તેજ પ્રતાપનો જાહેર વિદ્રોહ હોય કે રોહિણી આચાર્યના મોટા આરોપ, આ બધા પર લાલુપ્રસાદનું મૌન હવે સૌથી મોટો સવાલ બની ગયું છે. લાલુ યાદવની આ ચૂપકીદી પરિવાર અને પાર્ટી બંનેના ભવિષ્યને લઈને વધુ મોટી અનિશ્ચિતતા ઊભી કરી રહી છે.

તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો 2 - image

Tags :