'15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું...' માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું
Bihar Election News : રવિવારે બોધગયા ખાતે પોતાના નિવાસસ્થાન પર પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) ના પ્રમુખ જીતન રામ માંઝીએ આગામી બિહારની વિધાનસભા ચૂંટણીઓ અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતે અમારી પાર્ટીનું લક્ષ્ય કોઈપણ કિંમતે માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવાનું છે. એના માટે, પાર્ટી ઓછામાં ઓછી આઠ બેઠકો જીતે અને કુલ મતોના છ ટકા મેળવે તે જરૂરી છે. માંઝીએ કહ્યું કે વ્યવહારીક રીતે આ ત્યારે જ શક્ય છે જો અમને NDA ગઠબંધનમાં 15 બેઠકો આપવામાં આવે, કારણ કે બધી બેઠકો જીતવી શક્ય નથી.
જીતન રામ માંઝીની ચેતવણી
જીતન રામ માંઝીએ સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો અમારી પાર્ટીને સન્માનજનક બેઠકો નહીં આપવામાં આવે, તો હિન્દુસ્તાની આવામ મોરચા એકલા ચૂંટણી લડશે અને સો બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તેમણે દાવો કર્યો હતો કે દરેક વિધાનસભા મતવિસ્તારમાં તેમની પાસે 10-15 હજાર મતદારો છે અને આ આધારે તેઓ ચૂંટણીમાં એકલા 6% મત મેળવી શકે છે.
અમારા માટે કરો યા મરો જેવી સ્થિતિ...
તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીની રચના થયાને દસ વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધી માન્યતા પ્રાપ્ત પાર્ટી રહેવું તેમના માટે અપમાનજનક છે. તેથી, આ વખતની ચૂંટણી તેમના માટે "કરો યા મરો" જેવી સ્થિતિ છે.
માંઝીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
NDAમાં પોતાની તાકાતનો દાવો કરતા માંઝીએ કહ્યું કે અમારો પક્ષ પૈસા ખર્ચ્યા વિના ભીડ ભેગી કરે છે, જ્યારે અન્ય પક્ષો પૈસાની મદદથી ભીડ બોલાવે છે. તેમણે કહ્યું કે NDAના નેતાઓ પણ આ વાત જાણે છે અને સીટ શેરિંગમાં એ જોવામાં આવશે કે ખરેખર કયો પક્ષ જીતી રહ્યો છે. માંઝીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી પાર્ટીને પૂરતી બેઠકો મળશે અને 2025માં પાર્ટીને માન્યતા મળી જશે.