Get The App

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું 1 - image


Pakistan To Reconstruct LeT Head Quarter: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં ઘૂસી ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન પંજાબના મુરીદકે સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ના મુખ્ય મથક મરકઝ તૈયબાને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન હવે તેને ફરીથી બનાવવાની યોજના બનાવી રહ્યું છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓના ડોઝિયર અનુસાર, પાકિસ્તાન આતંકવાદી ઠેકાણાને ફરીથી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ગયા મહિને, મરકઝ તૈયબા બનાવવા માટે ઘણા મોટા મશીનો મુરીદકે પહોંચ્યા હતાં. 4 સપ્ટેમ્બરના રોજ ઉમ્મ ઉલ કુરા નામના યલો બ્લોકને તોડી પાડવામાં આવ્યો હતો. તેના ત્રણ દિવસ બાદ લાલ રંગની ઈમારતને પણ તોડી મરકઝ તૈયબાની નવી ઈમારતના બાંધકામની કામગીરી હાથ ધરાઈ છે.

પાકિસ્તાન કરોડોનો ખર્ચ કરશે

મરકઝ તૈયબાની ઈમારતમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેમજ મોટાપ્રમાણમાં હથિયાર અને દારૂગોળાનો સંગ્રહ પણ થતો હતો. આ ઈમારતને ઓપરેશન સિંદૂર દરમિયાન નષ્ટ કરવામાં આવી હતી. હવે પાકિસ્તાને ફરી તેને ઉભી કરવાની કવાયત હાથ ધરી છે. જેના માટે કરોડોનું ફંડ પણ આપ્યું છે. 5 ફેબ્રુઆરી, 2026ના રોજ કાશ્મીર એકજૂટતા દિવસ નિમિત્તે મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના નવા મુખ્યાલયનું ઉદ્ધાટન થઈ શકે છે. ગુપ્ત માહિતી અનુસાર, ફેબ્રુઆરી પહેલાં આ ઈમારતના પુનઃનિર્માણનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે. આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા, બ્રેઈનવોશ કરવા તેમજ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે આ પરિસરનો ઉપયોગ થશે.

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું 2 - image

આ પણ વાંચોઃ 'કોઈ મને ગમે તેટલા અપશબ્દો કહે, હું શિવભક્ત છું, તમામ ઝેર...' PM મોદીનો આસામથી કોંગ્રેસ પર કટાક્ષ

પાકિસ્તાન સરકાર જ આતંકવાદ સમર્થક

ગુપ્તચર માહિતી અનુસાર, ઓગસ્ટમાં પાકિસ્તાન સરકારે લશ્કર-એ-તૈયબાને 4 કરોડ રૂપિયાની મદદ કરી હતી. તે જ સમયે, મરકઝને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે લગભગ 15 કરોડ રૂપિયાની જરૂર પડશે. પાકિસ્તાની સરકારનું આ કૃત્ય તેના બેવડા વલણો દર્શાવે છે. આ કૃત્ય પરથી સાબિત થાય છે કે, પાકિસ્તાનની સરકાર જ આતંકવાદને સમર્થન આપી રહી છે, તેને પોષી રહી છે. મરકઝ તૈયબાના ડિરેક્ટર મૌલાના અબુ જારને ઉસ્તાદ ઉલ મુજાહિદ્દીન સાથે મળીને મરકઝના પુનર્નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, કમાન્ડર યુનુસ બુખારીને ઓપરેશનલ નિરીક્ષણનું કાર્ય સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકાર પણ આ નવીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

પૂર પીડિતોનું ફંડ આતંકવાદીઓ વાપરશે

પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં, લશ્કર-એ-તૈયબા ભંડોળ એકત્ર કરવા માટે પૂરની મદદ લઈ રહ્યું છે. લશ્કર પૂરમાં લોકોને રાહત આપવાના નામે મોટી રકમ એકઠી કરી રહ્યું છે. પૂર રાહત માટે મળતા મોટાભાગના પૈસા મુરીદકે મોકલવામાં આવ્યા છે. જોકે, આ પહેલીવાર નથી કે લશ્કર માનવતાવાદી સહાયના નામે ગેમ રમી રહ્યું હોય. અગાઉ 2005માં પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે લશ્કરે આપત્તિ પીડિતોને મદદ કરવાના નામે અબજો ડોલર એકઠા કર્યા હતા અને તેનો 80 ટકા હિસ્સો પોતાના માટે રાખ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ પૈસાથી લશ્કરે મુરીદકેમાં પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું અને કોટલીમાં મરકઝ અબ્બાસનું નિર્માણ કર્યું હતું.


પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું 3 - image

Tags :