Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કા માટે 121 બેઠકો પર મતદાન ગુરુવારે(6 નવેમ્બર) યોજાયું હતું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવી દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
પહેલા તબક્કાનું કુલ 64.46 ટકા મતદાન: ચૂંટણી પંચ
બિહારમાં પહેલા તબક્કાનું મતદાન અત્યાર સુધીમાં 64.46 ટકા થયું છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે માહિતી આપી કે પહેલા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું. હજુ સુધી 64.46 ટકા મતદાન થયું છે.
પહેલા તબક્કાનું મતદાન NDAને ભારે લીડ અપાવશે: પીએમ મોદી
બિહાર વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી. વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં પહેલા તબક્કાના મતદાનમાં NDAએ ભારે લીડ મેળવી છે. તેની સાથે જ બીજા તબક્કામાં પણ દરેક તરફ તેની લહેર નજરે આવી રહી છે. જનતામાં આ જોશ વચ્ચે કાલે બપોરે અંદાજિત 1:45 વાગ્યે ઔરંગાબાદ અને લગભગ 3:30 વાગ્યે ભભુઆમાં પોતાના પરિવારજનો સાથે વાતચીતનું સૌભાગ્ય મળશે.
સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન થયું.
બિહારમાં 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા
- બેગુસરાય: 67.32 ટકા
- ભોજપુર: 53.24 ટકા
- બક્સર: 55.10 ટકા
- દરભંગા: 58.38 ટકા
- ગોપાલગંજ : 64.96 ટકા
- ખગડિયા: 60.65 ટકા
- લખીસરાય : 62.76 ટકા
- મધેપુરા: 65.74 ટકા
- મુંગેર : 54.90 ટકા
- મુઝફ્ફરપુર: 64.63 ટકા
- નાલંદા: 57.58 ટકા
- પટના: 55.02 ટકા
- સહરસા: 62.65 ટકા
- સમસ્તીપુર: 66.65 ટકા
- સારણ: 60.90 ટકા
- શેખપુરા: 52.36 ટકા
- સીવાન: 57.41 ટકા
- વૈશાલી: 59.45 ટકા
બિહારમાં પ્રથમ તબક્કે ત્રણ વાગ્યા સુધીમાં 53.77 ટકા મતદાન થયું હતું
બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું હજુ ચાલી રહ્યું છે. ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે જેમાં અત્યાર સુધીમાં 53.77 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.
આમની છાતી પર બુલડોઝર ફેરવીશું : વિજય સિન્હા ભડક્યા
ડેપ્યુટી સીએમ અને લખીસરાય મતવિસ્તારના ભાજપ ઉમેદવાર વિજય કુમાર સિન્હાએ કહ્યું કે આ રાજદના ગુંડા છે. સત્તામાં એનડીએ આવી રહ્યું છે. આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું. રાજદના ગુંડાઓ મને ગામમાં જવા નથી દેતા. તેમણે મારા પોલિંગ એજન્ટને પણ ભગાડી દીધો. તેને મતદાન કરવા પણ ન દીધું. આ લોકોની ગુંડાગર્દી તો જુઓ. આ ખોરિયારી ગામનું 404 અને 405 બુથ નંબર છે.
બપોરના 1 વાગ્યા સુધી 42.31 ટકા મતદાન
બપોરે 1 વાગ્યા સુધીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 42.31 ટકા મતદાન થયું છે. રાજ્ય ચૂંટણી કાર્યાલય અનુસાર પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, કુલ 42.31 ટકા મતદારોએ 45341 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધુ 46.73 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પટણા જિલ્લામાં સૌથી ઓછું 37.72 ટકા મતદાન નોંધાયું હતું.
બિહારમાં મતદાન વચ્ચે લખીસરાયમાં ડેપ્યુટી સીએમની કાર પર હુમલો, મુર્દાબાદની નારેબાજી
બિહારના લખીસરાયમાં ભાજપના ઉમેદવાર અને ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહાની કારને ઘેરી લીધી હતી અને તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. આ મામલે આરજેડીના કાર્યકરોની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો છે. તેમણે મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી. આ મામલે ઘટનાસ્થળે હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા.
મહાગઠબંધન ચૂંટણી હારશે: ચિરાગ પાસવાનનો દાવો
કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ વિલાસ પાસવાને કહ્યું, "...આ એક એવો અધિકાર છે જે દેશના નાગરિકોના સર્વોચ્ચ અધિકારોમાંનો એક છે. તેનો ઉપયોગ કરીને, તમે તમારા ભવિષ્યને સુધારી શકો છો. હું દરેકને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં યોગદાન આપવા વિનંતી કરું છું જે ચાલી રહ્યું છે..." તેમણે આગળ કહ્યું, "...મહાગઠબંધનની સમસ્યા એ છે કે જો તેઓ બહાના શોધવા જેટલો સમય જનતાની સેવા કરવામાં વિતાવશે તો તેમને આ બહાના શોધવાની જરૂર નહીં પડે. મહાગઠબંધન ચૂંટણી હારી રહ્યું છે... જો આટલું બધું ખોટું થઈ રહ્યું છે, તો તમારે કોર્ટમાં જવું જોઈએ. તમારે આપણી ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આવું કંઈક થઈ રહ્યું છે તો તમને ચોક્કસ ન્યાય મળશે..."
બિહારમાં સવારે 11 વાગ્યા સુધી 27.65% મતદાન
બિહારમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 27.65% મતદાન થયું છે. અગાઉ, સવારે 9 વાગ્યા સુધી 13.13% મતદાન નોંધાયું હતું.
આરજેડીએ ચૂંટણી પંચ પર ધીમા મતદાનનો આરોપ લગાવ્યો
આરજેડીએ ચૂંટણી પંચ પર ઇરાદાપૂર્વક મતદાન ધીમું કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તમામ સ્થળોએ મતદાન સરળતાથી ચાલી રહ્યું છે.
તવા પર રોટી પલટાતી રહેવી જોઈએ નહીંતર... : લાલુ યાદવ
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાતી રહેવી જોઇએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ લાંબો સમય કહેવાય! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે.
સ્વાસ્થ્ય, શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે યુવાનોએ કર્યું મતદાન, કહ્યું- રાજ્યની છબી બદલાવી જોઈએ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલા યુવાનોએ આ ક્ષણને ગૌરવ, જવાબદારી અને સારા ભવિષ્યની આશા સાથે જોડી હતી. આ સાથે, તેઓએ કયા મુદ્દાઓ પર મતદાન કર્યું તે પણ જણાવ્યું. પટનાના એક બૂથ પર પહેલીવાર મતદાન કરનાર શીતલે મતદાન મથકની બહાર આવતા જણાવ્યું કે, "હા, આ મારો પહેલો મત છે અને મત આપીને ખૂબ સારું લાગી રહ્યું છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે."

સારણમાં પ્રથમ વખત મતદાન કરવા આવેલા એક યુવા મતદારે કહ્યું કે તે આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. તેણે જણાવ્યું, "શરૂઆતમાં હું થોડો નર્વસ હતો કે પ્રક્રિયા કેવી રીતે થશે, પરંતુ મત આપ્યા પછી મને ખૂબ ગર્વ થયો. હું ઈચ્છું છું કે બિહારના નેતાઓ શિક્ષણ અને વિકાસ પર વધુ ધ્યાન આપે. બહારના રાજ્યોમાં બિહારને ઘણીવાર ખરાબ નજરે જોવામાં આવે છે. હવે આ છબી બદલાવી જોઈએ." મુઝફ્ફરપુરની પ્રથમ વખથ મતદાર અમીદાએ જણાવ્યું કે તેણે બિહારના વિકાસ માટે મતદાન કર્યું છે.
મતદાન કરવું એ આપણો અધિકાર જ નહીં પણ જવાબદારી પણ છે : નીતિશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, "લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!"
ભાજપના ચાર કાર્યકરોની અટકાયત
બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ લોકો મતદારોને સ્લિપની વહેંચણી કરી રહ્યા હતા.
મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યાં, મતદાનનો બહિષ્કાર
માહિતી અનુસાર મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યા છે. તેમણે ઓવર બ્રિજ અને રસ્તો બનાવવા મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. લગભગ ત્રણ જેટલા બૂથ પર આવી સ્થિતિ જોવા મળી હતી.
લાલુ પ્રસાદ યાદવના પરિવારે કર્યું મતદાન
બિહારમાં ચર્ચિત લાલુ પ્રસાદ યાદવના પરિવારે મતદાન કર્યું. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતી પણ જોવા મળી હતી. આ તમામ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બિહારમાં મતદાનના પ્રથમ આંકડા
બિહારમાં મતદાન ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાવા અને વોટર્સની નારાજગીના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે 9 વાગ્યા સુધીમાં બિહારમાં 13.13% જેટલું મતદાન થઈ ચૂક્યું છે.
જાણો ક્યાં કઈ ઘટના બની?
ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર EVM મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334 અને 335 પર EVM ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ "વોટ ચોર" ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર 153, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર 196 પર પણ EVM માં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.
તેજસ્વી યાદવે મતદાન કર્યું, રાબડી દેવીએ બંને પુત્રોને 'શુભેચ્છાઓ' પાઠવી
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, "હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું... બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ."

સમજદારીપૂર્વક મતદાન કરો - આરજેડી સાંસદ મીસા ભારતી
આરજેડી સાંસદ મીસા ભારતીએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે, "તમારા ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે સમજદારીપૂર્વક મતદાન કરો. મહાગઠબંધનને તમારો ટેકો આપો."
મહુઆ વિધાનસભા બેઠક પર રસાકસી ભરી સ્પર્ધા
વૈશાલીના રાઘોપુર મતવિસ્તારની સરહદે આવેલા મહુઆ મતવિસ્તાર પર તેજસ્વી યાદવના મોટા ભાઈ અને જનશક્તિ જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવ અનેક પક્ષો સાથેના મુકાબલામાં ફસાયા છે. તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય મુકેશ રોશનને પડકાર આપી રહ્યા છે. NDAના ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સંજય સિંહ અને 2020માં બીજા સ્થાને રહેલા આસ્મા પરવીન, સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
11 ભાજપ અને 5 JDU મંત્રીઓ ચૂંટણી મેદાને
બીજી તરફ, પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ નક્કી થશે. આમાં ભાજપના 11 અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ ક્વોટામાંથી સિવાનથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે, બાંકીપુરથી નીતિન નવીન, તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, દરભંગાથી શહેરી વિકાસ મંત્રી જીવેશ મિશ્રા, દરભંગા શહેરીથી મહેસૂલ મંત્રી સંજય સરોગી, કુઢની પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, સાહિબગંજથી પર્યટન મંત્રી રાજુ કુમાર, અમનૌરથી માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, બિહાર શરીફથી પર્યાવરણ મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતા ચૂંટણી લડી રહ્યા છે. JDUના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી (સરાય રંજન), નાલંદાથી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, બહાદુરપુરથી સમાજ કલ્યાણ મંત્રી મદન સહની, કલ્યાણપુરથી માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી અને સોનબરસાથી રત્નેશ સદાનો સમાવેશ થાય છે.
મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડશે
ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સિવાન બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમનો સામનો વરિષ્ઠ આરજેડી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સાથે છે. હાલમાં, તેઓ વિધાનસભા કાઉન્સિલર છે.
મોકામા વિધાનસભા બેઠક ચર્ચામાં
મોકામા બેઠક સૌથી વધુ ચર્ચિત બેઠકોમાંની એક છે, જ્યાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહનો મુકાબલો RJDના વીણા દેવી સામે છે, જે શક્તિશાળી નેતા સૂરજ ભાનની પત્ની છે. બે મજબૂત વ્યક્તિઓની હાજરીને કારણે આ બેઠકની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: 'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ
પ્રથમ તબક્કામાં કુલ 121 બેઠકો પર મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થશે. જેમાંથી દિઘા (પટણા)માં સૌથી વધુ 4.58 લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા 2.32 લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ 20 ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત 5-5 ઉમેદવારો છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 36,733 ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી 10.72 લાખ નવા મતદારો છે, જ્યારે 18-19 વય જૂથના મતદારોની સંખ્યા 7.38 લાખ છે.
પ્રથમ તબક્કા માટે, 121 જનરલ, 18 પોલીસ અને 33 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.
પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ 13 હજાર 302 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.


