Get The App

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ 1 - image


Election Commission And BJP On Rahul Gandhi Allegation : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણામાં 25 લાખ જેટલી એન્ટ્રીઓ નકલી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણની ચોરી કરવામાં આવી હતી.

કોંગ્રેસના બૂથ એજન્ટોએ મતદાન વખતે ફરિયાદ કેમ ન કરી : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આજે (5 નવેમ્બર) રાહુલ ગાંધીના આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે દાવાનો જવાબ આપ્યો છે કે, તે વખતે કોંગ્રેસના બૂથ એજન્ટો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એક મતદારે વધુ વખત મતદાન કર્યું હોવાની પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

કોંગ્રેસના પોલિંગ એજન્ટો મતદાન કેન્દ્રો પર શું કરી રહ્યા હતા?

ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલ આક્ષેપો સામે સવાલ ઉઠાવ્યો છે કે, ‘કોંગ્રેસના પોલિંગ એજન્ટો મતદાન કેન્દ્રો પર શું કરી રહ્યા હતા? જો કોઈ મતદાર ફરી મતદાન કરવા આવ્યો હોય કે પછી મતદારની ઓળખ પર આશંકા હોય તો તેમના (કોંગ્રેસના) એજન્ટોએ ત્યારે જ ફરિયાદ કરવી જોઈતી હતી.’

રાજકીય પક્ષો દ્વારા જ BLOની નિમણૂક થાય છે

ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે, ‘રાજકીય પક્ષો દ્વારા બીએલઓની નિમણૂક કરવામાં આવે છે અને આ બીએલઓ મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની ગડબડી ન થાય તેના પર ધ્યાન રાખીને તે વિગતો ચૂંટણી અધિકારીને રજૂ કરે છે.’ 

કોંગ્રેસના બીએલઓએ દાવો કે વાંધો કેમ ન ઉઠાવ્યો?

ચૂંટણી પંચે કટાક્ષ કર્યો છે કે, શું રાહુલ ગાંધી નાગરિકતાની ખરાઈ કરતી, ડુપ્લિકેટ મતદારોને દૂર કરતી, મૃતક અને સ્થળાંતર થયેલા મતદારોની નામ હટાવી SIRની પ્રક્રિયાનું સમર્થન કરી રહ્યા છે કે વિરોધ? બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા કરવામાં આવી, ત્યારે કોંગ્રેસના બીએલઓ દ્વારા કોઈપણ દાવો કે વાંધો કેમ ન ઉઠાવાયો? હરિયાણામાં કોંગ્રેસ બીએલઓ દ્વારા કોઈ દાવો કે વાંધો કે ન ઉઠાવાયો?’

આ પણ વાંચો : હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ, હવે બિહારનો વારો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના ‘શૂન્ય મકાન નંબર’ના દાવા પર ચૂંટણી પંચે શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ દ્વારા ‘શૂન્ય મકાન નંબર’ અંગે કરાયેલા દાવા પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ‘મકાન સંખ્યા શૂન્ય એવા મકાનો માટે પણ છે, જ્યાં પંચાયતો અથવા નગરપાલિકાઓએ મકાન સંખ્યા ફાળવ્યા નથી. ત્યાં બૂથ સ્તરના અધિકારીઓ દ્વારા મકાન નંબર શૂન્ય આપવામાં આવ્યા છે.’

રાહુલ ગાંધીએ કોર્ટમાં જવું જોઈએ : ભાજપ

ભાજપે રાહુલ ગાંધીના આરોપોને નિરાધાર ગણાવીને ફગાવી દીધા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ એ કહ્યું કે, ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવવા અને દેશના લોકતંત્રને બદનામ કરવા માટે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર દેશને બદનામ કરવા બદલ ભારત વિરોધી તાકાતો સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો અનિયમિતતા હોય તો કોર્ટનો દરવાજો ખટખટાવવો જોઈએ. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ આજે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે તેમણે મતદાર યાદીમાં ગરબડના અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા સામાન્ય નામનો ઉપયોગ કરીને તેમના માટે ફેક અને બ્લર કરેલા ફોટા વાપરીને મતદારો વધારવામાં આવ્યા અને આ રીતે વોટ ચોરી કરવામાં આવી. આવી ગેરરીતિ અનેક પોલિંગ બૂથ પર કરવામાં આવી હતી. એક જ બુથ પર અમને 223 ફોટો ધરાવતા ડુપ્લિકેટ મતદાર મળી આવ્યા જે એક મહિલાનો ફોટો હતો. કોંગ્રેસ 22,789 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ. આ દર્શાવે છે કે ચૂંટણી કેટલી નજીકની હતી. હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા હતા. એક જ મહિલાનું નામ એક જ બૂથ પર 223 વખત દેખાય છે. હરિયાણામાં નકલી ફોટાવાળા 124,177 મતદારો હતા. મતદાર યાદીમાં નવ જગ્યાએ એક મહિલાએ મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે. 

આ પણ વાંચો : સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી... હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દાવો

Tags :