Get The App

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે 1 - image

Bihar New CM: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું છે. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી.

RJD અને JDUમાં થઈ ભાજપમાં ભળ્યા, જુઓ રાજકીય સફર

સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ, તેઓ 2014માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા. 

વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઑગસ્ટ 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતિશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતાં તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આવતીકાલે બુધવારે લેશે શપથ

સમ્રાટ ચૌધરી 15 એપ્રિલ 2026, બુધવારના રોજ સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 101 બેઠકમાથીં 89 બેઠક જીતી હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી અને આટલી પ્રચંડ બેઠક અપાવવામાં સમ્રાટ ચૌધરીએ ખૂબ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતાં પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે. આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

નવી સરકારને પાઠવી શુભેચ્છા

નીતિશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં વિકાસની યોજનાઓ અટકવી જોઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.