બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે. ચિરાગની પાર્ટીના 38 મોટા નેતાઓએ સામૂહિક રાજીનામું આપી દીધું અને તમામ ચિરાગના કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી(RLJP)માં જોડાઈ ગયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ 38 નેતાઓમાં પ્રદેશ મહાસચિવ રતન પાસવાન પણ સામેલ છે.
ભત્રીજાની પાર્ટીના 38 નેતા કાકાની પાર્ટીમાં સામેલ
28 જુલાઈના રોજ ચિરાગની પાર્ટીના 38 નેતાઓએ પોતાના પદ પરથી સામૂહિક રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ 29 જુલાઈના રોજ આરએલજેપીના સભ્ય બની ગયા છે. સદસ્યતા કાર્યક્રમમાં રાજોલપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ પારસ, પ્રદેશ મહાસચિવ, રાષ્ટ્રીય પ્રવક્તા સરવન અગ્રવાલ સહિત અનેક મોટા નેતા ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ
38 નેતાઓએ તાત્કાલીક બેઠક યોજી રાજીનામું આપ્યું
વાસ્તવમાં રાજ્યના ખગડિયા શહેરના બહુઆહી ગામમાં તાત્કાલીક બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ ચિરાગના નેતાઓએ સામૂહિક રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનારાઓમાં પ્રદેશ મહાસચિવ રતન પાસવાન, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શિવરાજ યાદવ, યુવા જિલ્લા અધ્યક્ષ સુજીત પાસવાન સહિત અનેક મોટા નેતા સામેલ છે. શિવરાજ યાદવે કહ્યું કે, ખગડિયાના તમામ સાત બ્લોક પ્રેસિડેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજીનામું આપનારા નેતાઓનો સાંસદ પર ગંભીર આક્ષેપ
રાજીનામું આપનારા નેતાઓએ ખગડિયાના સાંસદ રાજેશ વર્મા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે, સાંસદ અમારી સાથે અભદ્ર વ્યવહાર અને કાર્યકર્તાઓનું અપમાન કરતા હતા. શિવરાજ યાદવે કહ્યું કે, સાંસદની અમર્યાદિત ભાષા અને વ્યવહારના કારણે પાર્ટીના અનેક કાર્યકર્તાઓ નારાજ થયા બાદ રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે ચિરાગ પાસવાનને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે.