Get The App

'દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું', લોકસભામાં PM મોદીનું નિવેદન

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
'દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું', લોકસભામાં PM મોદીનું નિવેદન 1 - image


PM Modi On Operation Sindoor In Loksabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા પર જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન પર જણાવ્યું કે, પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવાનું છે અને મારો જવાબ હતો કે જો પાકિસ્તાનનો આ ઈરાદો છે તો તેને ખૂબ મોંઘું પડશે.'

વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું કે, '22 એપ્રિલ બાદ મેં જાહેરમાં કહ્યું હતું કે, અમારો સંકલ્પ છે  કે અમે આતંકવાદીઓને જડમૂળથી ઉખેડી નાખીશું. પહલગામ હુમલા બાદ હું તુરંત વિદેશથી પાછો આવ્યો અને ઈમરજન્સી બેઠક બોલાવી આતંકવાદને આકરો જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ લીધો હતો.'

'વિપક્ષે સ્વાર્થી રાજનીતિ કરી, પાકિસ્તાનના જુઠ્ઠાણાને ફેલાવ્યું'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'પહલગામ આતંકવાદી હુમલા બાદ ત્રણ ચાર દિવસમાં જ વિપક્ષના લોકો બુમો પાડી પાડીને કહેવા લાગ્યા કે, ક્યાં ગઈ 56 ઈંચની છાતી? ક્યાં ગયા મોદી? તેઓ મજા લઈ રહ્યા હતા. આ લોકો પહલગામના 26 લોકોની હત્યા પર રાજનીતિ રમી રહ્યા હતાં. સ્વાર્થી રાજનીતિ માટે તેઓ મારા પર નિશાન સાધતા હતા. તેઓ પાકિસ્તાનના જુઠ્ઠાણાને ફેલાવી રહ્યા હતાં. અને આ પ્રકારની નિવેદનબાજી કરી દેશની સેનાનું મનોબળ તોડી રહ્યા હતાં.  આ લોકોને ન તો ભારતના સામર્થ્ય પર વિશ્વાસ છે, ન તો ભારતની સેના પર. એટલે જ આ લોકો સતત ઓપરેશન સિંદૂર સામે સવાલ કરી રહ્યા છે. આવું કરીને તમે મીડિયામાં હેડલાઈન્સ તો લઈ શકો છો, પરંતુ દેશવાસીઓના હૃદયમાં જગ્યા નહીં.'

'અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં'

વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન જવાબ આપતા કહ્યું કે, 'આ સેશન ભારતના ગૌરવ ગાનનો છે. આ સેશન ભારતના વિજયોત્સવનો છે. આંતકવાદીઓને જડમૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પની સફળતા દર્શાવે છે. હું સદનમાં ભારતનો પક્ષ મૂકવા ઉભો થયો છું, જેમને ભારતનો પક્ષ દેખાતો નથી. તેમને અરીસો બતાવવા આવ્યો છું. અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં.'

'અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, '22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાનો બદલો અમે નિર્ધારિત સમય  અને શરતો પર 22 મિનિટમાં લીધો. અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો હતો. તેમને કાર્યવાહી કરવાની, નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી.'

'માત્ર ત્રણ દેશો સિવાય તમામનું સમર્થન મળ્યું'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મોટાભાગે આતંકવાદી હુમલા બાદ આતંકનો માસ્ટરમાઈન્ડ નિરાંતે ઊંઘતો હતો. પરંતુ પહલગામ હુમલા બાદ અમે તેની ઊંઘ હરામ કરી દીધી. ભારતને કોઈ દેશે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાં પર હુમલો કરવાથી અટકાવ્યા નથી. માત્ર ત્રણ દેશે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. વિશ્વમાં તમામ લોકોએ ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું, પરંતુ મારા દેશના વીરોને કોંગ્રેસનું સમર્થન ના મળ્યું.'

'દુનિયાના કોઈપણ દેશના નેતાની મધ્યસ્થી ન હતી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'દુનિયાના કોઈપણ દેશના નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા નથી કહ્યું. 9 મેના રોજ અમેરિકાના ઉપ પ્રમુખે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું સેના સાથે વ્યસ્ત હોવાથી ફોન રિસિવ કરી શક્યો નહીં. બાદમાં મેં કૉલ બૅક કર્યો ત્યારે ઉપ પ્રમુખે મને જાણકારી આપી હતી કે, પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. મેં સામે જવાબ આપ્યો હતો કે, જો પાકિસ્તાન આ ઈરાદો રાખે છે, તો તેને આકરો જવાબ આપીશું. તેણે વધુ નુકસાન ભોગવવુ પડશે. મેં કહ્યું હતું કે, અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું.'

'એક રાતમાં નક્કી કરેલા ટાર્ગેટ હાંસલ કરી લેવાયા'

10 મેના રોજ યુદ્ધવિરામનો નિર્ણય થયો. જેને લઈને અલગ અલગ વાતો ફેલાઈ. આ એ જ પ્રોપગેન્ડા છે, જેને પાકિસ્તાન તરફથી ફેલાવાયો. કેટલાક લોકોએ સેનાની વાત પર ભરોસો કરવાના બદલે તેને ફેલાવવામાં વ્યસ્ત રહ્યા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ થઈ હતી, ત્યારે કેટલાક લક્ષ્ય નક્કી કરાયા હતા. તેને એક રાતમાં હાંસલ કરી લેવાયા. બાલાકોટમાં જ્યારે એરસ્ટ્રાઈક કરાઈ, ત્યારે પણ આપણો ટાર્ગેટ નક્કી હતો. ઓપરેશન સિંદૂરમાં પણ આપણો ટાર્ગેટ નક્કી હતો, આપણે આતંકવાદીઓની નાભિ પર હુમલો કરી દીધો. જ્યાં પહલગામના આતંકવાદીઓની રિક્રૂટમેન્ટ થઈ, ટ્રેનિંગ મળી, ફંડિંગ મળતું હતું. તે જગ્યા પર આપણે ઓપરેશન સિંદૂર હેઠળ સચોટ રીતે આતંકવાદીઓની નાભિ પર પ્રહાર કર્યો.

'પાકિસ્તાનના DGMOનો ફોન આવ્યો કે હવે વધુ માર ખાવાની તાકાત નથી'

આ વખતે પણ આપણી સેનાએ 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરીને દેશના સામર્થ્યનો પરિચય કરાવ્યો. જાણીજોઈને કેટલાક લોકો ભૂલી શકે છે, દેશ નહીં ભૂલી શકે. પહેલા દિવસથી ક્લિયર હતું કે આપણો ટાર્ગેટ છે આતંકવાદી, આતંકવાદીઓના આકા, તેના અડ્ડા. જેને આપણે ધ્વસ્ત કરવા ઇચ્છતા હતા, આપણે આપણું કામ કર્યું. છ-સાત મેના રોજ ઓપરેશન આપણું સંતોષજનક હોવાના તુરંત બાદ કાલે જે રાજનાથજીએ કહ્યું હતું કે, તે ફરી દોહરાવું છું, પાકિસ્તાનના DGMOએ ફોન કરીને આ માહિતી આપી હતી. પાકિસ્તાનના DGMOનો ફોન આવ્યો કે હવે વધુ માર ખાવાની તાકાત નથી. ખૂબ માર્યા. પ્લીઝ, હુમલા રોકી દો. ત્યારબાદ સીઝફાયર થયું. પહેલા દિવસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, આપણી કાર્યવાહી નોન એસ્કેલેટરી છે. આ આપણે કહીને કર્યું છે.

'ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું છે'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકશાહીના આ મંદિરમાં ફરી દોહરાવું છું, ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું છે. જો પાકિસ્તાને કોઈ દુસ્સાહસ કર્યું તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. દેશ જોઈ રહ્યો છે, ભારત આત્મનિર્ભર બનતું જઈ રહ્યું છે. દેશ એ પણ જોઈ રહ્યો છે કે ભારત આત્મનિર્ભરતા તરફ વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ મુદ્દાઓ માટે પાકિસ્તાન પર નિર્ભર થતી જઈ રહી છે. 16 કલાકથી જે ચર્ચા ચાલી રહી છે, દુર્ભાગ્યથી કોંગ્રેસે પાકિસ્તાનના મુદ્દા ઇમ્પોર્ટ કરવા પડી રહ્યા છે. આજના સમયમાં સૂચના અને નેરેટિવની મોટી ભૂમિકા છે. નેરેટિવ બનાવીને AIનો ભરપૂર ઉપયોગ કરીને સેનાઓનું મનોબળ ઓછું કરવાની રમત પણ રમાઈ છે. જનતામાં અવિશ્વાસ પેદા કરવાનો પણ ભરપૂર પ્રયાસ હોય છે. દુર્ભાગ્યથી કોંગ્રેસ અને તેના સહયોગી પાકિસ્તાનના એવા જ પ્રપંચના પ્રવક્તા બની ચૂક્યા છે. દેશની સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઈક કરી તો તાત્કાલિક કોંગ્રેસીઓએ સેના પાસે પૂરાવા માગ્યા હતા. પરંતુ જ્યારે તેમણે દેશનો મિજાજ જોયો, તો સૂર બદલ્યા અને કહેવા લાગ્યા કે અમે પણ કરી હતી. એકે કહ્યું કે, ત્રણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, બીજાએ કહ્યું કે, છ, ત્રીજાએ કહ્યું કે, 15 સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેટલા મોટા નેતા, એટલી મોટી સંખ્યા.

બાલાકોટમાં સેનાએ એર સ્ટ્રાઈક કરી, તેમાં તેમણે સમજદારી દાખવી, પરંતુ ફોટો માગવા લાગ્યા. એટલું જ નહીં, જ્યારે પાયલટ અભિનંદન પકડાયા, પાકિસ્તાનમાં ખુશીનો માહોલ સ્વાભાવિક હતો. પરંતુ અહીં પર કેટલાક લોકો હતા, જે કહી રહ્યા હતા કે હવે મોદી ફસાયા. હવે અભિનંદનને મોદી લાવીને બતાવે, હવે જોઈએ મોદી શું કરે છે. છાતી ઠોકીને અભિનંદન પરત આવ્યા. આપણે અભિનંદનને લઈ આવ્યા, ત્યારે તેમને લાગ્યું કે યાર નસીબ વાળો માણસ છે. 

ઓપરેશન સિંદૂરના સમયે બીએસએફ જવાન પાકિસ્તાનના હાથ લાગી ગયો, હવે તેને લાગ્યું વાહ મોટો મુદ્દો હાથ લાગી ગયો. સોશિયલ મીડિયામાં તેની ઇકો સિસ્ટમે જાણે શું-શું ચલાવ્યું. બીએસએફનો તે જવાન આન-બાન શાનથી પરત ફર્યો. આતંકવાદી રડી રહ્યા છે, આતંકવાદીઓના આકા રડી રહ્યા છે અને તેને જોઈને અહીં કેટલાક લોકો રડી રહ્યા છે.



Tags :