BRICS : જિનપિંગે ભારતને કહ્યું થેન્ક્યુ, UN-WTOમાં સુધારાની માંગ, ટ્રમ્પને પણ આપ્યો કડક મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India BRICS Summit : ભારતમાં આયોજિત BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ગ્લોબલ સાઉથની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અમેરિકા તરફ ઈશારો કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ દેશ શક્તિશાળી હોવાનો અર્થ એ નથી કે તે હંમેશા સાચો જ હોય, અને આવી વિચારસરણી હવે લાંબો સમય નહીં ચાલે. વિશ્વમાં સદીઓ પછી મોટા બદલાવો આવી રહ્યા છે અને વિકાસશીલ દેશો હવે વિશ્વ વ્યવસ્થામાં એક મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે, ત્યારે બ્રિક્સ દેશોએ સાથે મળીને વૈશ્વિક સ્થિરતા માટે આગળ આવવું જોઈએ.
તાકાતના જોરે સાચા સાબિત થવાની માનસિકતા નહીં ચાલે : જિનપિંગ
ચીની રાષ્ટ્રપતિ (China President Xi Jinping)એ ટ્રાફિકનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, નિયમો વગરનું વિશ્વ એ ટ્રાફિક લાઈટ વગરના ચાર રસ્તા જેવું છે, જ્યાં અંધાધૂંધી સર્જાય છે. આંતરરાષ્ટ્રીય નિયમો તમામ દેશોએ સાથે મળીને ઘડવા જોઈએ. વૈશ્વિક કાયદા તમામ દેશો માટે એકસરખા લાગુ પડવા જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારના બેવડા માપદંડ હોવા જોઈએ નહીં.
‘વૈશ્વિક સંસ્થાઓ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારાની જરૂર’
કોઈપણ દેશનું કદ, સૈન્ય તાકાત કે સંપત્તિ ભલે ગમે તેટલી હોય, તમામ દેશો સમાન ગણાવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને વૈશ્વિક બાબતોમાં દરેક દેશને સમાન ભાગીદારી મળવી જોઈએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં સુધારાની સાથે વૈશ્વિક નાણાકીય માળખામાં વિકાસશીલ દેશોના અવાજને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે.
માનવ કલ્યાણ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ
આધુનિક યુગમાં નવી ટેક્નોલોજી સૌના વિકાસ અને સમૃદ્ધિનું માધ્યમ બનવી જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વિકાસ લોકોના કલ્યાણ માટે થવો જરૂરી છે. બ્રિક્સ દેશો વચ્ચે એઆઈ ક્ષેત્રે સહયોગ વધારવા, ઓપન-સોર્સ કમ્યુનિટી ઊભી કરવા, લાર્જ લેંગ્વેજ મોડલ વિકસાવવા તેમજ આ વિષય પર વિશેષ ટ્રેનિંગ અને સેમિનાર યોજવા માટે પહેલ કરવામાં આવી છે.
સહયોગ વધારવા માટે ચીનની 5 મહત્વની પહેલ
બ્રિક્સ દેશો વચ્ચે સહકાર મજબૂત કરવા માટે 5 મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ઓપન-સોર્સ AI, વેપાર અને રોકાણને સરળ બનાવવું, ડિજિટલ ઈન્ડસ્ટ્રીમાં સહયોગ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રે પ્રતિભા વિકાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્માર્ટ ફેક્ટરી નિર્માણ, ડિજિટલ સ્કીલ ટ્રેનિંગ અને કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવા માટે સભ્ય દેશો સાથે મળીને કાર્ય કરવાની યોજના રજૂ કરાઈ છે.




