વિદેશમાં સંપત્તિ કે બેંક એકાઉન્ટ છે તો સાવધાન! સરકારે આપી છેલ્લી તક: 31 ડિસેમ્બર સુધી લાગુ થઈ નવી સ્કીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Foreign Assets FAST DS Disclosure Scheme: નાની વિદેશી સંપત્તિ અથવા વિદેશથી થયેલી અઘોષિત આવક ધરાવતા કરદાતાઓ માટે સરકારે એક નવી યોજના શરૂ કરી છે. જેમાં 31 ડિસેમ્બર 2026 સુધી માહિતી આપવાની તક મળશે. જોકે, આ યોજના હેઠળ 30 ટકા ટેક્સની સાથે એટલી જ વધારાની રકમ (પેનલ્ટી/ચાર્જ) પણ ચૂકવવો પડશે. આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે 'ફોરેન એસેટ્સ ઓફ સ્મોલ ટેક્સપેયર્સ-ડિસ્ક્લોઝર સ્કીમ' (FAST-DS) એટલે કે, નાના કરદાતાઓની વિદેશી સંપત્તિની માહિતી આપતી યોજના હેઠળ 31 ડિસેમ્બર 2026 સુધી જાહેરાત કરી શકાશે. આ યોજના 16 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે.
કોને મળશે યોજનાનો લાભ?
નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિની સ્વેચ્છાએ માહિતી આપવાની આ યોજના બજેટ 2026-27માં જાહેર કરવામાં આવી હતી. આ યોજનાના નિયમો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા જારી કરવામાં આવ્યા છે.
આ યોજનાનો લાભ નીચે મુજબના કરદાતાઓ મેળવી શકશે
વિદ્યાર્થીઓ
યુવા પ્રોફેશનલ્સ
ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ
વિદેશમાં રહેતા ભારતીયો (NRI)
કઈ બે શ્રેણીઓમાં કરી શકાશે જાહેરાત?
આ યોજના હેઠળ કરદાતાઓ પોતાની અઘોષિત વિદેશી આવક અને વિદેશી સંપત્તિની જાહેરાત કરી શકશે. આ માટે 31 માર્ચ 2026ની સ્થિતિ મુજબ વાજબી બજાર કિંમત (Fair Market Value) ધ્યાને લેવાશે.

પ્રથમ શ્રેણી (રૂ. 1 કરોડ સુધીની સીમા): ભારત બહાર આવેલી એવી અઘોષિત સંપત્તિ અથવા આવક કે, જેના પર અગાઉ ટેક્સ ચૂકવાયો નથી. આ કિસ્સામાં અઘોષિત સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 1 કરોડથી વધુ ન હોવું જોઈએ.
બીજી શ્રેણી (રૂ. 5 કરોડ સુધીની સીમા): એવી વિદેશી સંપત્તિ કે જેના પર ટેક્સ પહેલા જ ચૂકવાઈ ગયો છે, અથવા તો તે સમયે ખરીદાઈ હતી, જ્યારે વ્યક્તિ ભારતીય નિવાસી ન હતો, પરંતુ આઈટીઆર (ITR)માં તેની માહિતી રજૂ કરવાની રહી ગઈ હતી. આવી જાહેરાત માટે રૂ. 5 કરોડની મર્યાદા છે, અને તેના પર રૂ. 1 લાખની ફી ચૂકવવાની રહેશે.
કેટલો ટેક્સ અને દંડ ચૂકવવો પડશે?
આ યોજના હેઠળ કુલ રકમ બે ભાગમાં વહેંચાયેલી હશે.
જાહેર કરેલી અઘોષિત સંપત્તિ કે આવકની કિંમતના 30% ટેક્સ.
ટેક્સની રકમ જેટલી જ (એટલે કે વધુ 30%) વધારાની રકમ.
ઉદાહરણ: જો કોઈ અઘોષિત વિદેશી બેંક ખાતાની કિંમત રૂ. 60 લાખ છે, અને અઘોષિત વિદેશી આવક રૂ. 20 લાખ છે, તો CBDTના જણાવ્યા અનુસાર કુલ ટેક્સ અને દંડ મળીને રૂ. 48 લાખ ચૂકવવા પડશે.
કેસ અને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ
આ યોજના હેઠળ સ્વેચ્છાએ માહિતી આપનાર કરદાતાને જાહેર કરેલી આવક કે સંપત્તિ પર ભવિષ્યમાં કોઈ વધારાનો ટેક્સ કે દંડ ચૂકવવો પડશે નહીં.
બ્લેક મની એક્ટ, 2015 હેઠળ સંબંધિત સંપત્તિ કે આવક પર કરદાતા સામે કોઈ કેસ કે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
આ યોજના હેઠળ જાહેર કરાયેલી રકમને આવકવેરા અધિનિયમ, 1961 અને બ્લેક મની એક્ટ, 2015 હેઠળ કરદાતાની કુલ આવકમાં ફરીથી ઉમેરવામાં આવશે નહીં.









