બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, 26 ઓક્ટોબરે ત્રાટકશે વાવાઝોડું! 2 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bay of Bengal Cyclone by Oct 26: Heavy Rain Alert in Andhra and Odisha | ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર શક્તિશાળી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ભાગમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ ઝડપથી મજબૂત બનીને આગામી સોમવાર, 26 ઓક્ટોબર 2026ની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પૂરી શક્યતા છે. આ સંભવિત વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે, જેના કારણે તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
વાવાઝોડાની ટાઈમલાઈન: ક્યારે ડિપ્રેશન અને ક્યારે ચક્રવાત બનશે?
- વિશાખાપટ્ટનમ સ્થિત IMDના સાયક્લોન વોર્નિંગ સેન્ટરના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે 5:30 વાગ્યાની આસપાસ આ લો-પ્રેશર એરિયા રચાયો હતો.
- 24 ઓક્ટોબર: આ સિસ્ટમ તે જ વિસ્તારમાં વધુ સક્રિય થઈને ડિપ્રેશનમાં ફેરવાશે.
- 25 ઓક્ટોબર: પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ડીપ ડિપ્રેશન બનશે.
- 26 ઓક્ટોબર: સિસ્ટમ વધુ ઉગ્ર બનીને ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે.
નાગરિકોને સાવચેતી રાખવા સૂચના
આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જૈને જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થશે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતાએ સાવચેતી રાખવી અને દરિયામાં ગયેલા માછીમારોએ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક કિનારે પરત આવી જવું.
ક્યાં અને ક્યારે ત્રાટકશે વાવાઝોડું? લેન્ડફોલ અને આગાહી
વિશાખાપટ્ટનમ સાયક્લોન વોર્નિંગ સેન્ટરના વડા પી. એલ. એન. મૂર્તિના જણાવ્યા અનુસાર, જો આ સિસ્ટમ આ જ રીતે સતત મજબૂત થતી રહેશે, તો તે મછલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના મોડેલો દર્શાવે છે કે 27 ઓક્ટોબર સુધીમાં આંધ્ર પ્રદેશમાં અત્યંત ભારે વરસાદ થશે. જોકે, વૈશ્વિક મોડેલોમાં સિસ્ટમની તીવ્રતા અંગે મતભેદ છે; અમુક મોડેલ્સ તેને 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ' દર્શાવી રહ્યા છે, જ્યારે AI-આધારિત હવામાન મોડેલ્સ તેને સામાન્ય સાયક્લોનિક સ્ટોર્મ તરીકે દર્શાવી રહ્યા છે.
આંધ્રના 7 જિલ્લાઓમાં 'અતિભારે વરસાદ'નું એલર્ટ
- IMDના અમરાવતી કેન્દ્ર દ્વારા 27 અને 28 ઓક્ટોબર માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે.
- અલુરી સીતારામ રાજુ (ASR), કાકીનાડા, પૂર્વ ગોદાવરી, ડૉ. બી.આર. આંબેડકર કોનાસીમા, એલુરુ, પશ્ચિમ ગોદાવરી, એનટીઆર જિલ્લાઓ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની ચેતવણી છે.
- વિશાખાપટ્ટનમ સહિત અન્ય 10 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે વોચ એલર્ટ.
- શનિવારે કોસ્ટલ આંધ્ર અને રાયલસીમામાં વીજળીના કડાકા સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
નેલ્લોર અને પ્રકાશમ જળબંબાકાર
ચક્રવાતી પરિભ્રમણની શરૂઆતી અસર ગુરુવારથી જ જોવા મળી હતી, જ્યાં નેલ્લોર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. તિરૂપતિ જિલ્લાના થોટ્ટમ્બેડુમાં 40.2 મીમી અને નેલ્લોરના રાપુરમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નેલ્લોરમાં 22 મીમી, કાવલીમાં 15 મીમી અને કુડ્ડપાહમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો.




