Gen Z આકર્ષવા પ્રયાસ: PM મોદીની રીલ્સ બાદ હવે રાહુલ ગાંધીએ શરૂ કર્યું Ask Me Anything સેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Starts AMA Session: આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે તમામ રાજકીય પક્ષોએ યુવા મતદારો, ખાસ કરીને 'Gen Z' (નવી પેઢીના યુવાનો)ને પોતાની તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારી દીધી છે. દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા યુવાનો સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેના જ જવાબરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ Gen Z સુધી પહોંચવા ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' (Ask Me Anything) સત્ર શરૂ કર્યું છે.
'હું તમારી વાત સાંભળવા તૈયાર છું': રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ અને Gen Z, હું તમારી વાત સાંભળવા માટે અહીં ઉપસ્થિત છું. તમે ઇન્સ્ટાગ્રામ પર મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, અને હું શક્ય તેટલા વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશ.' આ સાથે જ તેમણે એક ખાસ લિંક પણ શેર કરી છે, જેના દ્વારા યુવાનો પોતાના પ્રશ્નો સીધા જ મોકલી શકશે.
PM મોદીના સૂચન બાદ સોશિયલ મીડિયા પર સક્રિયતા વધી
રાહુલ ગાંધીની આ પહેલ એવા સમયે સામે આવી છે જ્યારે કેન્દ્રીય સ્તરે પણ યુવાનો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રીય મંત્રીઓને યુવાનોમાં લોકપ્રિય એવા ઇન્સ્ટાગ્રામ પર વધુ સક્રિય રહેવા, રીલ્સ બનાવવા અને યુવા પેઢી સાથે સીધો સંવાદ વધારવાની સલાહ આપી હતી.
વિદ્યાર્થી આંદોલનો અને Gen Z પર વધતું કેન્દ્રબિંદુ
તાજેતરમાં NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓએ યોજેલા વિરોધ પ્રદર્શનમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્સ્ટાગ્રામ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા યુવાનોએ આ આંદોલનને દેશભરમાં પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગામી ચૂંટણીઓ પહેલા તમામ મોટા પક્ષો યુવાનોની આકાંક્ષાઓ અને પ્રશ્નોને સીધા સાંભળવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે.









