‘કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનો પાકિસ્તાની તંત્ર સાથે અને પત્નીનો ISI સાથે સંબંધ’ CM હિમંતા NIAને સોંપાશે તપાસ
Assam MP Gaurav Gogoi And Wife Elizabeth Colburn : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આસામના જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈએ પાકિસ્તાનનો ગુપ્ત પ્રવાસ કર્યો હોવાનો, તેમના અને પાકિસ્તાન તંત્ર વચ્ચે ગાઢ સંબંધ હોવાનો તેમજ ગોગોઈની બ્રિટીશર પત્ની એલિઝાબેથ કોલબર્ન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગોગોઈની પત્નીની વિદેશી નાગરિક્તા મુદ્દે NIAને તપાસ સોંપવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ મામલાની એનઆઇએ તપાસ કરવા માટે સપ્ટેમ્બરમાં ભલામણ કરવામાં આવશે. જોકે રાજ્ય સરકારે આ આરોપોની તપાસ કરવા માટે એનઆઇટીની રચના કરી છે, પરંતુ સરકારને લાગે છે કે, આક્ષેપોની ઊંડી તપાસ કરવાની જરૂર છે.
ગૌરવ ગોગોઈના પાકિસ્તાની તંત્ર સાથે ગાઢ સંબંધ : CM સરમા
મુખ્યમંત્રી સરમા (CM Himanta Biswa Sarma)એ આ મામલે સોમવારે (29 જુલાઈ)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગઈકાલે સંસદમાં જોરહાટના આપણા સાંસદે આપેલા ભાષણથી સાબિત થયું કે, તેઓ પાકિસ્તાન તરફથી બોલી રહ્યા છે. તેમની ગુપ્ત યાત્રા અને પાકિસ્તાની તંત્ર સાથેના ગાઢ સંબંધો ઘણું બધું કહી જાય છે. તેમની પત્ની અને બંને બાળકો વિદેશી નાગરિકતા ધરાવતા હોવાથી, તેઓ ગમે ત્યારે ભારત છોડી શકે છે. તેઓ આસામ માટે કલંકીત છે અને ગૌરવશાળી ભારતીય હોવાના આપણા ગૌરવ સાથે વિશ્વાસઘાત છે.
ગોગોઈની પત્ની ISI સાથે જોડાયેલી હોવાનો આક્ષેપ
આ પહેલા મુખ્યમંત્રી સરમાએ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એલિઝાબેથના ISI કનેક્શન મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી છે. એસઆઇટી પાકિસ્તાની પ્લાનિંગ કમિશનનના સ્થાયી સલાહકાર અલી તૌકીર શેખે ભારતના આંતરિક મામલાઓ મુદ્દે સોશિયલ મીડિયા પર કરેલી કોમેન્ટની તપાસ કરશે.
આ પણ વાંચો : અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ
એલિઝાબેથે ભારતીય નાગરિકતા કેમ લીધી નથી : સરમા
હિમંતા બિસ્વા સરમાએ એવું પણ કહ્યું કે, ‘બ્રિટિશ નાગરિક એલિઝાબેથ ગોગોઈએ ઈસ્લામાબાદમાં રહી એક પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠન સાથે કામ કર્યું હતું. તૌકીર એલિઝાબેથનો બોસ હતો. એલિઝાબેથે એક ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા બાદ 12 વર્ષથી ભારતીય નાગરિકતા કેમ લીધી નથી.’
ગોગોઈએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
ગોગોઈ સીએમ સરમાના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મારી પત્ની પર ISI એજન્ટ હોવાનો આક્ષે છે, તો મને રૉ એજન્ટ કહેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, તેથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.
એલિઝાબેથ કોલબર્ન કોણ છે?
એલિઝાબેથનો જન્મ યુનાઇટેડ કિંગડમ(UK)માં થયો હતો. તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ(LSE) માંથી ઇન્ટરનેશનલ પોલિટિકલ ઈકોનોમીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તેઓ મુખ્યત્વે ક્લાઇમેટ પોલિસી (આબોહવા નીતિ) અને વિકાસ પહેલોના ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે માર્ચ 2011થી જાન્યુઆરી 2015 દરમિયાન ક્લાઇમેટ ઍન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક સાથે પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું, જ્યાં તેમણે ભારત અને નેપાળમાં કાર્યક્રમોનું સંકલન કર્યું હતું. તેમને યુરોપિયન સંસદ, યુએસ સેનેટ, યુએન સચિવાલય અને તાંઝાનિયા તથા દક્ષિણ આફ્રિકામાં NGO સાથે કામ કરવાનો અનુભવ પણ છે. હાલમાં, તેઓ ઑક્સફોર્ડ પોલિસી મેનેજમેન્ટ માટે કાર્ય કરે છે, જે ક્લાઇમેટ મુદ્દાઓ સાથે સંકળાયેલ છે. એલિઝાબેથ કોલબર્ન અને ગૌરવ ગોગોઈના લગ્ન 2013માં થયા હતા. તેમની મુલાકાત 2010માં યુનાઇટેડ નેશન્સ સેક્રેટરીએટની સેંક્શન્સ કમિટીમાં ઇન્ટર્નશિપ દરમિયાન થઈ હતી. તેમને બે બાળકો છે.