પેટ્રોલમાં ભેળસેળના આરોપ સાચા નીકળ્યા? BPCLની 'ફેક્ટ ચેક' પોસ્ટમાં જ 33% ઈથેનોલ દેખાતા ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharat Petroleum E20 Controversy : પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ (E20)ને લઈને દેશમાં નવો વિવાદ ઊભો થયો છે. કર્ણાટક સરકારના 20 ટકાથી વધુ ઇથેનોલ મિશ્રણના આરોપો વચ્ચે સરકારી કંપની ભારત પેટ્રોલિયમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટ ડિલીટ કરી દીધી છે. મૈસુરુના એક પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા પરીક્ષણનો હવાલો આપીને કંપનીએ દાવો કર્યો હતો કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ નિર્ધારિત 20 ટકાની મર્યાદામાં છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવા સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે પરીક્ષણના પરિણામમાં ઇથેનોલનું પ્રમાણ 33 ટકા સુધી હોવાનું જણાય છે. ભારત પેટ્રોલિયમે પોસ્ટ ડિલીટ કરી દીધા બાદ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અનેક યુઝર્સે કંપનીના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે અને સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે.
મૈસુરુના પેટ્રોલ પંપના ટેસ્ટ પર વિવાદ
ભારત પેટ્રોલિયમ હાલમાં X પર 'MythVsFact' અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત કંપની કર્ણાટક સરકાર દ્વારા E20 પેટ્રોલ અંગે કરવામાં આવેલા દાવાઓનો જવાબ આપી રહી છે. રવિવારે કંપનીએ એક પોસ્ટમાં મૈસુરુના પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની તપાસનો ઉલ્લેખ કર્યો હતો. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પરીક્ષણમાં ઇથેનોલનું પ્રમાણ નિર્ધારિત 20 ટકાના સ્તર પર જ જોવા મળ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે કંપનીના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો દાવો હતો કે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા પરીક્ષણના પરિણામમાં ઇથેનોલનું પ્રમાણ 33 ટકા સુધી પહોંચ્યું હતું. વિવાદ વધતાં ભારત પેટ્રોલિયમે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચૂક્યા હતા. આ મામલે ભારત પેટ્રોલિયમ પાસે અનેક યુઝર્સે ખુલાસો માગ્યો છે. જોકે, વાયરલ તસવીરમાં દર્શાવાયેલા આંકડા ખરેખર 30 ટકાથી વધુ E20 પ્રમાણ દર્શાવે છે કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
કર્ણાટક સરકારનો દાવો: 63 પેટ્રોલના સેમ્પલમાં મર્યાદા કરતાં વધુ ઇથેનોલ
આ સમગ્ર વિવાદની શરૂઆત કર્ણાટકની કોંગ્રેસ સરકારના એક મોટા દાવા બાદ થઈ હતી. રાજ્ય સરકારે ગયા અઠવાડિયે આરોપ લગાવ્યો હતો કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા પેટ્રોલમાં નિર્ધારિત 20 ટકા કરતાં વધુ ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), શેલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પરથી કુલ 63 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. તપાસમાં આ સેમ્પલમાં ઇથેનોલનું પ્રમાણ નિર્ધારિત 20 ટકાની મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સરકારના આ આરોપથી વાહનચાલકોમાં પણ ચિંતા ઊભી થઈ છે. પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે તો વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
કેરળમાં પણ પેટ્રોલ પંપની તપાસ શરૂ
કર્ણાટક સરકારના દાવા બાદ આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ પણ વકર્યો છે. કોંગ્રેસ શાસિત કેરળમાં પણ પેટ્રોલ પંપ પર રેન્ડમ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં તિરુવનંતપુરમ, એર્નાકુલમ, કોઝિકોડ અને કન્નૂર એમ ચાર જિલ્લામાં તપાસ ચાલી રહી છે. મંત્રી અનૂપ જેકબે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની તપાસમાં કંઈ શંકાસ્પદ સામે આવશે તો અન્ય વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે પેટ્રોલના સેમ્પલ રેન્ડમ રીતે લેવામાં આવશે અને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. તેના પરિણામો 10 દિવસમાં મળવાની અપેક્ષા છે.કેરળની કોંગ્રેસના નેતૃત્વવાળી UDF સરકારે ચેતવણી આપી છે કે જો પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલનું મિશ્રણ અથવા અન્ય નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે પેટ્રોલ પંપ સીલ કરવાની અને જવાબદારો સામે કેસ ચલાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.




