Get The App

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની  ખરીદીને મંજૂરી 1 - image

- રાજનાથસિંહની આગેવાનીમાં સંરક્ષણ કાઉન્સિલના નિર્ણયો 

- એરફોર્સને મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળશે, સૈન્ય માટે ધનુષ ગન, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી કરાશે

નવી દિલ્હી : ભારતના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સૈન્ય માટે હથિયારો અને હાર્ડવેરની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેમાં રશિયન ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ મિસાઇલોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ખરીદવામાં આવશે. આ તમામ ખરીદી માટે મંત્રાલયે આશરે ૨.૩૮ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત આશરે એક હજાર કરોડના બે કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યા છે.    

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ગઠીત સંરક્ષણ સંપાદન કાઉન્સિલ ડીએસીએ આ તમામ ખરીદીઓને મંજૂરી આપી છે. ભારતીય એરફોર્સ માટે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવામા આવશે, જે સામાનની હેરફેરમાં અથવા તો રેસ્ક્યૂ ઓપરેશનો, રાહત સામગ્રી પુરી પાડવામાં કામ આવશે. આ ઉપરાંત એસ-૪૦૦ની લોન્ગ રેન્જ ભુમીથી હવામાં હુમલો કરવા સક્ષમ મિસાઇલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ હવે વધુ મજબુત બનશે કેમ કે લોન્ગ રેન્જ મિસાઇલોનો પણ સમાવેશ કરવામાં આવશે. 

જે મીડિયમ રેન્જના એરક્રાફ્ટ એરફોર્સમાં સામેલ કરાશે તેમાં એન-૩૨ અને આઇએલ-૭૬નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એર ડિફેન્સ ટ્રેક્ડ સિસ્ટમ, આર્મર પિયરિંગ ટેન્ક એમ્યુનિશન, હાઇ કેપેસિટી રેડિયો રિલે, ધનુષ ગન સિસ્ટમ વગેરેની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. એર ડિફેન્સ ટ્રેક્ડ સિસ્ટમ ભારતીય સૈન્યને રિયલ ટાઇમ એર ડિફેન્સ કન્ટ્રોલિંગ અને રિપોર્ટિંગ ક્ષમતામાં મદદરૂપ થશે, જ્યારે હાઇ કેપેસિટી રેડિયો રિલે વિશ્વસનીય અને અવરોધ વગરના કોમ્યુનિકેશનમાં મદદ કરશે. તેવી જ રીતે ધનુષ ગન સિસ્ટમ સૈન્યની આર્ટિલરી ક્ષમતાને મજબુત બનાવશે. આ તમામ મળીને આશરે ૨.૩૮ લાખ કરોડ રૂપિયાના હથિયારો, મિસાઇલો વગેરેની ખરીદી કરવામાં આવશે. 

આ સાથે જ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રશિયાના રોસોબોરોનેક્સપોર્ટ સાથે ભારતીય સૈન્ય માટે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે ડીલ કરી છે. જે માટે બન્ને દેશો વચ્ચે આશરે ૪૪૫ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરાયો છે, આ ઉપરાંત બોઇંગ ઇન્ડિયા ડિફેન્સ પ્રાઇવેટ લિ. સાથે પણ ૪૧૩ કરોડ રૂપિયાની ડીલ થઇ છે જે ભારતીય નેવીના એરક્રાફ્ટના મેન્ટેનન્સ સાથે જોડાયેલી છે. પી૮૧ મોડેલ માટે આ ડીલ થઇ છે, નેવી પાસે હાલ આવા ૧૨ જેટલા એરક્રાફ્ટ છે.