આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fight the Corona scare with precaution, not panic: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. આંધ્ર પ્રદેશમાં કોરોના સંબંધિત મોત અને કેસોમાં થયેલા વધારાને પગલે ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યો એલર્ટ થઈ ગયા છે. આરોગ્ય નિષ્ણાતોએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને તકેદારી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના શહેરોમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જેથી અહીં પણ સરકારે તેમજ નાગરિકોએ તકેદારી રાખવી જરૂરી છે.
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત અને કેસોમાં વધારો
તાજેતરના અહેવાલો અનુસાર, આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે પૈકી 2 દર્દીના શંકાસ્પદ મોત ભારે ચિંતા ફેલાઈ છે. આ પૈકી એક 46 વર્ષીય દર્દી શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય અન્ય એક 52 વર્ષીય દર્દીનું પણ કોરોના અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી અહીં 8 દર્દી કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. આ ઘટના બાદ આંધ્ર પ્રદેશ આરોગ્ય વિભાગે તાત્કાલિક રેપિડ રિસ્પોન્સ ટીમ તહેનાત કરી છે અને તમામ હોસ્પિટલોને આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવા આદેશ આપ્યા છે.
ઓડિશામાં હાઈ એલર્ટ: રથયાત્રા પૂર્વે તંત્ર સજ્જ
આંધ્ર પ્રદેશની સરહદને અડીને આવેલા ઓડિશામાં પ્રશાસન કડક મોનિટરિંગ કરી રહ્યું છે. ખાસ કરીને જગન્નાથ પુરીની રથયાત્રા પૂર્વે લાખોની સંખ્યામાં ભક્તો એકઠા થવાના હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતું નથી. ઓડિશાના ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલ્કાનગિરી જેવા સરહદી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ઓડિશામાં હાલ કોરોનાનો સક્રિય કેસ નહીં હોવાનો દાવો
ઓડિશાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર રવીન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું છે કે, 'હાલ ઓડિશામાં કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા તમામ દર્દીઓ તેમજ શરદી-ખાંસીના લક્ષણો ધરાવતા ઓછામાં ઓછા 5% લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયા છે.'
અફવાઓથી દૂર રહો, ગભરાવાની જરૂર નથીઃ તમિલનાડુ
આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસો વધતાં તમિલનાડુના આરોગ્ય વિભાગે પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારે લોકોને અપીલ કરી છે કે હાલ રાજ્યમાં કોરોનાનો કોઈ અત્યંત જોખમી વેરિયન્ટ સક્રિય હોવાના પુરાવા મળ્યા નથી, તેથી ગભરાવાની કે ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી. આરોગ્ય વિભાગે લોકોને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવા જણાવ્યું છે.









