મમતા બેનરજીને વધુ એક ઝટકો, જૂના વિશ્વાસુ સાથીદાર મદન મિત્રા પણ બળવાખોર જૂથમાં જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madan Mitra Joins Rebel Camp In West Bengal : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી મદન મિત્રા વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા છે. આ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે મદન મિત્રા તેમના ખૂબ જ જૂના અને વિશ્વાસુ સહયોગી રહ્યા છે.
પક્ષમાં અસંતોષ અને મદન મિત્રાનું કદ
મદન મિત્રા તૃણમૂલ કોંગ્રેસના સૌથી જૂના અને અનુભવી નેતાઓમાંથી એક છે. તેઓ અગાઉ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે, અને પાર્ટી સંગઠન પર તેમની મજબૂત પકડ માનવામાં આવે છે. આવા વરિષ્ઠ નેતાનું બાગી જૂથમાં જવું ટીએમસીની આંતરિક રાજનીતિ પર સીધી અસર કરશે. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષની ચર્ચાઓને આ ઘટનાક્રમે વધુ વેગ આપ્યો છે.
મંગળવાર રાત્રિની એ બેઠક જેણે ચિત્ર બદલ્યું
મંગળવારની રાત્રે મદન મિત્રા અચાનક એન્ટાલીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ણકમલ સાહાના ઘરે પહોંચ્યા હતા, અને ત્યારથી જ તેમના પક્ષપલટાની અટકળો શરૂ થઈ ગઈ હતી. સ્વર્ણકમલ સાહાના પુત્ર સંદીપન સાહા પોતે અત્યારે એન્ટાલીના ધારાસભ્ય છે, અને તેઓ ઋતબ્રત બેનરજી જૂથના મહત્ત્વના નેતા ગણાય છે. મદન મિત્રાનું આ ઘરે જવું એ, સ્પષ્ટ સંકેત હતો કે, તેઓ મમતા બેનરજીના જૂથથી અંતર જાળવી રહ્યા છે. બુધવારે બપોરે તેઓ પોતે ગાડી ચલાવીને વિધાનસભા પહોંચ્યા હતા, જ્યાં ઋતબ્રત બેનરજી સાથે મુલાકાત કર્યા બાદ, તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી, અને સત્તાવાર રીતે બળવાખોર જૂથમાં જોડાઈ ગયા.
તપાસ એજન્સીઓનો ગાળિયો અને સમન
અત્રે ઉલ્લેખનીય છે કે, મદન મિત્રા પહેલેથી જ નગરપાલિકા ભરતી કૌભાંડમાં તપાસ એજન્સીઓના રડાર પર છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં CBIએ તેમના ઘરે 5 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જ્યારે આ વર્ષે જૂન મહિનામાં EDએ પણ તેમના ભવાનીપુર અને કાલીઘાટ સ્થિત નિવાસ્થાનો સહિત કોલકાતા અને આસપાસના 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ ED દ્વારા આ કૌભાંડ અંતર્ગત મદન મિત્રાની પત્ની અને તેમના બંને પુત્રોને પૂછપરછ માટે સમન મોકલવામાં આવ્યા છે. પરિવારને નોટિસ મળતાની સાથે જ મદન મિત્રાનું સ્વર્ણકમલ સાહાના ઘરે પહોંચવું નવી ચર્ચાનું કારણ બન્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ રાત્રે લગભગ સાડા દસ વાગ્યા સુધી ત્યાં જ હાજર હતા. મમતા બેનરજીના આટલા લાંબા સમયના વફાદાર નેતાના આ પગલાથી હાલ ટીએમસીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.









