શ્રાવણના સોમવારે વધુ એક મોટી દુર્ઘટના, બંગાળમાં હોટેલમાં ભીષણ આગ, 6 શ્રદ્ધાળુના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal Birbhum Tarapith Hotel Fire: પશ્ચિમ બંગાળના બીરભૂમથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રાવણના સોમવાર માટે એકઠાં થયેલા શ્રદ્ધાળુઓની હોટેલમાં ભીષણ આગ લાગી જતાં ઊંઘમાં જ 6 શ્રદ્ધાળુઓ મોતને ભેટી ગયા હતા. જોકે અનેક લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે સવારે 4 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
અહેવાલો અનુસાર, બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક ખાનગી હોટલમાં સોમવારે (17મી ઓગસ્ટ) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી તારાપીઠ મંદિરે ભગવાન શિવ અને મા તારાના દર્શન કરવા આવેલા યાત્રાળુઓથી હોટલ સંપૂર્ણપણે ખચોખચ ભરેલી હતી. આજે વહેલી સવારે જ્યારે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઊંઘમાં હતા ત્યારે અચાનક હોટલમાં આગ ભભૂકી ઊઠી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ અને ઝેરી ધુમાડો ઝડપથી ઉપરના માળ સુધી પહોંચી જતાં લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો, જેના કારણે ગૂંગળામણથી મોતના બનાવો બન્યા છે.
બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલાકોની જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પરથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.









