India

અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો

By GS Team
17 Jul 20264 mins read
TukuTouch Logo
ફ્લોરિડામાં ભારતીય મૂળના 17 વર્ષીય વૈભવ ભાસ્કરે 11.99 GPA મેળવી ઇતિહાસ રચ્યો છે. સ્ટેઇનબ્રેનર હાઈસ્કૂલના આ તેજસ્વી વિદ્યાર્થીએ રાજ્યનો જૂનો 11.84 GPA રેકોર્ડ તોડ્યો છે. 20 AP અને 24 કૉલેજ કક્ષાના અભ્યાસક્રમો પૂરા કરીને તેણે આ અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરી. આ ઘટના બાદ સ્થાનિક સ્કૂલ પ્રશાસને ગ્રેડિંગ પદ્ધતિમાં ફેરફાર પણ કર્યા છે. વૈભવ હવે ડ્યુક યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને જાહેર નીતિનો અભ્યાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો

Vaibhav Bhaskar 11.99 GPA Record: શું કોઈ વિદ્યાર્થી હાઈસ્કૂલમાં 11.99 જેટલો અશક્ય લાગતો GPA (ગ્રેડ પોઇન્ટ એવરેજ) મેળવી શકે? ફ્લોરિડામાં રહેતા ભારતીય મૂળના એક તેજસ્વી વિદ્યાર્થીએ આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી છે. તેની આ અસાધારણ શૈક્ષણિક સિદ્ધિ એટલી મોટી હતી કે તેણે માત્ર જૂના રેકોર્ડ્સ જ નથી તોડ્યા, પરંતુ સ્થાનિક સ્કૂલ પ્રશાસનને ગ્રેડિંગ આપવાની આખી પદ્ધતિ વિશે ફરીથી વિચાર કરવા મજબૂર કરી દીધું છે.

શિક્ષણ જગતમાં નવો ઇતિહાસ

સ્ટેઇનબ્રેનર હાઇ સ્કૂલના 17 વર્ષના વિદ્યાર્થી વૈભવ ભાસ્કરે 11.99 ના વેઇટેડ GPA સાથે સ્નાતક થઈને ફ્લોરિડા રાજ્યમાં એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ પહેલા હિલ્સબોરો કાઉન્ટીમાં સૌથી વધુ GPA નો રેકોર્ડ 2022 માં 11.84 હતો. સામાન્ય રીતે અનવેઇટેડ ગ્રેડિંગ સ્કેલમાં પૂરા 4.0 પોઇન્ટ્સ હોય છે, પરંતુ વૈભવે આ આંકડાને એક નવા જ સ્તરે પહોંચાડી દીધો છે.

અમેરિકાની GPA સિસ્ટમ કેવી છે?

અમેરિકાની હાઇસ્કૂલોમાં GPA આપવાની પદ્ધતિ ભારતીય માર્કિંગ સિસ્ટમ કરતાં ઘણી અલગ છે. ત્યાં મુખ્યત્વે બે પ્રકારના GPA ગણવામાં આવે છે.

  1. અનવેઇટેડ GPA (Unweighted GPA - સ્ટાન્ડર્ડ સ્કેલ). આ દરેક સ્કૂલમાં કોમન હોય છે, જેનો સ્કેલ 0.0 થી 4.0 સુધીનો હોય છે. તેમાં વિષય ગમે તેવો હોય, ગ્રેડના પોઈન્ટ સરખા જ ગણાય છે:
    A Grade = 4.0 પોઇન્ટ
    B Grade = 3.0 પોઇન્ટ
    C Grade = 2.0 પોઇન્ટ
    D Grade = 1.0 પોઇન્ટ
    F Grade (Fail) = 0.0 પોઇન્ટ
    જો કોઈ વિદ્યાર્થી બધા વિષયોમાં 'A' લાવે, તો તેનો અનવેઇટેડ GPA પૂરો 4.0 થાય. તેનાથી ઉપર આ સ્કેલમાં જઈ શકાતું નથી.
  2. વેઇટેડ GPA (Weighted GPA - ભારિત સ્કેલ)

હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ જો સામાન્ય વિષયોને બદલે કૉલેજ લેવલના અઘરા વિષયો પસંદ કરે, તો તેમને બોનસ પોઇન્ટ મળે છે. ફ્લોરિડામાં ત્રણ પ્રકારના કોર્સ હોય છે:
રેગ્યુલર કોર્સ: 'A' ગ્રેડ લાવવા પર સામાન્ય 4.0 પોઇન્ટ મળે છે.
ઓનર્સ કોર્સ: આ થોડા અઘરા હોય છે, એટલે તેમાં 'A' લાવવા પર 0.5 બોનસ પોઇન્ટ ઉમેરાય છે (એટલે કે A = 4.5).
એડવાન્સ્ડ પ્લેસમેન્ટ અથવા ડ્યુઅલ એનરોલમેન્ટ કોર્સ: આ સીધા કૉલેજ લેવલના વિષયો છે, જેમાં 'A' લાવવા માટે 1.0 બોનસ પોઇન્ટ મળે છે (એટલે કે A = 5.0).

વૈભવ 11.99 સ્કોર સુધી કેવી રીતે પહોંચ્યો?

વૈભવ ભાસ્કર ભણતો હતો તે હિલ્સબરો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટમાં એક અલગ નિયમ હતો જેને ‘એડિટિવ સિસ્ટમ’ (Additive System) કહેવાતી. ત્યાં નિયમ એવો હતો કે વિદ્યાર્થી જેટલા વધારે કૉલેજ લેવલના (AP કે Dual Enrollment) કોર્સ પાસ કરતો જાય, તે બધાના બોનસ પોઇન્ટ્સ (+0.08 કે +0.04 ના હિસાબે) તેના કુલ GPA માં પ્લસ (ભેગા) થતા જતા હતા. તેની કોઈ મહત્તમ મર્યાદા (Cap) નહોતી. વૈભવે આવા 44 કોર્સ કરી નાખ્યા, જેના લીધે બોનસ પોઈન્ટ્સ ઉમેરાતા-ઉમેરાતા તેનો સ્કોર છેક 11.99 સુધી પહોંચી ગયો!

ફ્લોરિડાની સ્કૂલોમાં કરાયેલા ફેરફાર

વૈભવના આ સ્કોર પછી શિક્ષણ અધિકારીઓને લાગ્યું કે આનાથી વિદ્યાર્થીઓ પર જીવલેણ દબાણ વધશે અને ગ્રેડ મેળવવાની એક ખોટી ‘શસ્ત્રની દોડ’ શરૂ થશે. તેથી હવે ફ્લોરિડાના મોટાભાગના જિલ્લા ઓનર્સ પોઈન્ટ એવરેજ (HPA) સિસ્ટમ અપનાવી રહ્યા છે.
આ સિસ્ટમમાં પોઇન્ટ્સ સીધા પ્લસ કરવાને બદલે, બધા વિષયોના વેઇટેડ ગ્રેડ ઉમેરીને તેને કુલ વિષયોની સંખ્યા વડે ભાગવામાં (એવરેજ કાઢવામાં) આવે છે. જો કોઈ વિદ્યાર્થી બધા જ વિષયો કૉલેજ લેવલના (AP) ભણે અને બધામાં 'A' લાવે, તો પણ તેનો મહત્તમ સ્કોર 5.0 કે 6.0 થી ઉપર ક્યારેય જઈ શકશે નહીં. વૈભવ ભાસ્કરે પોતે પણ સ્વીકાર્યું હતું કે જો આ નવી સિસ્ટમ હોત, તો તેનો 11.99 નો સ્કોર ઘટીને પ્રમાણભૂત સ્કેલ પર 4.93 થઈ ગયો હોત.

વૈભવની મહેનત અને વ્યૂહરચના

વૈભવે આ અદભુત સફળતા મેળવવા માટે ખૂબ જ કઠિન શૈક્ષણિક સમયપત્રકનું પાલન કર્યું હતું. તેણે પોતાની હાઈસ્કૂલની સફર દરમિયાન 20 AP (એડવાન્સ્ડ પ્લેસમેન્ટ) કોર્સ અને 24 ડ્યુઅલ એનરોલમેન્ટ કૉલેજ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા હતા. આ સફળતાનું રહસ્ય શેર કરતા વૈભવે જણાવ્યું કે, જ્યારે તે બીજા વર્ષમાં હતો ત્યારે તેણે પોતાના રૂમના વ્હાઇટબોર્ડ પર પાંચ લક્ષ્યો લખ્યા હતા. તેમાં મુખ્ય બે લક્ષ્યો હતા: 'વેલિડિક્ટોરિયન (ટોપર) બનવું' અને 'રાજ્યનો GPA રેકોર્ડ તોડવો'. એકવાર આ લક્ષ્ય નક્કી થયા પછી, તેણે પૂરી ધીરજ, સાતત્ય અને સંતુલન સાથે મહેનત ચાલુ રાખી.

બહુમુખી પ્રતિભાની દબાણ વગરની સફર

વૈભવ માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ હતો. તે સ્કૂલમાં ઇન્વેસ્ટમેન્ટ ક્લબનો સ્થાપક, દક્ષિણ એશિયન વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ અને મોક ટ્રાયલ ટીમનો કેપ્ટન પણ હતો. વૈભવના પિતા ભાસ્કર મલયપ્પને જણાવ્યું કે, તેમણે વૈભવ પર ક્યારેય વધુ પડતો સ્કોર કરવાનું દબાણ કર્યું નહોતું. તેમણે માત્ર એક મજબૂત પાયો આપ્યો હતો અને વૈભવ પોતાની ક્ષમતા અનુસાર મુક્તપણે આગળ વધ્યો.

સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સપનું

ભારે મહેનત પછી થોડો થાક અનુભવી રહેલો વૈભવ હવે તેના ભવિષ્યના લક્ષ્યો માટે તૈયાર છે. ગણિત અને અર્થશાસ્ત્રમાં વિશેષ રસ ધરાવતો વૈભવ હવે ડ્યુક યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને જાહેર નીતિના ડબલ મેજર અભ્યાસ માટે જઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કલ્ચરમાં રસ ધરાવતો આ યુવાન ભવિષ્યમાં ચૂંટણી લડીને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની ઈચ્છા રાખે છે.