Get The App

4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો 1 - image


Image Source: Twitter

Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ 100 વર્ષના એક વૃદ્ધને હત્યાના કેસમાં 42 વર્ષ બાદ મોટી રાહત આપતા તેને મુક્ત કરી દીધો છે. તેના પર 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્યામાં સંડોવણીનો આરોપ હતો. તેને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ હવે ચાર દાયકાથી વધુ સમય બાદ કોર્ટે તેને નિર્દોષ છોડી દીધો છે. કોર્ટે કહ્યું કે, તેને મળેલી આજીવન કેદની સજાને પડકાર્યાને ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો છે, અને તેને જે સામાજિક પરિણામો ભોગવવા પડ્યા તેને અવગણી ન શકાય.

અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો 

જસ્ટિસ ચંદ્ર ધારી સિંહ અને જસ્ટિસ સંજીવ કુમારની ડિવિઝન બેન્ચે એમ પણ કહ્યું કે, આરોપીની અપીલ લાંબા સમયથી પેન્ડિંગ હતી અને તેની ઉંમર પણ વધારે થઈ ગઈ છે. તેથી રાહત આપતી વખતે આ બાબતોને અવગણી ન શકાય.

1982માં જમીન વિવાદમાં થઈ હતી હત્યા

આ હત્યા 1982માં જમીન વિવાદમાં થઈ હતી અને આ મામલે ત્રણ લોકો - મૈકુ, સત્તી દીન અને ધામી રામ આરોપી હતા. મૈકુ ફરાર થઈ ગયો હતો, જ્યારે હમીરપુર સેશન્સ કોર્ટે 1984માં સત્તી દીન અને રામને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ તે જ વર્ષે જામીન પર મુક્ત થઈ ગયો હતો. સત્તી દીનનું અપીલ દરમિયાન જ મોત થઈ ગયુ હતું, જેના કારણે રામ આ કેસમાં એકમાત્ર જીવિત અપીલકર્તા રહી ગયો હતો.

રામ ત્યારથી જામીન પર છે તે બાબતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તેમના જામીન બોન્ડ ખતમ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે, મુક્ત કરવાનો નિર્ણય કેસના ગુણદોષ પર આધારિત હતો, ખાસ કરીને ફરિયાદ પક્ષના આરોપોને  શંકાની બહાર આરોપો સાબિત કરવામાં નિષ્ફળતા પર.

આ પણ વાંચો: મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા

અલ્લાહાબાદ હાઈકોર્ટ કેમ મુક્ત કર્યો?

કોર્ટે કહ્યું કે, ફરિયાદ પક્ષ આરોપોને શંકાથી પરે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આનો અર્થ એ થયો કે, પુરાવા એટલા મજબૂત નહોતા કે, દોષ સાબિત કરી શકાય. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે, અપીલમાં ઘણો વિલંબ થયો અને આરોપીને દાયકાઓ સુધી માનસિક તણાવ અને સામાજિક બદનામીનો સામનો કરવો પડ્યો. તેની ઉંમર હવે લગભગ 100 વર્ષ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને મુક્ત કર્યો છે.