Get The App

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર 1 - image

- ઉત્તર ભારત આજે પણ કાળઝાળ ગરમીમાં શેકાશે

- હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં હીટવેવ : સાંબામાં 42 ડિગ્રી, જમ્મુમાં 40 ડિગ્રી તાપમાન

- રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રીથી ઉપર, બાંદામાં પારો 46.6 ડિગ્રી સે.એ પહોંચ્યો

નવી દિલ્હી : દેશમાં રવિવારે પણ આકાશમાંથી લૂ વરસતા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર રહ્યું હતું જ્યારે મહારાષ્ટ્રનું અકોલા ૪૬.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર બન્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારત સોમવારે પણ ગરમીમાં શેકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે હજુ આગામી કેટલાક દિવસો સુધી આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં આકાશમાંથી લૂ વરસી રહી છે. વિદર્ભમાં તમામ જિલ્લામાં રવિવારે ૪૩ થી ૪૬ ડિગ્રી વચ્ચે તાપમાન રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 

મહારાષ્ટ્રના અકોલામાં દેશનું સૌથી વધારે ૪૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અકોલામાં સતત છેલ્લા ત્રણ દિવસથી ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. અકોલામાં આ  વર્ષનું  આ સૌથી વધારે તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમરાવતીમાં પણ ૪૬.૮ તથા વર્ધામાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર ઘેરી અસર વર્તાઈ હતી.

ઉત્તર ભારતમાં પણ ગરમીએ રવિવારે ભારે કેર વર્તાવ્યો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યના અનેક શહેરોમાં સરેરાશ તાપમાન ૪૦થી ૪૫ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. કાળઝાળ ગરમીના કારણે ભગવાન રામની નગરી અયોધ્યામાં પણ ભક્તોની ભીડ ઓછી થઈ ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં અયોધ્યામાં દૈનિક ૧,૦૦,૦૦૦ શ્રદ્ધાળુઓ રામ લલાના દર્શને આવે છે ત્યારે હીટવેવના કારણે રવિવારે માત્ર ૪૦,૦૦૦ શ્રદ્ધાળુ આવ્યા હતા.

પંજાબ અને હરિયાણામાં રવિવારે નારનૌલ અને ભટિન્ડા સૌથી ગરમ સ્થળ રહ્યા હતા. નારનૌલમાં વિક્રમી ૪૪.૨ ડિગ્રી સે. તેમજ ભટિંડામાં ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહી હતી. બાડમેરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.

હિમાલયન રાજ્ય જમ્મુ-કાશ્મીર પણ હીટવેવથી અછૂતું રહ્યું નથી. જમ્મુ-કાશ્મીરમાં પણ અંગ દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. જમ્મુના કેટલાક વિસ્તારો સિવાયના ભાગોમાં પારો લઘુત્તમ તાપમાનથી ઉપર રહ્યો છે. જમ્મુ સહિત કઠુઆ, રિયાસી, ઉધમપુર જેવા મેદાની વિસ્તારો હીટવેવની અસર હેઠળ આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના સાંબામાં ૪૨ ડિગ્રી જ્યારે જમ્મુ અને કઠુઆમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.