Akhilesh Yadav Reacts on Bihar Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની 202 બેઠક પર જીત સાથે જંગી બહુમતિ મળી છે. બીજી બાજુ, મહા ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બિહાર વિધાનસભામાં હાર બાદ મહા ગઠબધંનના સાથી પક્ષો ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયાને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘BJP ચૂંટણીઓમાં સરકારી તંત્ર (મશીનરી)નો દુરુપયોગ કરીને પરિણામો પોતાના પક્ષમાં લાવે છે.’
લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યુંઃ અખિલેશ
અખિલેશ યાદવ હાલ બે દિવસના પ્રવાસે બેંગલુરુ પહોંચ્યા છે. આ દરમિયાન શનિવારે (15 નવેમ્બર) અખિલેશે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની 'ડબલ એન્જિન' સરકારને હરાવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ એવી બેઠકો પણ હારી છે જેની તેઓ કલ્પના પણ કરી શકતા નહોતા.’
અખિલેશનો ભાજપ પર ગંભીર આરોપ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘ચૂંટણીમાં હાર અને જીત બંનેમાંથી શીખ મળે છે. જો કે, ભાજપ બિહારની જીતની સરખામણી સમાજવાદી પાર્ટીની ઉત્તર પ્રદેશની જીત સાથે કરી શકે નહીં. ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણી પરિણામો પોતાના પક્ષમાં કરે છે. તેમણે ઉત્તર પ્રદેશમાં પણ સરકારી મશીનરીનો ઘણો દુરુપયોગ કર્યો છે.’
રૂપિયા આપી વોટ ખરીદ્યા: અખિલેશ
અખિલેશ યાદવે વધુ આરોપો લગાવતા કહ્યું કે, ‘ભાજપે દસ-દસ હજાર રૂપિયા આપીને વોટ લઈ લીધા. જો કે, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સૌથી વધુ અન્ય રાજ્યોમાં પોતાના પરિવારથી દૂર રહે છે. ભાજપ સરકાર તેમના સ્થળાંતર રોકવા માટે કોઈ કામ કરી રહી નથી.’
આ પણ વાંચોઃ 2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર


