Get The App

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
RJD Rajya Sabha Presence

RJD Rajya Sabha Presence: આરજેડી (RJD) પર બિહાર ચૂંટણીના પરિણામોની ગંભીર અસરો જોવા મળશે. પાર્ટીએ 143 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હોવા છતાં, માત્ર 25 બેઠકો જ જીતી શકી. આના કારણે, 2030 આવતા-આવતા રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના તમામ સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ જશે અને ત્રણ દાયકામાં પહેલીવાર પાર્ટી ત્યાં પ્રતિનિધિત્વ વિનાની રહી જશે.

રાજ્યસભામાં RJDનો ભવિષ્યનો પડકાર

2030માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ, આરજેડીના ઓછા ધારાસભ્યોને કારણે દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં તેમનો એક પણ સાંસદ નહીં હોય. જોકે ઓવૈસીની પાર્ટી AIMIM જો આરજેડીને સમર્થન આપે તો પણ ઉપલા ગૃહમાં પોતાનો સાંસદ મોકલવો આરજેડી માટે મુશ્કેલ બની રહેશે. નોંધનીય છે કે આ વખતે બિહારમાં આરજેડી અને AIMIM અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા અને ઘણી બેઠકો પર બંને પક્ષોએ એકબીજાના ઉમેદવારને હરાવ્યા છે.

2026-2028: આરજેડીની રાજ્યસભામાં ઘટશે હાજરી

મીડિયા અહેવાલ મુજબ, રાષ્ટ્રીય જનતા દળના હાલમાં રાજ્યસભામાં 5 સાંસદો છે. જેમ જેમ આ સાંસદોનો કાર્યકાળ પૂરો થશે, તેમ તેમ રાજ્યસભામાં આરજેડીની હાજરી ઘટતી જશે. અહેવાલ મુજબ, 2026 અને 2028માં રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો માટેની ચૂંટણીમાં, આ વિધાનસભામાં 5 બેઠકો મેળવનાર AIMIMના સમર્થન સાથે પણ આરજેડી માટે બેઠક જીતવી સરળ નહીં હોય.

વળી, 2030ની રાજ્યસભાની ચૂંટણીમાં જો AIMIM આરજેડીને ટેકો આપે તો લાલુ યાદવની પાર્ટી કદાચ એક બેઠક બચાવી શકે. જોકે, તેની શક્યતા ઓછી જણાય છે, કારણ કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન નાની પાર્ટીઓ રાજકીય અનુકૂળતા, સમીકરણો અને પોતાના ફાયદાના આધારે મતદાન કરવાનું પસંદ કરે છે.

ક્યારે કયા સાંસદો નિવૃત્ત થશે?

હાલમાં રાષ્ટ્રીય જનતા દળના જે પાંચ સાંસદો રાજ્યસભામાં છે, તેમની નિવૃત્તિની સમયરેખા નક્કી છે. ગૃહમાં પાર્ટીના નેતા પ્રેમચંદ ગુપ્તા અને એ. ડી. સિંહ એપ્રિલ 2026માં નિવૃત્ત થશે. ત્યાર પછી, ત્રીજા સાંસદ ફૈયાઝ અહમદ જુલાઈ 2028માં નિવૃત્ત થશે. બાકીના બે સાંસદ, મનોજ કુમાર ઝા અને સંજય યાદવ એપ્રિલ 2030માં પોતાનો કાર્યકાળ પૂરો કરશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, જો એપ્રિલ 2030 પહેલાં રાષ્ટ્રીય જનતા દળ અન્ય કોઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એટલા ધારાસભ્યો નહીં જીતે કે તેઓ રાજ્યસભામાં ઓછામાં ઓછો એક સાંસદ જીતાડી શકે, તો એપ્રિલ 2030 પછી રાજ્યસભામાં આરજેડીનો એક પણ સાંસદ બાકી રહેશે નહીં.

આ પણ વાંચો: 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન

NDA પાંચેય બેઠકો જીતી શકે છે

2026માં બિહારમાંથી ખાલી થઈ રહેલી 5 રાજ્યસભા બેઠકો માટે મતદાન થશે. આમાં બે બેઠકો જેડીયુ પાસે છે અને એક રાષ્ટ્રીય લોક મોરચા (RLM) પાસે છે. આ બંને પાર્ટીઓ NDAનો હિસ્સો છે. હવે નવી બિહાર વિધાનસભાનું સંખ્યાબળ (શક્તિ સંતુલન) એવું છે કે NDA આ પાંચેય બેઠકો પર જીત હાંસલ કરી લેશે.

2028માં આ જ રીતે, 2028માં રાજ્યસભાના 5 સભ્યો નિવૃત્ત થશે. આમાં ત્રણ બીજેપીના, એક જેડીયુના અને એક આરજેડીના હશે. ત્યારે આ પાંચેય બેઠકો પણ NDAના ખાતામાં જશે.

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર 2 - image

Tags :