RK Singh Respond on Suspension from BJP : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. સવારે જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 'કારણ બતાવો નોટિસ' (Show-Cause Notice) ફટકારવામાં આવી હતી. જેના ગણતરીના કલાકો બાદ જ આર.કે. સિંહે પાર્ટી છોડી દીધી છે.
જે.પી. નડ્ડાને પત્ર લખ્યો
આર.કે. સિંહે આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને એક પત્ર લખીને જાણકારી આપી હતી. પત્રમાં આર.કે. સિંહે જણાવ્યું હતું કે, ‘મને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે પાર્ટીએ મારી વિરુદ્ધ સસ્પેન્શન અને શો-કોઝ નોટિસ જાહેર કરી છે. નોટિસમાં આરોપોની વિગતો આપવામાં આવી નથી, તેથી તેના પર યોગ્ય રીતે જવાબ આપવો શક્ય નહોતો.’
આ પણ વાંચોઃ 2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
મેં તો દેશ હિતમાં વાત કરી હતીઃ આર.કે. સિંહ
આર.કે. સિંહે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, ‘મારું નિવેદન ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ટિકિટ આપવા વિરુદ્ધ હતું. આ પગલું કોઈ પણ રીતે પાર્ટી-વિરોધી વલણ નથી, પરંતુ દેશ અને સમાજના હિતમાં ઉઠાવવામાં આવ્યું છે.’ આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ‘પાર્ટીમાં કેટલાક લોકો રાજકારણમાં ગુનાખોરી અટકાવવાના વિરોધમાં છે.’
BJPની કાર્યવાહી
આ રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બિહાર વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે પાર્ટીમાં બળવાખોરીના આરોપસર આર.કે. સિંહને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત ભાજપે તેમની વિરુદ્ધ 'પાર્ટી-વિરોધી ગતિવિધિઓ' અને સંગઠનાત્મક અનુશાસનનું ઉલ્લંઘન કરવાના આરોપો પણ લગાવ્યા હતા. આર.કે. સિંહ ઉપરાંત, પાર્ટીએ MLC અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને પણ સમાન આરોપોસર સસ્પેન્ડ કરી દીધા છે.
શો-કોઝ નોટિસમાં શું કહેવાયું?
ભાજપે આર.કે સિહંને સસ્પેન્ડ કરતા સમયે શો-કોઝ (કારણ બતાવો) નોટિસ પણ ફટકારી હતી. નોટિસમાં આરોપ લગાવાયો હતો કે તેમના જાહેર નિવેદનો અને વર્તન દ્વારા પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. નોટિસમાં લખ્યું હતું કે, 'તમે પાર્ટી-વિરોધી ગતિવિધિઓમાં સામેલ છો, જેનાથી પાર્ટીને નુકસાન થયું છે. તેથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તમને પાર્ટીમાંથી કેમ કાઢી મૂકવા નહીં જોઇએ તે અંગે જણાવવા માટે કહેવામાં આવે છે.’


