અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમૃતસરમાં મહિનામાં બીજી વખત શંકાસ્પદ ડ્રોન દેખાયા
- રનવેને પણ થોડા સમય માટે બંધ કરવો પડયો, ડ્રોન ક્યાંથી આવ્યા તેની તપાસ માટે પોલીસ દોડતી થઇ
અમૃતસર : પંજાબના અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આસપાસ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા, જેને પગલે થોડા સમય માટે એરપોર્ટની એરસ્પેસ બંધ કરવી પડી હતી. સાથે જ કેટલીક ફ્લાઇટને દિલ્હી અને ચંડીગઢ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. રવિવારે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ એરપોર્ટ ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા.
ડ્રોન દેખાયા બાદ તાત્કાલીક એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં બાદમાં એરસ્પેસ પણ બંધ કરવી પડી હતી. આ ઉપરાંત ત્રણ ફ્લાઇટો ડાયવર્ટ કરવી પડી હતી. એર ઇન્ડિયાની એક ફ્લાઇટને દિલ્હી પરત મોકલવામાં આવી હતી. જ્યારે મુંબઇથી અમૃતસર આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને ચંડીગઢ, અને કુઆલાલંપુરથી આવી રહેલી મલેશિયન ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ઉડાનનો માર્ગ બદલી નાખવામાં આવતા અનેક મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા રહ્યા હતા.
અચાનક ટિકિટો રદ થઇ જેને કારણે પણ તેઓ નિરાશ થયા હતા. આ પહેલા પણ છ સપ્ટેમ્બરના રોજ રનવે અને ઓપરેશનલ એરિયા આસપાસ ડ્રોન જોવા મળ્યા હતા. તે સમયે પણ ઉડાનનું સંચાલન ૯૦ મિનિટ સુધી રોકવુ પડયું હતું. પોલીસને એવી શંકા છે કે આ ડ્રોન નજીકના એક ગામમાં કબડ્ડી ટુર્નામેન્ટની વીડિયોગ્રાફી કરી રહ્યા હોઇ શકે છે. અમૃતસર ગ્રામીણ એસએસપી કવલપ્રીતે કહ્યું હતું કે હાલમાં આ ડ્રોન ક્યાંથી આવ્યા હતા અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. પોલીસની ટીમો આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી રહી છે.




