India

સાયબર ગુનાનું નવું શસ્ત્ર AI : કંપનીઓને કરોડોનો ફટકો

By GS Team
5 Aug 20264 mins read
TukuTouch Logo
આઈબીએમના રિપોર્ટ મુજબ, દુનિયામાં દર ચારમાંથી એક સાયબર હુમલો AI દ્વારા થાય છે, જેમાં 56%નો વધારો થયો છે. AI આધારિત ડેટા બ્રીચથી કંપનીઓને સરેરાશ 60 લાખ ડોલરનું નુકસાન થાય છે, જ્યારે હેલ્થકેરમાં 66.4 લાખ ડોલરનું નુકસાન થાય છે. ભારતમાં 26% સાયબર હુમલા AI દ્વારા થાય છે, જેનાથી કંપનીઓને સરેરાશ 25.50 કરોડનું નુકસાન થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ગુનાનું નવું શસ્ત્ર AI : કંપનીઓને કરોડોનો ફટકો
  • વિશ્વમાં દર ચારમાંથી એક સાયબર હુમલો એઆઈથી : આઈબીએમના રિપોર્ટમાં ઘટસ્ફોટ
  • એઆઈ આધારિત ડેટા બ્રીચથી અસરગ્રસ્ત કંપનીઓને સરેરાશ ૬૦ લાખ ડોલરનું નુકસાન : હેલ્થકેરમાં સૌથી વધુ ૬૬.૪ લાખ ડોલર
  • અમેરિકામાં ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ ૧.૧૫ કરોડ ડોલર રહ્યો, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણાથી વધુ

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુનિયામાં તિવ્ર ગતિએ વેપાર અને ટેક્નોલોજી બદલાઈ રહ્યા છે તેટલી જ ઝડપથી એઆઈ દુનિયા માટે જોખમી સાબિત થઈ રહી છે. હવે સાયબર ગુનેગારો પણ હેકિંગ સહિતના સાયબર ગુનાઓ માટે એઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. દુનિયામાં સાયબર હુમલા માટે એઆઈનો ઉપયોગ ૫૬ ટકા વધી ગયો છે. હવે પ્રત્યેક ચારમાંથી એક સાયબર હુમલો એઆઈની મદદથી થઈ રહ્યો છે, જેના કારણે કંપનીઓને કરોડોનો ફટકો પડે છે તેમ અમેરિકાની અગ્રણી ટેક્નોલોજી કંપની આઈબીએમના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે. આ રિપોર્ટમાં માર્ચ ૨૦૨૫થી ફેબુ્રઆરી ૨૦૨૬ વચ્ચે ૬૦૨ કંપનીઓમાં થયેલા ડેટા બ્રીચનું વિશ્લેષણ કરાયું છે.
આઈબીએમના રિપોર્ટ 'કોસ્ટ ઓફ અ ડેટા બ્રીચ-૨૦૨૬' મુજબ દુનિયામાં હવે પ્રત્યેક ચારમાંથી એક સાયબર હુમલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી થાય છે. આ હુમલામાં ડીપફેક, એઆઈ આધારિત માલવેર અને ઓટોમેટેડ એટેક જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ એઆઈની મદદથી આવા હુમલા વધતા કંપનીઓને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે.
આઈબીએમના રિપોર્ટ મુજબ એઆઈની મદદથી થતા સાયબર હુમલાનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીમાં ૫૬ ટકા વધી ગયું છે. એઆઈ આધારિત ડેટા બ્રીચથી અસરગ્રસ્ત કંપનીઓને સરેરાશ ૬૦ લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જે વૈશ્વિક સરેરાશ ડેટા બ્રીચ ખર્ચ ૪૯.૯ લાખ ડોલરથી અંદાજે ૧૦ લાખ ડોલર વધુ છે. વૈશ્વિક સ્તરે ડેટા બ્રીચનો ખર્ચ વિક્રમી સ્તરે પહોંચી ગયો છે. અમેરિકામાં ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ ૧.૧૫ કરોડ ડોલર રહ્યો, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણાથી વધુ છે. રિપોર્ટ મુજબ આવા ૬૨ ટકા હુમલા ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર થયા છે. એઆઈ આધારિત હુમલાની સૌથી વધુ અસર હેલ્થકેર, બેન્કિંગ, એનર્જી અને અન્ય મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ક્ષેત્રો પર થઈ છે. હેલ્થકેર ક્ષેત્રમાં સતત ૧૩મા વર્ષે ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ ૬૬.૪ લાખ ડોલર રહ્યો. નાણાકીય સંસ્થાઓને સરેરાશ ૬૩ લાખ ડોલર અને એનર્જી કંપનીઓએ લગભગ ૫૨ લાખ ડોલરનું નુકસાન થયું છે. આ રિપોર્ટના એક અલગ સરવે મુજબ ૮૫ ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ એડવાન્સ એઆઈ આધારિત જોખમોને ધ્યાનમાં રાખીને તેમનું સાયબર સુરક્ષા બજેટ વધારી રહી છે. હવે કંપીઓ માત્ર હુમલા પછી સુરક્ષા વધારવાના બદલે અગાઉથી જ મજબૂત સુરક્ષાની રણનીતિ તૈયાર કરી રહી છે.
આ રિપોર્ટ મુજબ એઆઈની મદદથી સાયબર ગુનેગારો ઓછા ખર્ચે ઝડપથી હુમલા કરી રહ્યા છે જ્યારે કંપનીઓને આ હુમલાની માહિતી મેળવવામાં અને તેને રોકવામાં ઘણો વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે એઆઈ આધારિત હુમલામાં ડીપફેક ઓળખની નકલ અને એઆઈ સક્ષમ માલવેરનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી સાયબર ગુનેગારો લોકોની ઓળખનો દુરુપયોગ કરી શકે છે. આ સિવાય અનેક કિસ્સામાં એઆઈ મોડેલ અથવા એઆઈ એપ્લિકેશન સીધા જ ટાર્ગેટ કરવાના બદલે તેની સાથે જોડાયેલ એપીઆઈ, પ્લગ-ઈન અને ક્લાઉડ કોન્ફિગરેશનની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને હુમલા કરાયા હતા.
આ રિપોર્ટમાં જણાયું છે કે જે કંપનીઓએ સાયબર સુરક્ષા સિસ્ટમમાં એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કર્યો તેમનો ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ અંદાજે ૨૦ લાખ ડોલર સુધી ઓછો રહ્યો. આ ખર્ચા છતાં પ્રત્યેક ચારમાંથી એક કંપની હજુ પણ તેની સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ આધારિત ટૂલનો ઉપયોગ નથી કરી રહી. નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી સાયબર ગુનેગારો અને કંપનીઓ વચ્ચે સુરક્ષાનું અંતર વધી શકે છે.

ભારતમાં ૨૬ ટકા સાયબર હુમલા એઆઈની મદદથી
ભારતમાં ડેટા બ્રીચથી કંપનીઓને સરેરાશ નુકસાન ૨૫.૫૦ કરોડ

નવી દિલ્હી :આઈબીએમના રિપોર્ટમાં ભારતમાં ૨૦૨૬માં ડેટા લીકથી સરેરાશ ખર્ચ હવે રૂ. ૨૫.૫૦ કરોડના વિક્રમી સ્તરે પહોંચી ગયો હોવાનો પણ ઘટસ્ફોટ કરાયો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં ડેટા લીકથી થનારો આ ખર્ચ ગયા વર્ષના ૨૨ કરોડ કરતાં ૧૫.૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં ડેટા લીકની ઘટનાઓ પણ વધી રહી છે અને હવે પ્રત્યેક ઘટનામાં ૩૯,૫૦૦ રેકોર્ડ લીક થઈ રહ્યા છે. ભારતમાં થયેલા સાયબર હુમલામાં ૨૬ ટકા હુમલા એઆઈની મદદથી થયા હતા. આ રિપોર્ટ મુજબ સાયબર હુમલા મોંઘા થવાની સાથે તેનો દાયરો પણ વધ્યો છે. ભારતમાં એઆઈની મદદથી વધતા સાયબર હુમલા કંપનીઓ માટે મોટો પડકાર બની રહ્યા છે. ડેટા બ્રીચના કારણે કંપનીઓને નાણાકીય નુકસાન થવાની સાથે ગ્રાહકોનો વિશ્વાસ, કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન અને સંચાલન ક્ષમતા પર પણ અસર થાય છે.
જોકે, ભારતમાં માત્ર ૩૨ ટકા કંપનીઓ જ સિક્યોરિટી ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે. ૩૬ ટકા કંપનીઓએ મર્યાદિત ઉપયોગ કર્યો છે જ્યારે ૩૨ ટકા કંપનીઓ એઆઈ અને સિક્યોરિટી ઓટોમેશનનો જરા પણ ઉપયોગ નથી કરી રહી. ભારતમાં એઆઈનો ઝડપથી ઉપયોગ વધવાથી ઈનોવેશનની તકો વધ્યા છે, પરંતુ સાયબર જોખમ પણ વધ્યા છે. આઈબીએમ ઈન્ડિયાના ગૌરવ અગ્રવાલે કહ્યું કે, જે કંપનીઓમાં એઆઈ અથવા સિક્યોરિટી ઓટોમેશનનો ઉપયોગ નથી થતો તેમને સરેરાશ પ્રતિ ડેટા બ્રીચ લીક ૩૧.૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડી છે.