'પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો...?', જયશંકરનો વિપક્ષને સવાલ
S Jaishankar Question Indus Treaty: રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે (30 જુલાઈ) ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરુ કરી હતી. વિદેશ મંત્રીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને પહલગામ બાદ ઉઠાવવામાં આવેલું સૌથી મહત્ત્વનું પગલું કહ્યું. આ સિવાય કહ્યું કે, જ્યારે પાકિસ્તાન સાથે મિત્રતા નહતી, ન તો ગુડવિલ હતી તો આવી સિંધુ જળ સંધિ કરવાની શું જરૂર હતી? આ શાંતિની કિંમત હતી. આ તુષ્ટિકરણની કિંમત હતી. તેમને પંજાબ, રાજસ્થાન, હરિયાણાના ખેડૂતોની ચિંતા નહતી. તેમને પાકિસ્તાનના પંજાબના ખેડૂતોની ચિંતા હતી.
દુનિયાએ જોયું કે, ભારતે કેવી રીતે જવાબ આપ્યો
એસ. જયશંકરે રાજ્યસભામાં પહલગામ હુમલા બાદ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાં ગણાવ્યા. તેમણે કહ્યું કે, 'અમે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા. સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી અને કહ્યું કે, લોહી અને પાણી એકસાથે નહીં વહે. આ સંધિને મોદી સરકારે રોકી. દુનિયાએ જોયું કે, ભારતે કેવી રીતે જવાબ આપ્યો. અમારા નિશાના પર આતંકવાદી અને આતંકવાદીઓના ઠેકાણા હતા. અમે દુનિયા સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું.'
આ પણ વાંચોઃ ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઈમ બોમ્બ સમાન... રાજ્યપાલ આર.એન રવિનો મોટો દાવો
કોંગ્રેસ પર કર્યા પ્રહાર?
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, 'ભારતે વર્ષો સુધી સરહદ પાર આતંકવાદ સહન કર્યું છે. અમે જે કરી રહ્યા છીએ તે કરતા રહીશું. દરેક વખતે આટલી મોટી ઘટના બને છે, મુંબઈમાં બ્લાસ્ટ થાય છે અને અમુક મહિના બાદ તમે કહો છો કે, નહીં, નહીં ઠીક છે. જે થવાનું હતું એ થઈ ગયું, ચાલો વાત કરીએ. બોલો, હવે પછી તમને કોણ ગંભીરતાથી લેશે? અમે આતંકવાદને ગ્લોબલ એજન્ડા બનાવ્યો. આ મોદી સરકારના પ્રયાસોથી શક્ય થયું. આજે આતંકવાદીઓને મળતું ફન્ડિંગ બંધ થઈ ગયું છે.'
UNSC રિપોર્ટમાં ઉઘાડું પડ્યું પાકિસ્તાન
આતંકવાદ મુદ્દે વિદેશ મંત્રીએ કહ્યું કે, 'આપણે આતંકવાદને એક-બે કે 10 વર્ષથી નહીં પરંતુ, 1947થી સહન કરી રહ્યા છીએ. ભારતના આતંકી હુમલાને દુનિયાએ જોયું. UNSC રિપોર્ટમાં પાકિસ્તાન ઉઘાડું પડ્યું. 26/11ના ગુનેગાર તહવ્વુર રાણાને લઈને અમે લઈને આવ્યા. આપણી ડિપ્લોમેસી સફળ રહી. અમેરિકાએ પણ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કર્યું.'
આ પણ વાંચોઃ ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો
DGMO સાથે પાકિસ્તાને કરી વાતચીત
ઓપરેશન સિંદૂર વિશે એસ. જયશંકરે કહ્યું કે, 'અમારો ટાર્ગેટ નક્કી હતો. અમે કાર્યવાહી કરી અને એ પણ સ્પષ્ટ કરી દીધું કે, ભારત કોઈપણ મધ્યસ્થતા સ્વીકારશે નહીં. જો કોઈ વાત થશે તો ડીજીએમઓ ચેનલ દ્વારા જ થશે. પાકિસ્તાનના ડીજીએમઓએ આપણા ડીજીએમઓ સાથે વાત કરી અને હુમલાને રોકાવાનું કહ્યું.'
વડાપ્રધાનની ટ્રમ્પ સાથે કોઈ વાતચીત નથી થઈ
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વિશે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, 'દુનિયાના કોઈપણ નેતાએ ક્યાંયથી પણ ભારતને ઓપરેશન રોકવાનું નથી કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે કોઈ વાતચીત નથી કરી. સાઉદી અરેબિયા સહિતના દેશો સાથે વાતચીત થઈ. તમામ કૉલ રેકોર્ડ પર છે. મારા સોશિયલ મીડિયા પર પણ છે. દરેકને અમે એ જ કહ્યું કે, પાકિસ્તાન સંઘર્ષ રોકવા ઇચ્છે છે તો તે અમારી ડીજીએમઓ ચેનલ દ્વારા કરે. કાન ખોલીને સાંભળી લો... 12 એપ્રિલથી 22 જૂન સુધી એક પણ ફોન કૉલ વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ વચ્ચે નથી થયો.'