India

કોકરોચ પછી હવે નવી દિમાગી નક્સલ પાર્ટી

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીના 'દિમાગી નક્સલી' શબ્દપ્રયોગ બાદ સોશિયલ મીડિયા પર 'દિમાગી નક્સલ પાર્ટી' નામનું એક ઇન્સ્ટાગ્રામ પેજ રાતોરાત બન્યું છે. નવી દિલ્હીમાં બનેલા આ પેજને 2 લાખથી વધુ ફોલોઅર્સ મળ્યા છે. ચિદમ્બરમ્ અને કેજરીવાલ જેવા નેતાઓએ આ પાર્ટીને સમર્થન આપ્યું છે. દેશના રાજકારણમાં આ નવા 'વિદુષકો'ની ચર્ચા ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોકરોચ પછી હવે નવી દિમાગી નક્સલ પાર્ટી
  • સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ કોકરોચ જનતા પાર્ટી અને પીએમ મોદી દિમાગી નક્સલ પાર્ટીના 'જન્મદાતા'
  • દેશના રાજકારણમાં નવા વિદુષકો : રાતોરાત દિમાગી નક્સલ પાર્ટી બની, ઈન્સ્ટાગ્રામમાં બે લાખ ફોલોઅર્સ, પેજ ભેદી રીતે દેખાતું બંધ થયું
  • 'દિમાગી નક્સલ હોવાનું ગૌરવ છે' : ચિદમ્બરમ્ અને કેજરીવાલે દિમાગી નક્સલ પાર્ટીનું સમર્થન કર્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના ભાષણમાં વિચારધારાથી અરાજકતા ફેલાવતા લોકો માટે દિમાગી નક્સલી શબ્દ પ્રયોજ્યો હતો. આવો શબ્દ કોના સંદર્ભમાં પ્રયોજ્યો તે બાબતે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. એ દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ પેજ બની ચૂક્યું છે અને તેમાં લાખો ફોલોઅર્સ પણ બની ગયા છે. એટલું જ નહીં, થોડા ફેરફાર સાથે દિમાગી નક્સલ પાર્ટી નામથી બનેલા અન્ય પેજમાં પણ ફોલોઅર્સનો આંકડો વધતો જાય છે. આ મુદ્દે હવે રાજકીય રંગ લાગી ચૂક્યો છે. પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના નેતા ચિદમ્બરમ્થી લઈને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિમાગી નક્સલ પાર્ટીને સમર્થન આપ્યું હતું.
કોકરોચ જનતા પાર્ટીને ઓનલાઈન જે સફળતા મળી તે પરથી હવે પીએમ મોદીના દિમાગી નક્સલી શબ્દ પર પણ વ્યંગમાં દિમાગી નક્સલ પાર્ટી નામની એક ઓનલાઈન પાર્ટી બની ચૂકી છે. આ પેજમાં ફોલોઅર્સનો આંકડો રાતોરાત ૨ લાખ થઈ ચૂક્યો છે. લોકો સતત આ ઈન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી રહ્યાં છે. આ પેજમાંથી માત્ર ૧૨ જ પોસ્ટ થઈ છે છતાં ફોલોઅર્સનો આંકડો બે લાખે પહોંચવાની તૈયારીમાં છે. પેજના બાયોમાં ફાઉન્ડરના નામમાં લખ્યું હતું : અ દિમાગી ઈન્ડિયન. ઈન્સ્ટાગ્રામના પેજમાં જે ડીપી રાખવામાં આવ્યું છે એમાં ચશ્મા પહેરેલા એક ફેસને તિરંગાના કલરનું માસ્ક પહેરાવાયું છે. બેકગ્રાઉન્ડમાં અશોકચક્ર દેખાય છે.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં ૧૫મી ઓગસ્ટના દિવસે કહ્યું હતું કે જંગલોમાં હથિયાર ઉઠાવનારા લોકો સામે તો દેશે બહુ મોટી સફળતા મેળવી લીધી છે, પરંતુ હજુય એવા દિમાગી નક્સલીઓ છે, જે વિચારધારાના માધ્યમથી દેશમાં અશાંતિ ફેલાવે છે. એવા લોકોને ઓળખવાની જરૂર છે અને એવા લોકોને આસોલેટેડ કરવાની જરૂર છે. આ નિવેદન તેમણે દિલ્હીના દેખાવકારોના સંદર્ભમાં આપ્યું હોવાની ચર્ચા ચાલી હતી. હવે તો દિમાગી નક્સલ પાર્ટીમાં જુદા જુદા નામ ઉમેરીને અનેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બની ચૂક્યા છે.
એટલું જ નહીં, દિમાગી નક્સલીના મુદ્ે રાજકીય રંગ પણ લાગ્યો છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું હતું કે મને દિમાગી નક્સલી હોવાનું ગૌરવ છે. દિમાગી નક્સલ એ બીજું કશું નથી, ભાજપના અર્બન નક્સલ, આંદોલનજીવી અને ટૂકડે ટૂકડે ગેંગ જેવા શબ્દોનું એક્સટેન્શન છે. વિરોધીઓને ટાર્ગેટ કરવા માટે અપમાનજનક શબ્દોનો ભાજપ પ્રયોગ કરે છે એમાં પીએમ મોદીએ એકનો વધારો કર્યો છે એવું ચિદમ્બરમે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું પણ દિમાગી નક્સલ છું. કારણ કે હું દેશભક્ત છું. ભાજપની સરકાર સામે જે પ્રશ્નો પૂછવાની હિંમત કરે છે એ મોદીના હિસાબે દિમાગી નક્સલી છે.
છેલ્લાં ઘણાં સમયથી દેશમાં ફ્રિવલસ પાર્ટીઓ બનાવીને વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સીજેઆઈ સૂર્ય કાંતે બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી એ પછી કોકરોચ જનતા પાર્ટી બની અને તેણે છેલ્લાં દોઢ દશકામાં દેશના સૌથી મોટા આંદોલનને અંજામ આપ્યો. એ પછી ઈ-૨૦ મુદ્દે ઈ-૨૦ જનતા પાર્ટી બની છે, જે દેશના વાહનો માટે ફરજિયાત કરાયેલા ઈથેનોલનો વિરોધ કરે છે.
હવે મોદીના એક શબ્દપ્રયોગમાંથી દિમાગી નક્સલ પાર્ટી બની છે. કેટલાક લોકોએ વ્યંગમાં એવુંય કહ્યું હતું કે ખરેખર ક્રેડિટ આપવી હોય તો સીજેઆઈ કોકરોચ જનતા પાર્ટીના અને પીએમ મોદી દિમાગી નક્સલ પાર્ટીના 'જન્મદાતા' છે.